નિષ્ણાંતો પણ અચંબામાં, કોંગ્રેસે જે લોકસભા બેઠક જીતી ત્યાંની 6 વિધાનસભા બેઠક હારી ગઇ
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કરી 132 બેઠકો કબજે કરી મહાવિજય હાંસલ કર્યો છે. આ સાથે તેના સાથી પક્ષો એકનાથ શિંદેની શિવસેનાને 57 અને અજિત પવારની એનસીપીને 41 બેઠકો મળતાં રાજ્યની 288 બેઠકો ધરાવતી વિધાનસભામાં 230 બેઠકો સાથે મહાયુતિએ સપાટો બોલાવ્યો છે. ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ માટે પરિણામો મિશ્ર રહ્યા છે. એક તરફ પાર્ટીએ વિધાનસભા ચૂંટણી 2024માં માત્ર 16 બેઠકો પર જીત મળી તો બીજી તરફ નાંદેડ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને છેલ્લા રાઉન્ડમાં રોમાંચક જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસના સાંસદ વસંતરાવ ચવ્હાણનું 26 ઓગસ્ટના રોજ નિધન થઈ ગયું હતું. આ કારણોસર આ બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસે વસંતરાવ ચવ્હાણના પુત્ર રવિન્દ્ર ચવ્હાણને ટિકિટ આપી હતી. તેમણે માત્ર 1457 મતોથી જીત મેળવી છે.
રાજકીય વિશ્લેષકો માટે કોંગ્રેસની આ જીત ચોંકાવનારી છે, કારણ કે પાર્ટી સંસદીય ક્ષેત્રની તમામ 6 બેઠકો પર ચૂંટણી હારી ગઈ છે. આ વિધાનસભા બેઠકોના નામ ભોકર, નાંદેડ નોર્થ, નાંદેડ સાઉથ, ડેગપુર, નૈગાંવ અને મુખેડ છે. નાંદેડ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા અશોક ચવ્હાણનો ગઢ રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભોકર બેઠક પરથી તેમની પુત્રી શ્રીજયાએ 50 હજારથી વધુ મતોથી જીત હાંસલ કરી છે.
તમામ 6 બેઠકો પર ભાજપે જીત નોંધાવી
નાંદેડ નોર્થમાં શિવસેનાના દેવેન્દ્ર રાવ કલ્યાણકરે જીત નોંધાવી છે. નાંદેડ સાઉથથી શિવસેનાના આનંદ શંકર, નૈગાંવથી ભાજપના રાજેશ પવાર, ડેગપુરથી ભાજપના જિતેશ અંતાપુરકર અને મુખેડથી ભાજપના તુષાર ગોવિંદરાવ જીત્યા છે. આ 6માંથી 5 ધારાસભ્યો મોટા માર્જિનથી ચૂંટણી જીત્યા છે.
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ મહારાષ્ટ્રમાં 288માંથી 230 બેઠકો પર જીત હાંસલ કરી છે. જેમાં ભાજપે 132 બેઠકો પર જીત મેળવી છે, શિવસેના શિંદે 57 બેઠકો પર અને એનસીપી અજિત પવાર 41 બેઠકો જીતી છે. કોંગ્રેસની આગેવાની હેઠળના MVA ગઠબંધનને 48 બેઠકો મળી છે. જેમાં કોંગ્રેસે 16 બેઠકો, એનસીપી શરદ પવારે 10 અને શિવસેના ઉદ્ધવ જૂથે 20 બેઠકો પર જીત મેળવી છે.