મસ્જિદ અંગે ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેનું વિવાદાસ્પદ નિવેદન, પિતાએ કહ્યું- ‘તેણે આવું ન બોલવું જોઈએ’
Maharashtra Politics News: મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેના મસ્જિદવાળા નિવેદન પર રત્નાગિરી-સિંધુદુર્ગથી પાર્ટી સાંસદ અને તેમના પિતા નારાયણ રાણેએ પ્રતિક્રિયા આપી છે. નારાયણ રાણેએ સિંધુદુર્ગમાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, 'નિતેશ રાણેએ જે પણ કહ્યું, તેનો આવો અર્થ ન હતો. તેનું કહેવું હતું કે, જો આપણા દેશમાં કટ્ટરવાદીઓ કોઈ ગતિવિધિ કરશે તો અમે પણ આક્રમક થઈશું. જો કે, તેને મસ્જિદ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યારબાદ તેણે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.'
નારાયણ રાણેએ કહ્યું, 'નિતેશ રાણેએ જે મસ્જિદમાં ઘૂસીને મારવાની વાત કરી તે ખોટી હતી, પરંતુ દેશમાં કેટલાં મુસ્લિમોએ આવા લોકોની સામે અવાજ ઉઠાવ્યો જે ભારતમાં રહીને દેશ વિરોધી કામ કરી રહ્યાં હતાં? નિતેશ રાણેના બોલ્યા બાદ લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો, પરંતુ જો તેનું મોંઢુ બંધ કરી દેવામાં આવે તો એક હજાર નિતેશ રાણે ઊભા થઈ જશે.'
આ પણ વાંચોઃ શિવસેનાના ધારાસભ્યનું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસની આક્રમક પ્રતિક્રિયા
નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું
નારાયણ રાણેએ નીતિન ગડકરીના વડાપ્રધાન પદની ઓફરવાળા નિવેદન પર કહ્યું કે, નીતિન ગડકરી એક સારા નેતા અને મારા મિત્ર છે. મને નથી ખબર કે, તેમનું આ નિવેદન રાજકીય છે કે અંગત. તેથી, હું આ વિષય પર વાત નહીં કરૂ.
આ સાથે જ ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રી પદ માટેની દાવેદારી પર નારાયણ રાણેએ કહ્યું કે, 'તેમને બજેટની પણ ખબર નથી, તે શું મુખ્યમંત્રી બનશે? અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી રહીને તેઓએ કામ કર્યાં વિના જ મફતમાં ક્રેડિટ લીધું છે.'
સંજય રાઉત પર નિશાન સાધતા રાણેએ કહ્યું કે, તેમની પાસે સામાન્ય જ્ઞાન નથી. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતનો અર્થ મહારાષ્ટ્ર નથી. શરદ પવાર ચારવાર મુખ્યમંત્રી રહ્યાં છતાં મહિલાઓ પર થતી હિંસા બંધ કેમ ન થઈ?
નિતેશ રાણેએ શું કહ્યું હતું?
જણાવી દઈએ કે, શરૂઆતમાં અહેમદનગરમાં રામગિરી મહારાજના સમર્થનમાં મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચા બાદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે સામેલ થયાં હતાં. આ સભા દરમિયાન રાણેએ મુસ્લિમોને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, રામગિરી મહારાજની સામે કોઈએ કંઈ કહ્યું તો મસ્જિદમાં જઈને વીણી-વીણીને મારીશું. જે બોલશે, તેની જીભ જ નહીં રહેવા દઈએ.