ભાજપે જાણીતાં 6 નેતાઓની રાજ્યસભા માટે અવગણના કરી ફરી ચોંકાવ્યાં, શું છે પાર્ટીનો પ્લાન?
એવી પણ ચર્ચા છે કે આ નેતાઓને લોકસભામાં મેદાને ઉતારાઈ શકે છે પરંતુ...
image : Wikipedia |
BJP Rajya Sabha Candidates: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની વ્યૂહનીતિ બદલાતી જોવા મળી રહી છે. ખરેખર તો રાજ્યસભાના ઉમેદવારોની તાજેતરની યાદી દ્વારા એવા સંકેત મળી રહ્યા છે કે પાર્ટીએ હજુ સુધી 6 મંત્રીઓ અને એક મુખ્ય પ્રવક્તાનાં નામની ફરીવાર જાહેરાત જ કરી નથી. તેનાથી એવી અટકળો તેજ થઈ ગઈ છે કે ભાજપ હવે આ દિગ્ગજ નેતાઓનું શું થશે તેના વિશે કંઈક કહેવું અઘરું છે પણ એવી ચર્ચા છે કે તેમને પ્રમોટ કરીને લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
આ મંત્રીઓના નામ પર હજુ કોઈ ચર્ચા નહીં!
ભાજપ તરફથી અત્યાર સુધી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને રાજીવ ચંદ્રશેખરના નામની અવગણના કરવામાં આવી હતી. બુધવારે રાજ્યસભાના ઉમેદવારોના નામ તો જાહેર કરાયા પણ આ મંત્રીઓમાંથી કોઈનું નામ તેમાં નહોતું. જે ચર્ચાનો વિષય બની ગયું. જોકે પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીનું નામ પણ એ લોકોમાં સામેલ છે જેમને ફરીથી રાજ્યસભાની ટિકિટ મળી નથી. ભારતના ચૂંટણી પંચ એટલે કે ECI દ્વારા હજુ સુધી ચૂંટણીનું ટાઈમટેબલ જાહેર કરાયું નથી.
અશોક ચવ્હાણને આપી ગિફ્ટ!
તાજેતરમાં કોંગ્રેસ છોડીને આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને જાણે લોટરી લાગી હોય તેમ ભાજપમાં જોડાવાનો નિર્ણય તેમના માટે ફાયદારૂપ રહ્યો. ભાજપે તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. નાંદેડ જિલ્લામાં ચવ્હાણ પ્રભાવશાળી મનાય છે. આ સાથે જ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને પણ ફરીથી રાજ્યસભામાં મોકલ્યા છે. જો કે આ વખતે તેમને હિમાચલ પ્રદેશના બદલે ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે.
ભાજપે અત્યાર સુધી આ નામોની જાહેરાત કરી છે
ભાજપે નડ્ડા ઉપરાંત ગુજરાતમાંથી ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જસવંતસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાંથી ચવ્હાણની સાથે મેધા કુલકર્ણી અને અજીત ગોપચડેના નામ ઉમેદવારોની યાદીમાં છે. મધ્ય પ્રદેશમાંથી એલ મુરુગન, ઉમેશનાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જર છે. ઓડિશાથી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.