Get The App

પરમવીર ચક્ર વિજેતાની કહાની: કારતૂસ ખતમ થઈ ગયા તો એ ભડવીર જવાને કુશ્તીના દાવ ખેલી એક ચોકી બચાવી લીધી...

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
પરમવીર ચક્ર વિજેતાની કહાની: કારતૂસ ખતમ થઈ ગયા તો એ ભડવીર જવાને કુશ્તીના દાવ ખેલી એક ચોકી બચાવી લીધી... 1 - image


Republic Day 2024 - Naik Jadunath Singh : રાજપૂત યોદ્ધાઓ માટે લખાયેલી આ ઉક્તિઓ ભારતીય જવાનોના મનોબળ અને દેશપ્રત્યેની ભાવનાને વધુ પ્રબળ રીતે દર્શાવે છે. આપણા દેશના સરહદી વિસ્તારોમાં યુદ્ધ મોરચે ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે દુશ્મન પાસે વધુ શસ્ત્રબળ, સૈન્યબળ બધુ જ હતું પણ ભારતીય જવાનોએ પોતાના મનોબળ અને જોશ સાથે માત્ર દુશ્મનોનો સામનો જ નથી કર્યો પણ તેને ધૂળ ચાટતો કર્યો છે. વાંચો આવા જ એક ભારતના ‘પરમવીર ચક્ર’સપૂતની વીરતાની કહાની.

આપણા જીવનમાં લીધેલા કેટલાક નિર્ણયો આપણા જીવનને 360 ડિગ્રી ફેરવી દે છે. રાજપૂત બટાલિયનની નવમી પ્લાટુનના નાયક જદુનાથ સિંહને તેમના જીવનનો આવો જ એક નિર્ણય પરમવીર ચક્ર સુધી દોરી ગયો. કુસ્તીના શોખીન એવા જદુનાથ સિંહ રાઠોડને તેમનો આ શોખ પૂરો કરવા ખાવામાં-પીવામાં જોર રાખવું પડતું હતું. 13 સભ્યોના સંયુક્ત પરિવારમાં રહેતા જદુનાથ સિંહના પરિવારની આર્થિક સ્થતિ એટલી સારી નહોતી કે તેઓ પોતાના કુસ્તીના શોખ માટે ખર્ચ કરી શકે. જદુનાથ સિંહ જો કસરત અનેકુસ્તી કરી ખાવા બેસે તો બાકીના લોકોને ભૂખે મારવાનો વારો આવે. એક દિવસ તેમના ભાભીએ કંટાળીને જદુનાથ સિંહને આ બાબતે મ્હેણું માર્યું. જદુનાથ સિંહ ભાભીની વાતનું કદાચ એટલું ખોટું ના લગાડતા પણ આખા પરિવારે તેમના ભાભીની વાતને સમર્થન આપતા તેમણે તાત્કાલિક ઘર છોડી દીધું તેમના પિતાને એમ કે થોડા સમયનો ગુસ્સો છે, શાંત થશે એટલે દીકરો પાછો આવી જશે. તેમના પિતાની તમામ ધારણા ખોટી નીવડી. 

પરમવીર ચક્ર વિજેતાની કહાની: કારતૂસ ખતમ થઈ ગયા તો એ ભડવીર જવાને કુશ્તીના દાવ ખેલી એક ચોકી બચાવી લીધી... 2 - image

જદુનાથ સિંહ ઘર છોડ્યા પછી તેમના પિતરાઈ ભાઈ કે જે લશ્કરમાં હતા તેમની મદદથી બ્રિટીશહિન્દની સેનામાં જોડાયા. થોડા સમયની સઘન તાલીમ પછી તેઓ રાજપૂત રેજિમેન્ટની સાતમી બટાલિયનમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધમાં પણ અનેક મોરચા પર અદભુત સાહસનો પરચો આપતા જદુનાથ સિંહને સ્વતંત્ર ભારતની 1લી રાજપૂત રેજીમેન્ટમાં નાયકનું પદ મળ્યું. 

1948માં પાકિસ્તાનના કાશ્મીરને ઝુંટવી લેવાના દુષ્ટ પ્રયાસને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. પટ્ટન, મગમ અને બડગામ મુકામે ભારતીય જવાનોએ પાકિસ્તાની લશ્કર અને તેના ભાડુતી સૈનિકોને તગેડી મુક્યા જેથી પાકિસ્તાની સેનાનો શ્રીનગર હવાઈ પટ્ટી પર કબજો કરી લેવાનો પ્લાન સફળના થયો. ત્યારબાદ પણ અનેક જગ્યાએ પાકિસ્તાની સેના એ મોટા પ્રમાણમાં હુમલા કર્યા જેનો ભારતીય જવાનોએ સબળરીતે જવાબ આપ્યો. ઝાંગર ખાતે ડિસેમ્બર ૨૩ અને ૨૪ દરમિયાન એક સાથે 6000 પાકિસ્તાની સૈનિકોએ ભારી માત્રામાં હુમલો કર્યો. આટલી મોટી સંખ્યામાં થયેલા આ હુમલાને ખાળવા માટે ભારતીય જવાનો પાસે પૂરતું સૈન્ય ના હોવાથી બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માને તેમની સેના સાથે પીછેહઠ કરવી પડી. આથી બ્રિગેડિયર મોહ્મ્મ્મદ ઉસ્માને પ્રતિજ્ઞા લીધી કે તેઓ કોઈ પણ ભોગે ઝાંગરમાંથી દુશ્મનને ખદેડી મુકશે અને આ અવસર તેમને બહુ જ જલ્દી બેટલ ઓફ નૌશેરામાં મળવાનો હતો.

ઝાંગર હાથમાં આવ્યા પછી પાકિસ્તાની સૈન્ય જમ્મુ પર હલ્લો બોલવવા માંગતું હતું પણ તે પહેલા નૌશેરા અને તેની આસપાસના વિસ્તારો પર અડ્ડો જમાવવું તેમના માટે જરૂરી હતું. 

બ્રિગેડિયર ઉસ્માનના જવાનો નૌશેરાના રક્ષણ માટે મજબુત ઢાલ બનીને ઉભા હતા એ દરમિયાન નૌશેરા થી સહેજ ઉત્તરદિશામાં આવેલી તૈનધાર નામની ટેકરી પર તૈનાત રાજપૂત બટાલિયનના સૈનિકો એક ભયંકર હુમલાને નિષ્ફળ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. પાંચમી ફેબ્રુઆરીના રોજ બ્રિગેડિયર ઉસ્માનને બાતમી મળી કે પાકિસ્તાની સૈન્ય મોટા પ્રમાણમાં તૈનધાર ટેકરી પર હુમલો કરવાના છે. તૈનધાર ટેકરી પર પહેલી રાજપૂત બટાલિયન ત્રણ ચોકી સંભાળી રહી હતી જે અનુક્રમે રાજપૂત બટાલિયનની સાતમી, આઠમી અને નવમી હતી. તેમાં નવમી બટાલિયનનું નેતૃત્વ નાયક જદુનાથ સિંહને સોંપવામાં આવ્યું હતું. 

1948માં થયેલા ભારત-પાક યુદ્ધમાં મહત્ત્વની વાત એ હતી કે પાકિસ્તાની સૈનિકો પાસે અત્યાધુનિક શસ્ત્રો અને મોટા પ્રમાણમાં સૈન્ય હતું જેની સામે ભારત પાસે સૈન્યબળ તો હતું. પણ આધુનિક શસ્ત્રો નહોતા.આ ઉપરાંત જે હતા એ પણ જુનવાણી શસ્ત્રો હતો. નોંધવા જેવી વાત તો એ હતી કે યુદ્ધ દરમિયાન જયારે ભારતીય જવાનો તેમના ઉપરી અધિકારી પાસે વધુ હથીયાર માંગતા ત્યારે એવું કહેવામાં આવતું કે બીજું કઈ પણ માંગો પણ હથિયાર ના માંગો. આ આખું યુદ્ધ આપણા જવાનોએ શસ્ત્રબળ પર નહિ પણ મનોબળ પર જીત્યું હતું. છઠ્ઠી ફેબ્રુઆરી 1948ની વહેલી સવારે તૈનધાર ટેકરી પર તૈનાત ત્રણ પ્લાટુન કુલ મળીને ત્રીસ જવાનો હતા. દરેક પ્લાટુનમાં 10-10 જવાનો. દુશ્મન ગમે ત્યારે હલ્લો બોલે તેવું વાતાવરણ હતું. દુશ્મનની સંખ્યા કેટલી હશે, તેમની પાસે કેવા હથિયાર હશે? આવા અનેક સવાલો આપણા જવાનોના મનમાં હતા. શિયાળાના એકદમ શાંત વાતાવરણમાં અચાનક જ બ્યુગલનો અવાજ ગુંજી ઉઠ્યો. રાજપૂત બટાલિયનના જવાનો સતર્ક થઇ ગયા. દુશ્મનની હિલચાલ જાણવા કેટલાક જવાનો પટ્રોલિંગ કરવા નીકળ્યા ટેકરી ઉતરતા જ તેમને જંગી પ્રમાણ આવતા પાકિસ્તાની ભાડુતી સૈનિકો દેખાયા.જંગલના વિસ્તારોમાં વૃક્ષોની ઓથ લઇ પાકિસ્તાની સૈનિકો સાતમી પ્લાટુનના જવાનો તરફ આગળ વધ્યા. પાકિસ્તાની સૈન્ય અને તેના આગેવાને સપનામાં પણ નહિ વિચાર્યું હોય તેવો જડબાતોડ જવાબ રાજપૂત બટાલિયનની ૭મિ પ્લાટુનના 10 જવાનોએ આપ્યો. ઘણા પાકિસ્તાની સૈનિકો ઘવાયા અને મૃત્યુ પામ્યા. સાતમી પ્લાટુને પાકિસ્તાની સૈનિકોના દરેક હુમલાને નિષ્ફળ કરતા પાકિસ્તાની સૈનિકોએ રસ્તો બદલ્યો. હવે તેમણે નવમી પ્લાટુનની ચોકી તરફ હુમલો કરવા પ્રયાણ કર્યું જ્યાં નાયક જદુનાથ સિંહ પોતાના નવ સિપાહી સાથે તેમનું સ્વાગત કરવા તૈયાર હતા. 

પહેલાં હુમલામાં જ નાયક જદુનાથ સિંહ અને તેમના જવાનોએ ગોળીબાર કરી દુશ્મનને પાણી પીતો કરી દીધો. દુશ્મનને મોટાપાયે નુકસાન થયું પણ આ દરમિયાન આપણા 4 જવાનો ખરાબ રીતે ઘાયલ થયા. નાયક જદુનાથ સિંહ સહિત છ જવાનો પર તૈનધાર ચોકી અને નૌશેરાના રક્ષણની જવાબદારી હતી. દુશ્મનને પહેલાં હુમલામાં નિષ્ફળતા મળતાં બીજા ભાડુતી સૈનિકોની ટુકડી ચોકી તરફ મોકલી જે આની પહેલાં મોકલેલી ટુકડી કરતા મોટી હતી. નાયક જદુનાથ સિંહ અને તેમના સાથીઓએ તેમની પાસે પડેલી મશીન ગન, હેન્ડ ગ્રેનેડ અને મોર્ટાર રાઈફલ્સ વડે  દુશ્મનને સજ્જડ પ્રતિકાર આપ્યો.  જેમાં આપણા  બીજા બે વીર નરબંકા ઘાયલ થતા બે મશીન ગન્સ બંધ થઇ ગયા આ જોઈ પાકિસ્તાની સૈનિકોમાં જોશમાં આવ્યો અને તેઓએ ચોકી તરફ ઝડપી વેગે ગતિ કરી. આ જોઈ ગુસ્સે ભરાયેલા નાયક જદુનાથ સિંહે તેમની રેજિમેન્ટની વોરક્રાય દહાડી અને ‘જય બજરંગ બલી કી’ બોલી ઘવાયેલા સાથીની મશીનગન હાથમાં લઇ દુશ્મન તરફ સામી છાતીએ ધસી ગયા. એક- એક ગોળી પાકિસ્તાની સૈનિકોનો જીવ લઇ રહી હતી. રાજપૂતની નસોમાં વહેતું લોહી અને બજરંગ બલિની ત્રાડ લઈને આગળ વધેલો આ સાવજ દુશ્મનના છક્કા છોડાવી રહ્યો હતો. આ દરમિયાન તેમની પ્લાટુનના બાકીના જવાનો પણ ઘાયલ થયા. તૈનધારની આ ચોકીની જવાબદારી હવે નાયક જદુનાથ સિંહના ખભે હતી.

આ રાજપૂત યોદ્ધા હવે પોતાના અસલી દાવ હવે બતાવવાનો હતો. પોતાની મશીનગનમાંથી કારતુસ ખતમ થઇ જતા આ વીર સિપાહી પોતાના પાઉચમાં પડેલા હેન્ડ ગ્રેનેડ લઇ દુશ્મન તરફ પૂરજોશથી ધસી ગયો. એક પછી એક ગ્રેનેડ દુશ્મન પર ફેંકતા ઘણા પાકિસ્તાની સૈનિકો જમીન પર ઢળી ગયા. પાકિસ્તાની સૈનિકોએ ધાર્યું નહિ હોય એવા કરતબ આ સિપાહી દેખાડવાનો હતો. નાયક જદુનાથ સિંહની વીરતાથી ડઘાઈ ગયેલા પાકિસ્તાની સૈનિકો પીછેહઠ કરી રહ્યા હતા આ જોઈ જદુનાથ સિંહ ફરી પોતાની ચોકીમાં પોઝિશન લઇ ઉભા રહ્યા. હજી પણ કેટલાક દુશ્મન સૈનિકો ચોકીની આસપાસના વિસ્તારમાં છુપાયેલા હતા. 

નાયક જદુનાથ સિંહ પોતે ઘવાયેલા હતા એક ગોળી તેમના પગમાં અને એક ગોળી તેમના ખભે વાગી હતી પણ હાર માને એ સિપાહી નહિ એ વાતને મનમાં ઠસાવી બેઠેલા આ જવાને પોતાના લોહીથી લથબથ શરીરને ઊભું કર્યું. પોતાની મશીનગનમાં નવી કારતૂસ ભરી. દુશ્મન સૈનિકો ધીરે ધીરે ચોકી તરફ આગેકૂચ કરી રહ્યો હતો. હવે નાયક જદુનાથ સિંહ પોતાના જીવનનો અને આ યુદ્ધનો આખરી દાવ ખેલવાના હતા. ચોકીમાં ઘાયલ સૈનિકો હતા. દુશ્મનને જવાબ આપવા જતા ક્યાંક એકાદ ગોળો ચોકીમાં પડે અને ઘાયલ સૈનિકોને જીવ ગુમાવવાનો વારો ના આવે એ વાતનું ધ્યાન રાખી જદુનાથ સિંહ ચોકીની બહાર નીકળ્યા. જય બજરંગ બલીના નાદ સાથે તેમેણે દુશ્મન તરફ ગોળીબાર કર્યો. આ દરમિયાન એક બુલેટ તેમની છાતીમાં પેસી ગઈ પણ આ ભડવીરે હાર ના માની અને ગોળીબાર ચાલુ રાખ્યો.

કારતૂસ ખતમ થતા પોતાના કુશ્તીના દાવથી કેટલાય પઠાણ સૈનિકોને ધૂળ ચાટતા કર્યા.એક સૈનિકની તલવાર હાથમાંથી ઝૂંટવી લીધી અને બીજા કેટલાક જવાનોના સર કલમ કરી દીધા. આ દરમિયાન બીજા એક પાકિસ્તાની સૈનિકની મશીન ગન હાથમાં આવતા ગોળીબાર કરી તરખાટ મચાવવાનું ચાલુ કર્યું. ઘણાં પઠાણો તો જીવ બચાવીને નાસી છૂટ્યા અને બીજા ઘણા ખરા મૃત્યુ પામ્યા. વિજય લગભગ હાથવેંત હતો ત્યાં જ દુશ્મની બે ગોળી જદુનાથ સિંહની ખોપરી અને છાતીમાં ધસી આવી. નાયક જદુનાથ સિંહ રાઠોડનો દેહ જમીન પર ઢળી પડ્યો. આ જવાને માત્ર તૈનધાર ચોકી જ ના બચાવી પણ પોતાના સાથી જવાનોનો જીવ પણ બચાવ્યો. નાયક જદુનાથ સિંહની આ લડતે  દુશ્મનની નૌશેરા તરફની ગતિ પણ અટકાવી. આ લડત દરમિયાન બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને તૈનધારની ચોકી પર બીજી લશ્કરી ટુકડી મોકલવાનો સમય મળી ગયો. જદુનાથ સિંહના શહીદ થયાની થોડીક જ વારમાં ત્રીજી પારા રાજપૂતની સૈન્ય ટુકડી પહોચી ગઈ અને બાકીના હુમલાખોરોને પણ મોતને ઘાટ ઉતર્યા. દુશ્મન હવે જમ્મુ સુધી પહોચી શકે તેમ નહોતો.

યુદ્ધ માત્ર શસ્ત્રબળથી જ નહિ પણ મનોબળથી પણ જીતી શકાય છે આ વાતને નાયક જદુનાથ સિંહે અને તેમના જેવા અનેક શુરવીર જવાનોએ વારંવાર સાબિત કરી આપ્યું છે. દેશની સુરક્ષા માટે છેલ્લા શ્વાસ,  છેલ્લી ગોળી, છેલ્લા સિપાહી સુધી લડી લેવાની તૈયારી બતાવતા આ જવાનો કોઈ દેવદૂતથી કમ નથી. 

જય હિન્દ!


Google NewsGoogle News