મોદીની હાજરીમાં આંધ્રમાં નાયડુ અને ઓડિશામાં માંઝીના સીએમપદે શપથ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
મોદીની હાજરીમાં આંધ્રમાં નાયડુ અને ઓડિશામાં માંઝીના સીએમપદે શપથ 1 - image


- નાયડુ, પવન કલ્યાણ, ચિરંજીવીને મોદી ઉમળકાભેર ભેટયા

- નાયડુ સરકારમાં પવન કલ્યાણના પક્ષને 3, ભાજપને 1 મંત્રીપદ, સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ, અભિનેતા રજનિકાંત હાજર રહ્યા

- ઓડિશામાં કેવી સિંહ દેવ, પ્રવતી પરિદા ઉપમુખ્યમંત્રી બન્યા, અરુણાચલમાં આજે પેમા ખાંડૂનો શપથ સમારોહ  

અમરાવતી/ભુવનેશ્વર : આંધ્ર પ્રદેશમાં ટીડીપીએ ફરી સત્તા પ્રાપ્ત કરી લીધી છે, ટીડીપીના વડા અને કેન્દ્રમાં એનડીએની સરકારમાં ટેકો આપનારા ચંદ્રાબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા હતા. ઓડિશામાં પ્રથમ વખત સત્તા પ્રાપ્ત કરનારા ભાજપના મોહન માંઝીએ પણ મુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા હતા. બન્ને મુખ્યમંત્રીઓના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. જ્યારે અરુણાચલમાં ગુરુવારે પેમા ખાંડૂ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

બુધવારે આંધ્ર પ્રદેશના અમરાવતીમાં ટીડીપી વડા ચંદ્રાબાબુ નાયડુએ મુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે તેમના સાથી સનસેના પ્રમુખ અને પૂર્વ અભિનેતા પવન કલ્યાણ અને નાયડુના પુત્ર નારા લોકેશે મંત્રીપદે શપથ લીધા હતા. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ૨૪ ધારાસભ્યોને મંત્રી જ્યારે નાયડુને મુખ્યમંત્રીપદે શપથ લેવડાવ્યા હતા. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, નિતિન ગડકરી, જે. પી. નડ્ડા સહિતના કેન્દ્રીય મંત્રીઓ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી નાયડુને ભેટયા હતા. બન્નેએ એકબીજાની પીઠ થપથપાવી હતી. આ ઉપરાંત મોદી અભિનેતા ચિરંજીવી અને પવન કલ્યાણને પણ ભેટયા હતા. સમારોહમાં હાજર તમિલ અભિનેતા રજનિકાંત અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ઓ પનીરસેલવમને પણ મોદી મળ્યા હતા. 

આંધ્રની નવી સરકારમાં પવન કલ્યાણના પક્ષ જનસેનાને ત્રણ, ભાજપને એક મંત્રીપદ મળ્યું છે. ૧૭૫ બેઠકો ધરાવતા આંધ્રમાં ટીડીપીએ બહુમત મેળવી સરકાર બનાવી હોવાથી વધુ મંત્રીપદ લીધા હતા, નાયડુની કેબિનેટમાં કુલ ૨૬ લોકોને મંત્રીપદ મળ્યું છે. બીજી તરફ ઓડિશામાં પ્રથમ વખત સત્તા પ્રાપ્ત કરનારા ભાજપે મોહન ચરણ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા છે. મોદીની હાજરીમાં માંઝીએ મુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા હતા. જે દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. કેવી સિંહ દેવ અને પ્રવતી પરિદાએ ઉપમુખ્યમંત્રીપદે શપથ લીધા હતા. ઓડિશાની ભાજપ સરકારમાં ૧૬ કેબિનેટ રેંકમાં માંઝી સહિત ચાર આદિવાસી, બે દલિત અને એક મહિલાને મંત્રીપદ મળ્યા હતા. 

જ્યારે ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડૂને ભાજપના વિધાનસભાદળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. તેઓ રાજ્યપાલ કેટી પારનેલકની મુલાકાત લેશે અને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. ગુરુવારે પેમા ખાંડૂનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીમાં યોજાનારી જી-૭ સમિટમાં ભાગ લેવા જઇ રહ્યા હોવાથી તેઓ આ સમારોહમાં સામેલ ના થાય તેવી શક્યતાઓ છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથસિંહ, નડ્ડા તેમજ ભાજપ શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ પેમા ખાંડૂના શપથ સમારોહમાં હાજર રહી શકે છે.


Google NewsGoogle News