VIDEO: બાથટબ અને સ્ટાઇલિશ શાવર... લોકસભામાં વડાપ્રધાન મોદીના કેજરીવાલ પર પ્રહાર
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર પ્રમુખ અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા મંગળવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પર નિશાનો સાધ્યો. વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેના પર કથિત શીશમહેલને લઈને પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકારે લાખો-કરોડો રૂપિયા બચાવીને દેશ બનાવવામાં તેનો ઉપયોગ કર્યો, શીશમહેલ બનાવવામાં નહીં.
અમુક નેતાઓનું ફોકસ સ્ટાઇલિશ શાવર પર છે
વડાપ્રધાન મોદીએ અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના ઇશારામાં જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 'આજકાલ મીડિયામાં વધારે જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં તો એનાથી પણ વધારે થઈ રહી છે. અમુક નેતાઓનું ફોકસ ઘરમાં બાથટબ, સ્ટાઇલિશ શાવર પર છે. પરંતુ, અમારું ફોકસ તો દરેક ઘરે પાણી પહોંચાડવાનું છે'.
હકીકતમાં, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીના રૂપે જે બંગલામાં રહેતાં હતાં તેને ભાજપ શીશમહેલ કહેતું હતું અને આરોપ લગાવવામાં આવતો કે, આ મહેલામાં મોંઘા બાથટબ અને શાવર લગાવવામાં આવ્યા છે. આ વસ્તુઓ ફાઇવ અથવા સેવન સ્ટાર હોટેલમાં જોવા મળે છે.
અમે દેશના લાખો-કરોડો બચાવ્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'પહેલાં અખબારની હેડલાઇન હોતી કે, આટલા લાખના કૌભાંડો, કૌભાંડો, આટલા કૌભાંડો... 10 વર્ષ થઈ ગયા, હવે આ કૌભાંડ ન થવાથી પણ દેશના લાખો કરોડો રૂપિયા બચ્યા છે. જે જનતા જનાર્દનની સેવામાં લાગેલા છે. અમે અલગ-અલગ પગલાં લીધાં, લાખો કરોડ રૂપિયાની બચત થઈ. આ પૈસાનો ઉપયોગ અમે શીશમહેલ બનાવા માટે ન કર્યો. તેનો ઉપયોગ અમે દેશ બનાવવા માટે કર્યો છે'.
હવે દિલ્હીમાં મતદાનના ઠીક એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ શીશમહેલનો ઉલ્લેખ કરતાં કેજરીવાલ પર જોરદાર નિશાનો સાધ્યો છે. તેઓએ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક રેલીઓમાં પણ શીશમહેલનો ઉલ્લેખ કરતાં પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, હું પણ મારા માટે શીશમહેલ બનાવી શક્યો હોત, પરંતુ મારું સપનું ગરીબો માટે પાક્કું મકાન બનાવવાનું હતું.