શપથ પહેલા મોદીએ રાજઘાટ પહોંચીને ગાંધીજી, અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
નવી દિલ્હી, તા. 30 મે 2019 ગુરુવાર
લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ થવાનો છે, તે પહેલા આજે સવારે નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. PM સવારે રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપિતાને વંદન કર્યા.
અટલ સમાધિ સ્થળ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા. તેમણે લખ્યુ, અમે દરેક પળે વ્હાલા અટલજીને યાદ કરીએ છીએ.
તેઓને એ જોઈને ખૂબ ખુશી થશે કે ભાજપને લોકોની સેવા કરવાનો આટલો સારો અવસર મળ્યો છે. અટલજીના જીવન-કાર્યથી પ્રેરિત થઈને અમે સુશાસન અને લોકોના જીવનને બદલવાનો પ્રયત્ન કરીશુ.