નાલંદા ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજથી પણ 600 વર્ષ પહેલા બની હતી, ખીલજીએ કેમ તેનું નામોનિશાન મિટાવી દીધું?
Nalanda University: વિશ્વની પ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટી નાલંદા પોતાની સાથે એટલો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે કે તેના વિશે ઘણાં પુસ્તકો લખવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે વિશ્વમાં વિશ્વવિદ્યાલયોનું નિર્માણ થવાનું શરૂ થયું ત્યારે નાલંદાએ પોતાનો સો વર્ષનો વારસો બનાવી લીધો હતો.
લગભગ 800 વર્ષની લાંબી રાહ બાદ નાલંદા યુનિવર્સિટી તેના જૂના સ્વરૂપમાં પરત ફરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. નવા કેમ્પસના ઉદ્ઘાટનના સમાચાર અને નવી તસવીરો વચ્ચે તેના ઈતિહાસની પણ ચારેકોર ચર્ચા થઈ રહી છે.
તો ચાલો જાણીએ નાલંદા યુનિવર્સિટીનો ઈતિહાસ, અહીં કયા મહાન લોકોએ અભ્યાસ કર્યો છે અને નાલંદા કેવા પ્રકારના અભ્યાસ માટે જાણીતી હતી.
વિશ્વની ટોચની યુનિવર્સિટીઓની વાત થાય છે ત્યારે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજનું નામ સૌપ્રથમ મનમાં આવે છે પરંતુ, નાલંદા યુનિવર્સિટી તેના કરતા પણ જૂની છે. નાલંદા ત્રણ શબ્દોથી બનેલું છે - ના, આલમ અને દા. તેનો અર્થ એવો થાય છે કે જેની કોઈ મર્યાદા ન હોય તેવી ભેટ. 5મી સદીમાં ગુપ્તકાળ દરમિયાન આ યુનિવર્સિટી નિર્માણ પામી હતી અને 7મી સદી સુધીમાં વિશ્વની એક મહાન યુનિવર્સિટી બની ગઇ હતી. તે એક વિશાળ બૌદ્ધ મઠનો ભાગ હતી અને કહેવાય છે કે, તેની હદ લગભગ 57 એકર હતી. અમુક રિપોર્ટમાં તેનો વિસ્તાર હજી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવે છે. અહેવાલ અનુસાર ગૌતમ બુદ્ધને કેટલાક વેપારીઓ દ્વારા આપવામાં આવેલ કેરીના બગીચા પર યુનિવર્સિટી બાંધવામાં આવી હતી.
ભારત કરતા વિશ્વ 200 વર્ષ પાછળ
આધુનિક વિશ્વને 19મી સદી દરમિયાન આ મહાકાય યુનિવર્સિટીની જાણ થઈ હતી. આ યુનિવર્સિટી ઘણી સદીઓ સુધી ભૂગર્ભમાં દટાયેલી હતી. 1812માં બિહારમાં સ્થાનિક લોકોને બૌદ્ધિક મૂર્તિઓ મળી હતી. ત્યારબાદ ઘણાં વિદેશી ઇતિહાસકારોએ તેનો અભ્યાસ કરતા આ યુનિવર્સિટી વિશે ખબર પડી હતી.
કોણે-કોણે અહી શિક્ષણ આપ્યું?
નાલંદા વિશ્વવિદ્યાલય ખાસ એ માટે પણ હતી કે સમયાંતરે મહાન શિક્ષકો નાગાર્જુન, બુદ્ધપાલિત, શાંતરક્ષિત અને આર્યદેવે અહીં શિક્ષણ આપ્યું છે. અહિં ભણવા માટે પણ દેશ-વિદેશમાંથી અનેક લોકો આવતા હતા.
જો આપણે અહીં ભણતા લોકો વિશે વાત કરીએ તો ઘણાં દેશોમાંથી લોકો અહીં ભણવા આવતા હતા. પ્રખ્યાત ચાઇનીઝ પ્રવાસીઓ અને વિદ્વાનો હ્યુએન ત્સાંગ, ફા હિએન અને ઇટ્સિંગે પણ અહીં અભ્યાસ કર્યો હતો. હ્યુએન ત્સંગ નાલંદાના આચાર્ય શીલભદ્રના શિષ્ય હતા. હ્યુએન ત્સાંગે (Hsüan-tsang) નાલંદા યુનિવર્સિટીમાં 6 વર્ષ સુધી કાયદાનો અભ્યાસ કર્યો.
આ યુનિવર્સિટીને જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો સિવાય અહીં સાહિત્ય, ધર્મશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ચિકિત્સા, તત્વજ્ઞાન, ખગોળશાસ્ત્ર જેવા અનેક વિષયો ભણાવવામાં આવતા હતા. એવું કહેવાય છે કે જે-તે સમયે અહિં જે વિષયો અહીં ભણાવવામાં આવતા હતા તે બીજે ક્યાંય ભણાવવામાં આવતા ન હતા. આ યુનિવર્સિટી 700 વર્ષ સુધી વિશ્વને જ્ઞાનના માર્ગ પર લઈ જતી રહી.
નાલંદાનું કેમ્પસ કેટલું વિશાળ હતું?
આ યુનિવર્સિટીની ભવ્યતા એવી હતી કે તેમાં 300 ઓરડા અને તે પૈકી સાત વિશાળ ઓરડા તેમજ અભ્યાસ માટે 9 માળની લાઇબ્રેરી હતી. અહીં દરેક વિષયના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે 9 માળની લાઇબ્રેરી બનાવવામાં આવી હતી, જેમાં 90 લાખથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા હતા. કહેવાય છે કે જ્યારે તેને આગ લગાડવામાં આવી ત્યારે તેની લાયબ્રેરી 3 મહિના સુધી સળગતી રહી. આ પરથી જ તમે કલ્પના કરી શકો છો કે, તેમાં કેટલા પુસ્તકો હશે.
નાલંદા એટલે ભારતના જ્ઞાનનું પ્રતીક
આટલા અદ્દભુત ભવ્યાતિભવ્ય ઈતિહાસ છતા નાલંદાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેની 700 વર્ષની લાંબી સફર પછી, બખ્તિયાર ખિલજીએ 12મી સદીમાં તેના પર હુમલો કરીને તેને બાળી નાખી હતી. કહેવાય છે કે એક વખત બખ્તિયાર ખિલજી બહુ બીમાર પડી ગયો. તેની ઘણી રીતે સારવાર કરવામાં આવી પરંતુ સારવારથી નારાજ થયા બાદ ખિલજીએ ગુસ્સામાં યુનિવર્સિટીને આગ લગાવી દીધી હતી.