'ત્યાં લાશોના ખડકલા, એવરેસ્ટ કોઈ મજાક નથી...' ઇતિહાસ રચનારા પર્વતારોહક નરેન્દ્ર યાદવનો ધડાકો
Narender Yadav mountaineer: હરિયાણાના રેવાડી જિલ્લામાં રહેતાં પર્વતારોહક નરેન્દ્રસિંહ યાદવે એન્ટાર્કટિકા મહાદ્વીપની સૌથી ઊંચી ટોચ વિન્સન મેસિફ પર 25 ડિસેમ્બરે ત્રિરંગો લહેરાવી ઇતિહાસ રચ્યો છે. આ સાથે તેણે સાત મહાદ્વીપોની ટોચે પહોંચનાર ભારતીય તરીકે ગૌરવ હાંસલ કર્યું છે. નરેન્દ્રે પોતાની આ સફળતાના અનુભવો રજૂ કરતાં મહાદ્વીપની ટોચના દૃશ્યો વર્ણવ્યા હતા.
માઉન્ટ એવરેસ્ટઃ પડકારોથી ભરપૂર
નરેન્દ્રે માઉન્ટ એવરેસ્ટનો અનુભવ રજૂ કરતાં જણાવ્યું હતું કે, માઉન્ટ એવરેસ્ટ સર કરવું એ મજાક નથી. તેના માટે યોગ્ય શારીરિક અને માનસિક તૈયારીઓ જરૂરી છે. તેના વિના તમે જોખમ ખેડી શકો નહીં. એવરેસ્ટને સર કરનારા પર્વતારોહકોમાંથી કેટલાય પાછા આવી શકતા નથી. ત્યાં ઉપર લાશોનો ખડકલો જોવા મળે છે. 62 દિવસના આ અભિયાન માટે સટીક ટ્રેનિંગ અને ફિટનેસ અત્યંત આવશ્યક છે. જો તમે યોગ્ય રીતે ટ્રેનિંગ ન લીધી હોય તો તમારું ત્યાં ટકવું મુશ્કેલ બને છે.
એન્ટાર્કટિકામાં તાપમાન સૌથી મોટો પડકાર
નરેન્દ્ર જ્યારે એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ વિન્સન મેસિફ પર પહોંચ્યો હતો, તે સમયે ત્યાં તાપમાન -52° સેલ્શિયસ હતું. જો કે, તેણે માત્ર છ દિવસમાં ચડાઈ પૂરી કરી હતી. નરેન્દ્રે આ ઉપલબ્ધિની સાથે સાત મહાદ્વીપોની ટોચે પહોંચનાર ભારતીય તરીકે ગૌરવ હાંસલ કર્યુ છે.
યુવાનોને આપ્યો સંદેશ
નરેન્દ્રે પોતાની સંઘર્ષ યાત્રાના અનુભવો રજૂ કરી યુવાનોને પ્રેરિત કર્યા હતા. તેણે કહ્યું કે, અથાગ પરિશ્રમ, શિસ્ત પાલન અને દૃઢ નિશ્ચયથી કોઈપણ મુશ્કેલ કાર્ય સંભવ બને છે. 12 વર્ષની નાની ઉંમરે નરેન્દ્રે જમ્મુ-કાશ્મીરના પહાડો પર ચડાઈ કરતાં પર્વતારોહણ શરુ કર્યું હતું. પર્વતારોહણ તરીકે તેના નામે 22 વર્લ્ડ રૅકોર્ડ છે.
સાત મહાદ્વીપોની ટોચે પહોંચ્યો
નરેન્દ્રે સાત મહાદ્વીપોની ટોચે પહોંચી રૅકોર્ડ બનાવ્યો છે. તેણે 2016 અને 2022માં માત્ર છ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું, માઉન્ટ કિલિમંજારો (4 વખત), માઉન્ટ એલ્બ્રસ (બે વખત), અને ઓસ્ટ્રેલિયાની 10 ટોચ (3 વખત) પર પહોંચ્યો હતો. તે દક્ષિણ અમેરિકાની અકોંકાગુઆ અને ઉત્તર અમેરિકાની ડેનાલી ટોચ પર પહોંચ્યો હતો.