નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત : યુક્રેન, ગાઝા યુદ્ધો ક્વૉડ-સમિટમાં ટોપ એજન્ડા બની રહેશે
- ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સહકાર સાંધી સ્થિરતા માટે વિચારણા
- આ શિખર પરિષદમાં બાયડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આલ્બાનિઝ અને જાપાનના વડાપ્રધાન ફૂમીયો કીશીદા ઉપસ્થિત રહેવાના છે
વૉશિંગ્ટન,નવીદિલ્હી : ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સ્થિરતા લાવવા માટે તેમજ ગાઝા અને યુક્રેન યુદ્ધોમાં શાંતિ-પૂર્વક ઉકેલ શોધવા માટે ઉપરાંત ગ્લોબલ સાઉથના પ્રશ્નો ઉકેલવા માટે પ્રમુખ બાઇડેનનાં વતનનાં શહેર ડેલપર સ્થિત વિલ્મીન્ગ્ટનમાં તા. ૨૧મીએ યોજાનારી ક્વૉડ શિખર પરિષદમાં ચર્ચા કરવામાં આવશે.
શનિવારથી શરૂ થનારી આ પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રશ્નો અંગે પોતાનું મંતવ્ય રજૂ કરશે.
આ પછી યુએનની મહાસભામાં યોજાનારી સમિટ ઓફ ધ ફયુચરને મોદી સંબોધન કરવાના છે. તે પછી વડાપ્રધાન અમેરિકાની ટૉપ કંપનીઓના સીઇઓ સાથે ગોળમેજી પરિષદ યોજશે. જેમાં નિવેશ અને ટેકનોલોજી સેક્ટર પર સૌથી વધુ ભાર મુકાશે.
આ પછી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ જો બાયડેન તેમજ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ચર્ચા કરશે.
તારીખ ૨૧મીએ યોજાનારી ક્વૉડ શિખર પરિષદમાં અમેરિકાના પ્રમુખ જો બાયડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝ તથા જાપાનના વડાપ્રધાન ફૂમીયો કીશીદા ઉપસ્થિત રહેવાના છે. ક્વૉડના આ ત્રણે નેતાઓ સાથે મોદી સેપરેટ બાયલેટરલ ટૉક (અલગ અલગ દ્વિપક્ષીય મંત્રણા) યોજવાના છે.
ક્વૉડ સમિટમાં સભ્ય દેશો ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા તથા ગાઝા તેમજ યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા ઉપરાંત ગ્લોબલ સાઉથના પ્રશ્નોની ચર્ચા કરાશે. જેમાં આરોગ્ય ઋતુ પરિવર્તન, નવી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રકચર, પારસ્પરિક સંપર્ક વધારવા તથા ત્રાસવાદનો સામનો કરવો અને જે દેશોને જરૂર હોય ત્યાં માનવતાભરી સહાય મોકલવા ચર્ચા કરાશે.
આ અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે કવૉડના નેતાઓ કેન્સર જેવા મહારોગનો સામનો કરવા માટે પણ ચર્ચા કરશે. જેમાં કેન્સર અટકાવવા, થયું હોય તો તે શોધી કાઢવા અને તે વિષેના ઉપચારો અંગે પણ થશે.
સૌથી વધુ મહત્ત્વની વાત તે છે કે ક્વૉડના નેતાઓ તેમજ વિશ્વના અન્ય દેશોના નેતાઓને વિશ્વાસ છે કે ગાઝા-યુદ્ધ કે યુક્રેન યુદ્ધ બંનેમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો અનિવાર્ય છે. અને માટે નરેન્દ્ર મોદી જ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. તેમને પુતિન તથા ઝેલેન્સ્કી તેમ બંને સાથે તેમજ ઇઝરાયલ અને હમાસના નેતાઓ સાથે સારા સંબંધો છે. તેથી તેઓ જ આ વિવાદો ઉકેલવામાં મોદી જ સૌથી વધુ સહાય કરી શકે તેમ છે તેથી જવાબદારી મોદીને સોંપવા ક્વૉડ સમિટમાં નિર્ણય લેવાય તે પણ સંભાવના છે.