400 પારનો નારો ભાજપને જ ભારે પડ્યો! ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનથી જ સંભળાઈ ખતરાની ઘંટડી
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. તેમજ ભાજપ વિશે એવું અનુમાન પણ લગાવવામાં આવે છે કે આ વખતે 370ને પાર થઇ જશે. આમ તો આ ટાર્ગેટ ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે, પરંતુ જો પ્રથમ તબક્કાના મતદાન બાદની સ્થિતિ જોઈએ તો ભાજપને પણ નુકસાન થઈ શકે છે.
પ્રથમ તબક્કામાં માત્ર 63 ટકા મતદાન થયું
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન માત્ર 63 ટકા મતદાન જ થયું છે. જેમાં આ વખતે યુપીમાં સાત ટકા, બિહાર અને મધ્યપ્રદેશમાં છ ટકા અને પશ્ચિમ બંગાળમાં પણ ચાર ટકા ઓછું મતદાન જોવા મળ્યું છે. હવે આ ઓછા મતદાનથી કોને ફાયદો અને કોને નુકસાન થાય એ એક અલગ બાબત છે, પરંતુ આ સમગ્ર બાબતમાં ભાજપ માટે ચિંતાના વિષય બની ગઈ છે.
એક્સ્ટ્રીમ વોટિંગથી કોઈ નુકસાન થશે?
પરિસ્થિતિ જોતા એનડીએ પ્રથમ તબક્કામાં જ મોટી લીડ પર હોય તેવું લાગી રહ્યું છે, તેમજ કોઈ વિપક્ષ પણ નથી. પરતું જ્યારે અપેક્ષા કરતા ઓછું મતદાન થાય છે ત્યારે એક પ્રશ્ન ઉભો થાય કે આ ઓછા મતદાનથી કોઈ નુકસાન થશે? એવામાં એક્સ્ટ્રીમ વોટિંગનો અર્થ થાય છે જ્યારે મતદાન જરૂર કરતાં ઘણું વધારે અથવા ઘણું ઓછું હોય.
ઉત્તર પ્રદેશની બેઠકો પર મતદાનમાં 10 ટકા સુધીનો ઘટાડો
આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ઘણી બેઠકોમાં મતદાનમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં એ પણ પ્રશ્ન થાય કે આ મતદાનને એક્સ્ટ્રીમ વોટિંગમાં સમાવવું જોઈએ કે નહીં. જો આવું થાય છે તો આ પણ ભાજપ માટે સારા સમાચાર નથી.
વર્ષ 2014માં સ્વતંત્ર ભારત પછી સૌથી વધુ મતદાન
હાલના સમયમાં મોદી લહેર ચાલી રહી છે ત્યારે લોકોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળે છે. જે મતદાનની સંખ્યામાં પણ સ્પષ્ટ જોવા મળે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે લોકોને યુપીએ સરકાર સામે રોષ હતો. જેથી 66.40 ટકા મતદાન થયું હતું, જે સ્વતંત્ર ભારત પછી સૌથી વધુ મતદાન હતું. તે પરથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે સમયે સરકાર બદલવા માટે પરિવર્તનને ધ્યાનમાં લઈને વધુ મતદાન થયું હતું.
2019માં 67.40 ટકા મતદાન
2019ની લોકસભા ચૂંટણીમાં 67.40 ટકા મતદાન થયું હતું. જે એક રેકોર્ડ મતદાન કહી શકાય. કારણ કે ચૂંટણી પહેલા જ ઇન્ડિયન એરફોર્સ દ્વારા બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ મુદ્દો લોકોના મનમાં હતો અને ભાજપે પણ રાષ્ટ્રવાદની પીચ પર મજબૂત ભૂમિકા ભજવીને એનડીએએ 352 બેઠકો જીતી લીધી હતી.
જ્યારે આ વર્ષે પ્રથમ તબક્કામાં 63 ટકા મતદાન થયું છે. જે છેલ્લી ચૂંટણી કરતા ઓછું મતદાન છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે ચૂંટણી પહેલા એવી કોઈ મોટી ઘટના નથી બની કે જેના આધારે લોકોને તે આકર્ષી શકે છે.
400 પારનો નારો શું ભાજપને જ ભારે પડ્યો!
જો કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામ આવ્યું છે પણ આ કાર્ય વર્ષની શરૂઆતમાં થયું હતું. એવામાં સમય પસાર થતા આ મુદ્દા બાબતે લોકોનું આકર્ષણ ઓછું થતું ગયું છે. એવા લોકો શું વિચારે છે અને ક્યાં આધારે મતદાન કરે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. એક એવો પ્રશ્ન પણ થાય કે 400 પારનો નારો શું ભાજપને જ ભારે પડશે?
પાર્ટી જીતશે જ એવો આત્મવિશ્વાસ જ બેદરકારી સર્જે છે
નિષ્ણાતોના મતે જો કોઈ પક્ષ જરૂર કરતાં મોટું લક્ષ્ય નક્કી કરીને તેના અનુરૂપ એક સકારાત્મક વાતાવરણ બનાવે છે ત્યારે ઘણીવાર એ પાર્ટીને મતદાર પણ હળવાશમાં લઇ લે છે અને તે જીતશે જ એવો આત્મવિશ્વાસ અનુભવે છે. આ ખાતરી જ તેમને મતદાન બૂથ પર જવા દેતી નથી અને આ બેદરકારી જ સત્તા પરિવર્તનનો આધાર બની શકે છે.
આવો જ ટ્રેન્ડ 2004ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. જેમાં વાજપેયીના કામના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા હતા. તેમ છતાં યુપીએની જીત અને એનડીએની હાર જોવા મળી હતી.
વોટ ટકાવારી સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ
આ વર્ષે પીએમ મોદી પણ રેલીઓમાં 400 પારનો નારો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે, 'મેં ત્રીજી ટર્મ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીત બાદ પ્રથમ 100 દિવસમાં જે કામ હાથ ધરવાના છે તેનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.' જેથી આ 400 પારનો નારો લોકોના મનમાં એ સવાલ સર્જી રહ્યો છે કે, આ વખતે પણ મોદીની જ જીત થશે તો મત આપવાનો ફાયદો શું?
તેમજ વિપક્ષ પણ એવી વાત કરે છે કે ભાજપને લોકોના મતની જરૂર નથી. તે તો મત વગર જ જીતી જશે. એવામાં વિપક્ષના આરોપને સાવ ખોટો પણ પુરવાર ન કરી શકાય. લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે રેલીમાં કહ્યું હતું કે, 'મોદીને તમારો વોટ નથી જોઈતો, તેઓ 400 પ્લસ લાવવાની વાત કરી રહ્યા છે, મને તમારો વોટ જોઈએ છે, મને તમારા વોટની કિંમત છે.'
જો આખો વિપક્ષ એવું નેરેટિવ સેટ કરવામાં સફળ થાય કે ભાજપને પ્રજાના મતોની પરવા નથી, તો આવનારા તબક્કામાં તેને નુકસાન પણ થઈ શકે છે. અત્યાર સુધી ઓછી વોટ ટકાવારી સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ છે.