નરેન્દ્ર મોદીના શપથ સમારોહના કરણે દિલ્હી હાઈ એલર્ટ પર
- દિલ્હી પોલીસ અને સુરક્ષા દળના 10,000થી વધારે જવાનો સુરક્ષા માટે ખડેપગે રહેશે
નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરૂવાર
નરેન્દ્ર મોદી અને અન્ય સાસંદના શપથ સમારોહના કારણે દિલ્હી આજે હાઈ એલર્ટ પર છે. ખાસ કરીને નવી દિલ્હી, સેન્ટ્રલ દિલ્હી અને સાઉથ દિલ્હીને પોલીસે પોતાના બાનમાં લઇ લીધું છે. આ ત્રણ જિલ્લામાં ટ્રાફિક સાથે લો એન્ડ ઓર્ડર પર પણ વિશેષ સતર્કતા દાખવવામાં આવી છે. આ ત્રણેય વિસ્તારમાં પોલીસની સાથે-સાથે પેરામિલીટ્રી ફોર્સની ટુકડીઓ પણ તૈનાત રાખવામાં આવી છે. દિલ્હી પોલીસના મોટા અધિકારીઓ આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા છે. જોઈન્ટ સીપીથી લઈને સ્પેશલ સીપી સુધીના અધિકારીઓની વિશેષ નજર છે. દિલ્હીના પોલીસ કમિશનર ખુદ મોનિટરીંગ કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી અને સાંસદોના શપથ ગ્રહણ કાર્યક્રમમાં આજે વિદેશી મહેમાનોની સાથે ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને ગવર્નર તથા વિશિષ્ટ અતિથિઓના આગમનને લઇને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા દળના 10,000થી વધારે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ રૈપિડ એક્શન ફોર્સની ટીમને પણ રાખવામાં આવી છે. લુટીયન્સની મહત્વપૂર્ણ ઇમારતોમાં શાર્પશૂટર્સને પણ તૈનાત રાખવામા આવ્યા છે, જે સમગ્ર વિસ્તારમાં અવર-જવર કરતા લોકો પર બાઝ નજર રાખી રહ્યાં છે.
નવી દિલ્હીના ડીસીપી મધુર વર્માએ મીડિયા સાથે વાતચીત કતા કહ્યું કે, શપથ સમારોહ માટે દિલ્હી પોલીસ તૈયાર છે. સુરક્ષાની સાથે લોકોની સુવિધાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. 8 હજારથી વધારે લોકો શપથ સમારોહમાં આવશે માટે તમામ સરકારી કચેરીઓ 2 વાગ્યે બંધ કરી દેવામાં આવી છે. સાથે જ દિલ્હીમાં આવનાર મહેમાનોને કોઈ તકલીફ ન થાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને NSG કમાંડોએ ઘેરી લીધો છે. ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવશે. ઘણાખરા રસ્તાઓને ડાઈવર્ડ કરવામાં આવ્યા છે. ખાસકરીને રાષ્ટ્રપતિ ભવનની આસ-પાસ સુરક્ષાનુ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે લોકો પાસે પાસ નથી એવા લોકોને રાષ્ટ્રપતિ ભવનની આસ-પાસ ફરકવા દેવામાં પણ નહીં આવે.