અમેરિકા યાત્રા પહેલાં ટ્રમ્પને 'ગમતો' નિર્ણય લઈ શકે છે PM મોદી! લોકો પર થશે સીધી અસર
PM Modi Visit To USA: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની અમેરિકાની મુલાકાત પહેલાં અમેરિકાના હિતમાં અમુક નિર્ણયો લઈ શકે છે. પીએમ મોદી બે દિવસીય મુલાકાત માટે આગામી સપ્તાહે રવાના થવાના છે. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે ગાઢ સંબંધ બાંધતાં પીએમ મોદી અમેરિકામાં નિકાસ વધારવાની જાહેરાત કરી શકે છે.
નિકાસને વેગ આપવા લેશે પગલું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 10 ટકા ટેરિફ લાદ્યો છે. જેની જવાબી કાર્યવાહીમાં ચીને પણ અમેરિકાની અમુક ચીજો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે બંને દેશો વચ્ચે ટ્રેડ વોર ચાલુ થઈ ગઈ છે. આ ટ્રેડવોરનો ભારતને ફાયદો થઈ શકે છે. ભારત અમેરિકામાં પોતાની નિકાસ વધારી શકે છે. મોદી સરકાર અમેરિકા પર મૂકાયેલા ટેરિફની સમીક્ષા કરી તેમાં ફેરફારો પણ કરી શકે છે.
આયાત ડ્યૂટી ઘટાડી
કેન્દ્ર સરકારે 2025ના બજેટમાં મોટી જાહેરાતો કરતાં અમેરિકા સહિત અન્ય દેશોને ખુશ કરતાં ઘણા સામાનની આયાત ડ્યૂટી 13 ટકાથી ઘટાડી 11 ટકા કરી હતી. આયાત ડ્યૂટીમાં ઘટાડો ટ્રમ્પના ટેરિફ વોરથી બચવાનો એક ઉપાય હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પાસે જવાબ મંગાશે, એજન્ટો પર તવાઈઃ જયશંકર
આયાત ડ્યૂટીની સમીક્ષા
નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત લકઝરી કાર, સોલાર સેલ, અને કેમિકલ સહિત 30થી વધુ ચીજો પર આયાત ડ્યૂટી ઘટાડવા સમીક્ષા કરી રહ્યું છે. જેનાથી વૈશ્વિક વેપાર તણાવ ઘટશે અને અમેરિકામાં નિકાસને વેગ મળશે.
સરકાર એગ્રી સેસમાં ઘટાડો કરશે
વડાપ્રધાન મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા જવા રવાના થશે. કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ(એઆઈડીસી) ઘટાડવા સ્થાનિક ઉદ્યોગો સાથે ચર્ચા કરશે. આ અંગે માહિતી સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ ઍન્ડ કસ્ટમ્સના ચેરમેન સંજય અગ્રવાલે જણાવ્યું હતું. એઆઇડીસી એક વૈકલ્પિક આયાત ડ્યુટી છે. જેનો ઉપયોગ એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે થાય છે. ઉદ્યોગ સાથે ચર્ચા કર્યા બાદ આ ટેરિફમાં ઘટાડો થઈ શકે છે.
આ ચીજો પર આયાત ડ્યૂટી ઘટશે
લકઝરી કાર, સોલાર સેલ, સ્પોર્ટ્સ વેસલ્સ, સેમીકંડક્ટર ચીપ્સ, અન્ય મશીનરી સહિત કુલ 32 ગુડ્સ પર આયાત ડ્યૂટી ઘટાડવામાં આવશે. જેમાં સરકારે બેઝિક કસ્ટમ ડ્યૂટી ઘટાડ્યા બાદ આયાત પર 6.5 ટકાથી 70 ટકા સુધીનો એઆઇડીસી ચાર્જ લાગે છે.
ભારતનો ટેરિફ વધુ
અગ્રવાલે વધુ જણાવ્યું હતું કે, એઆઇડીસી સહિત ભારતની સરેરાશ આયાત ડ્યૂટી અમેરિકા, ચીન અને જાપાન કરતાં વધુ છે. ભારત અસ્થાયી રૂપે સ્થાનિક ઉદ્યોગોની રક્ષા કરવા અને તેની વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધામાં વધારો કરવા ટેરિફ ઘટાડી શકે છે.