Video: રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ પિત્તો ગુમાવ્યો, મતદાન વચ્ચે SDMનો લાફો ઝીંકી દીધો
Naresh Meena Slapped SDM Amit Chaudhary: રાજસ્થાનમાં ટોંક જિલ્લાના દેવલી-ઉનિયારા બેઠક પર થઈ રહેલી પેટા ચૂંટણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘટના એમ છે કે, આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ ગુસ્સામાં આવીને માલપુરા SDM અમિત ચૌધરીને લાફો ઝીંકી દીધો છે. ત્યારબાદ ગામનો માહોલ બગડી ગયો છે.
મામલો એ છે કે, અપક્ષ ઉમેદવાર અને SDM વચ્ચે ગ્રામીણોની માગને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. આ બોલાચાલી એટલી વધી ગઈ કે, નરેશ મીણાએ પોતાનો પિત્તો ગુમાવી દીધો અને ગુસ્સામાં આવીને SDMને લાફો ઝીંકી દીધો હતો.
શું છે સમગ્ર મામલો?
દેવલી-ઉનિયારા વિધાનસભા મતવિસ્તારના કચરાવતા ગ્રામ પંચાયતના સમરાવત ગામના ગ્રામીણોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામીણોનું કહેવું છે કે, અમારું ગામ પહેલા ઉનિયારા ઉપખંડમાં હતું, પરંતુ બાદમાં પાછલી સરકારે અમારા ગામને ઉનિયારાથી હટાવીને દેવલી ઉપખંડમાં સામેલ કરી દીધું હતું. તેનાથી ગ્રામીણો નારાજ છે. ગ્રામીણોની માગ છે કે, ગામને ફરી એક વખત ઉનિયારામાં સામેલ કરવામાં આવે. પોલીસ અને વહીવટી અધિકારીઓ ત્યાં ગ્રામણોને સમજાવી રહ્યા હતા. દરમિયાન નરેશ મીણા ગ્રામીણોને સમર્થન આપવા ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન મીણા અને માલપુરાના એસડીએમ અમિત ચૌધરી વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. આ દરમિયાન મીણાએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો અને એસડીમને લાફો મારી દીધો હતો.
આ ઘટના બાદ પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને મીડિયાને આ અંગે જણાવ્યું કે, 'નરેશ મીણા મતદાન કેન્દ્ર પર દોડીને આવ્યા અને એસડીએમ અમિત ચૌધરી સાથે મારપીટ કરી હતી. આ બાબતની તાત્કાલિક નોંધ લેવામાં આવી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'