હરિયાણામાં આંતરિક વિખવાદો વચ્ચે નાયબ સિંહ સૈની જ મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
Image Source: Twitter
Haryana New CM: હરિયાણામાં આંતરિક વિખવાદો વચ્ચે નાયબ સિંહ સૈની જ મુખ્યમંત્રી બન્યા રહેશે. આજે પંચકૂલામાં ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. નાયબ સિંહ સૈની હરિયાણામાં દસ વર્ષની સત્તા વિરોધી લહેર અને લોકોની નારાજગીને દૂર કરવામાં સફળ રહ્યા છે. લોકો સાથે તેમની સતત મુલાકાત અને લોકો માટે સીએમ આવાસ ખોલવું પણ કામ કરી ગયું. તેમણે 56 દિવસમાં 100થી વધુ નિર્ણયો લીધા. તેના જ દમ પર હવે તેમને સીએમ પદ મળ્યું છે.
રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે હેટ્રિક લગાવીને જીત હાંસલ કરી છે. આ નાયાબ જીતના નાયક બન્યા નાયબ સિંહ સૈની, હવે તેઓ સીએમની ખુરશી સંભાળશે.
આ પણ વાંચો: હરિયાણામાં જીત બાદ પણ ભાજપમાં ભારે બબાલના એંધાણ! ખુદ અમિત શાહે મેદાનમાં ઉતરવું પડ્યું
નાયબ સિંહ સૈનીના મુખ્યમંત્રી બનવા પર પક્ષના નેતાઓ અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગીની અટકળો વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે પોતે કમાન સંભાળી હતી અને તેઓ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર હતા. અહીં તેમણે એકતાનો સંદેશ આપ્યો હતો. 17 ઑક્ટોબરના રોજ વડાપ્રધાનની હાજરીમાં નાયબ સૈની બીજી વખત સીએમ પદના શપથ ગ્રહણ કરશે.
સૈની RSS સાથે સંકળાયેલા છે
25 જાન્યુઆરી 1970ના રોજ અંબાલાના મિર્ઝાપુર માજરા ગામમાં સૈની પરિવારમાં નાયબ સૈનીનો જન્મ થયો હતો. તેઓ બીએ અને એલએલબી છે. સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમને સંસ્થામાં કામ કરવાનો લાંબો અનુભવ છે.
મનોહરલાલના નજીકના છે
તેઓ વર્ષ 2002માં યુવા મોરચા ભાજપ અંબાલાથી જિલ્લા મહામંત્રી બન્યા. ત્યારબાદ વર્ષ 2005માં તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા અધ્યક્ષ રહ્યા હતા. સૈની 2009માં કિસાન મોરચા બીજેપી હરિયાણાના પ્રદેશ મહાસચિવ પણ હતા. 2012માં તેઓ અંબાલા ભાજપના જિલ્લા અધ્યક્ષ બન્યા. સૈનીને આરએસએસના સમયથી મનોહર લાલની નજીક માનવામાં આવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ જ તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપવાની હિમાયત કરી હતી.