લગ્ન સિઝનમાં પીએમ મોદીની ડેસ્ટિનેશન વેડિંગ અંગે મહત્વની ટકોર, દેશવાસીઓને કરી ખાસ અપીલ
નવેમ્બર શરુ થતા જ ભારતમાં લગ્નની સીઝન શરુ થઇ જાય છે, થોડા દિવસોમાં જ 38 લાખ લગ્ન થશે
મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની બહાર થનારા ડેસ્ટિનેશન વેડિંગ અને દેશની બહાર લગ્ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી
PM Modi on Foreign Destination Wedding: પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ફરી એક વાર લોકલ પ્રોડ્કટસના વપરાશની વાત કરી છે. તેમને 107માં એપિસોડમાં ફરી એકવાર 'વોકલ ફોર લોકલ'ની વાત કરતા કહ્યું હતું કે, આ સમય ભારતમાં લગ્નની સીઝન છે. અહી અલગ અલગ શહેરોમાં લગ્નના આંકડાઓ મુજબ થોડા જ દિવસોમાં 38 લાખ લગ્ન થશે, જેમાં ઓછામાં ઓછો 4.74 લાખ કરોડ રૂપિયાની ખર્ચ થશે.
ભારતના લગ્નો ભવ્ય અને રોયલ બની રહ્યા છે
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આપવામાં આવતા ડેટા મુજબ 50 હજાર જેટલા આવા લગ્ન છે જેનો ખર્ચ એક કરોડથી વધુ થશે. એક સમયે લોકો પોતાના વતનમાં સંપૂર્ણ પરંપરા અને રીતિ-રિવાજો સાથે લગ્ન કરતા પરંતુ આજે વીતતા વર્ષ સાથે અહીં આયોજિત લગ્નો ભવ્ય અને રોયલ બની રહ્યા છે. જેમાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ જવાનું પસંદ કરે છે. પરંતુ આવા લગ્નો દેશની અર્થવ્યવસ્થા પર ચોક્કસપણે અસર કરી રહ્યા છે.
વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ અંગે પીએમ મોદીની ચિંતા
મન કી બાતના 107મા એપિસોડમાં, પીએમ મોદીએ દેશની બહાર થનારા ડેસ્ટિનેશન વેડિંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો ભારતના લોકો દેશની બહાર જવાને બદલે પોતાના દેશમાં લગ્ન કરે તો દેશનો પૈસો દેશમાં જ રહેશે અને અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે. ચાલો જાણીએ કે શા માટે વર-કન્યા વિદેશમાં લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે, ડેસ્ટિનેશન વેડિંગના નામે દેશનો કેટલો પૈસો નીકળી રહ્યો છે અને જાણીએ શા માટે પીએમ મોદીને દેશમાં લગ્ન કરવાની અપીલ કરવી પડી.
ભારતમાં થતા લગ્નનો ખર્ચ કેટલો?
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) મુજબ આ સિઝનમાં એકલા દિલ્હીમાં 4 લાખથી વધુ લગ્નો યોજાઈ શકે છે, જેમાં લગ્નો પાછળ 1.25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેમાંથી દેશમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની સંભાવના છે. ભારતની બહાર અન્ય કોઈ પણ દેશમાં જેટલાં વધુ લગ્નો થશે તેટલો ભારતીય અર્થતંત્રને ફટકો પડશે.
લગ્ન દીઠ ₹3 લાખથી લઈને ₹1 કરોડ સુધીના ખર્ચનો અંદાજ
લગ્નના આ 23 દિવસોમાં, લગભગ 6 લાખ લગ્નોમાં લગ્ન દીઠ ₹3 લાખનો અંદાજિત ખર્ચ થશે, જ્યારે અંદાજે 10 લાખ લગ્નો માટે લગભગ ₹6 લાખનો ખર્ચ થશે. વધુ 12 લાખ લગ્નો પર લગ્ન દીઠ આશરે ₹10 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે, જ્યારે 6 લાખ લગ્નો પ્રત્યેક ઈવેન્ટનું બજેટ ₹25 લાખનું હશે. વધુમાં, 50,000 લગ્નોમાં ₹50 લાખનો ખર્ચ થવાની ધારણા છે અને અન્ય 50,000 લગ્નોનું બજેટ ₹1 કરોડથી વધુ હશે.
લોકો ક્યાં ડેસ્ટીનેશન પસંદ કરે છે?
લોકો તેમના બજેટ પ્રમાણે લગ્ન કરે છે અને તે મજબ જ ડેસ્ટીનેશન નક્કી કરતા હોય છે. ઓચ્ચો ખર્ચ કરવા માંગતા લોકો દુબઈ, અબુધાબી, કતાર, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા નજીકના દેશોને ડેસ્ટીનેશન તરીકે પસંદ કરે છે. તેમજ જેઓ ભારતમાં જ લક્ઝરી લગ્ન કરવા માંગે છે તેઓ ઉદયપુર, જયપુર, ગોવા, કાલિમપોંડ, વાયનાડ, ધર્મશાલા, આગ્રા, કેરળ વગેરે સ્થળ કે જ્યાં મહેલ કે કિલ્લો હોય ત્યાં લગ્ન સર્વનું પસંદ કરે છે.
લોકો ડેસ્ટિનેશન વેડિંગ શા માટે પસંદ કરે છે?
દરેક વ્યક્તિ પોતાના લગ્નના દિવસને ખાસ અને યાદગાર બનાવવા માંગે છે. આ સિવાય બીજું કારણ એ છે કે મોટાભાગના લોકો ડેકોરેશનથી લઈને લગ્ન સુધીની દરેક નાના કામથી બચવા માટે ઘરના બદલે હોટલમાં લગ્ન કરે છે. જેથી પરિવારો જવાબદારીમાંથી મુક્ત રહીને પ્રસંગનો આનંદ માની શકે.
વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાથી દેશની અર્થવ્યવસ્થાને નુકશાન કઈ રીતે?
કોઈપણ લગ્નમાં 50 ટકા ખર્ચ વસ્તુઓની ખરીદીમાં થાય છે. બાકીના 50 ટકા હોટેલ બુકિંગ વગેરેમાં જાય છે. હવે જો કોઈ વ્યક્તિએ તેના લગ્નની ખરીદી સંપૂર્ણપણે ભારતમાં કરી છે અને કોઈ અન્ય દેશમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, તો ભલે તેણે 50 ટકા પૈસા ભારતમાં ખર્ચ હોય, પરંતુ બાકીના પૈસા તો અન્ય દેશને જ લાભ કરાવે છે. આ સિવાય ઘણા લોકો માટે લગ્નની સીઝન આખા વર્ષની આવકનું સાધન હોય છે. ડેકોરેશન અને ફોટોગ્રાફર જેવા લોકો આ સિઝનમાં જ કમાય છે. આવી સ્થિતિમાં જો મોટાભાગના વર-કન્યાઓ દેશની બહાર લગ્ન કરવા લાગે છે તો તેમને પણ નુકસાન સહન કરવું પડે છે.
વધુ સંપત્તિ ધરાવતા અમીર લોકોની સંખ્યામાં વધારો
ભારતમાં અમીર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્ષ 2022માં 8 કરોડ રૂપિયા કે તેથી વધુ સંપત્તિ ધરાવતા અમીર લોકોની સંખ્યા 7,97,714 હતી. વર્ષ 2027 સુધીમાં તે વધીને 16,57,272 થવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં, તે સ્વાભાવિક છે કે વધુ પૈસાથી લોકો વધુ સારી લાઈફસ્ટાઇલ પસંદ કરે. આથી એવું કહી શકાય કે વધુ પૈસા આવતા લોકો વધુ ખર્ચ કરે છે. જેથી લોકો લગ્નમાં પણ લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગે છે અને તેમના લગ્નને શક્ય તેટલું યાદગાર બનાવવા પ્રયત્ન કરે છે.
શા માટે ભારતીયો આટલા મોંઘા લગ્નો કરે છે?
આવા મોંઘા લગ્નોનું એક કારણ ભારતીય સિનેમા કે બૉલીવુડ છે. આપણે બાળપણથી જ ફિલ્મોમાં ભવ્ય લગ્નો જોયા છે. સામાન્ય રીતે લોકો ઈચ્છે છે કે કપડાંથી લઈને શણગાર સુધી બધું ફિલ્મો જ જેવું હોય. તેમજ હાલ સોશિયલ મીડિયાના યુગમાં લોકો ઘણું બધું પોસ્ટ કરવા ટેવાયેલા છે. આવા કારણોસર લોકો આટલા મોંઘા અને ભવ્ય લગ્ન કરવાનું પસંદ કરે છે.