કાશ્મીર ખીણમાં પણ ગૂંજશે જન ગણ મન, સ્કૂલોની મોર્નિંગ એસેમ્બલીમાં રાષ્ટ્રગાન સામેલ કરવાના નિર્દેશ
Image:X
આર્ટિકલ 370 રદ્દ થતા અંતે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ બન્યું હોય તેવો આભાસ થાય છે. રાજ્યના ઐતિહાસિક શ્રીનગર, લાલ ચોકમાં ધ્વજારોહણથી દરેક ભારતીય ગદગદ થયા હતા. હવે કાશ્મીર ખીણમાં પણ ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન ગૂંજતું સંભળાશે.
શિક્ષણ વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની દરેક શાળામાં સવારની એસેમ્બલી શરૂ કરવાનો અને તેમાં રાષ્ટ્રગીતને ફરજિયાત રીતે સામેલ કરવાનો નિર્દેશ આપ્યો છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવે એક પરિપત્ર દ્વારા તમામ શાળાઓને કેન્દ્રશાસિત પ્રદેશમાં સવારની એસેમ્બલી સમાન બનાવવાનો નિર્દેશ આપ્યો છે. બુધવારે જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ, સવારની મીટિંગ રાષ્ટ્રગીત સાથે શરૂ થવી જોઈએ."
વિદ્યાર્થીઓ માટે મોર્નિંગ એસેમ્બલી જરૂરી :
વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, સવારની સભા વિદ્યાર્થીઓમાં એકતા અને શિસ્તની લાગણી જગાડવામાં એક અમૂલ્ય યોગદાન આપશે. અત્યારસુધી નોંધવામાં આવ્યું છે કે JKની વિવિધ શાળાઓમાં આ મહત્વપૂર્ણ પરંપરા સમાન રૂપથી ચલાવવામાં આવી નથી આવી રહી.
જમ્મુ-કાશ્મીર પર PM-HMની ચાંપતી નજર :
સામે પક્ષે એક મહત્વની વાત એ છે કે રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની તૈયારી શરૂ થઈ શકે છે. કેન્દ્રમાં નવી એનડીએની ગઠબંધનની સરકારની રચનાના એક જ સપ્તાહમાં અને ખાસ કરીને છેલ્લા 3 દિવસમાં 4 આંતકાવાદી હુમલા થયા છે. UT હોવાથી આ મુદ્દે જવાબદારી કેન્દ્ર સરકારની બને છે તેથી સરકાર પણ જમ્મુ-કાશ્મીરની વણસી રહેલી સ્થિતિને સામાન્ય નથી લઈ રહી.
વડાપ્રધાને NSA અને અન્ય અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી છે. વડાપ્રધાનને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને આતંકવાદને ડામવા માટેના પ્રયાસો ઝડપી કરાયા છે. આ હુમલાઓએ અંગે PMએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરીને સુરક્ષા દળોની તૈનાતી વધારવા અને તેમને ખુલ્લી છૂટ આપવા જણાવ્યું છે.