ભાજપનું 'ચંદા લો, ધંધા દો' ભ્રષ્ટાચારી મોડલ ઉઘાડું પડ્યું, દિલ્હીની ઘટના પર પ્રિયંકા ગાંધીના પ્રહાર
Priyanka Gandhi Vadra On BJP: આકાશમાંથી વરસાદી આફત ખાબકતા શુક્રવારે (28મી જૂન) પહેલા જ વરસાદમાં દિલ્હી ડૂબી ગયું હતું. આ દરમિયાન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક કાર છતની નીચે દબાઈ ગઈ હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે અને છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઘટનાને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે 'X' પર લખ્યું કે, 'ભાજપનું 'ચંદા લો, ધંધા દો' ભ્રષ્ટાચારી મોડેલ ઉઘાડું પડ્યું છે.'
પ્રિયંકા ગાંધીના પીએમ મોદી પર આકરા પ્રહાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'માર્ચમાં વડાપ્રધાને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1નું ઉદ્ઘાટન કર્યું હતું, તેની છત તૂટી પડી છે. જેમાં એક કેબ ડ્રાઈવરનું મોત થયું હતું. ત્રણ મહિના પહેલા વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા જબલપુર એરપોર્ટની છત પણ પડી ગઈ હતી. '
પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું, 'અયોધ્યામાં નિર્માણ કાર્યની ખરાબ હાલતથી સમગ્ર દેશ દુ:ખી છે. આ ભાજપનું ચંદા લો, ધંધા દોનું ભ્રષ્ટાચારી મોડલ છે, જે હવે ઉઘાડું પડ્યું છે. સવાલ એ છે કે શું વડાપ્રધાન ઉદ્ઘાટન મંત્રી જી નબળા બાંધકામ અને આ ભ્રષ્ટાચારી મોડલની જવાબદારી કોણ લેશે?'
આ પણ વાંચો: પેપર લીક વિવાદ વચ્ચે NTAએ UGC NETની નવી તારીખો જાહેર કરી, ઓનલાઈન લેવાશે પરીક્ષા
ઉમા ભારતીએ ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીની આ ટિપ્પણી પર ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ પ્રતિક્રિયા આપી હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન ગ્વાલિયરમાં લાદવામાં આવેલી ઈમરજન્સીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'જ્યારે આ દેશ પર પ્રિયંકા ગાંધીના પરિવારનું શાસન હતું. ત્યારે ઈમરજન્સી લાદવાને કારણે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. લોકશાહીની સંસ્થાઓ બંધ હતી. લાખો લોકોને જેલમાં ધકેલી દીધા.'