નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો
Maharashtra Nagpur Violence: મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવાર રાત્રે ભડકી ઉઠેલી હિંસાના માસ્ટરમાઈન્ડની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે ફહીમ શમીમ ખાનને નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે.
નાગપુર પોલીસે દાવો કર્યો હતો કે, 38 વર્ષીય ફહીમ શમીમ ખાનના ભાષણ બાદ જ નાગપુરમાં હિંસા ભડકી હતી. તેમણે સમુદાયને ઉશ્કેરવા માટે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા હતા. ફહીમ ખાન માઈનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના નાગપુર અધ્યક્ષ છે.
આ પણ વાંચોઃ પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા
ફહીમ ખાન હિંસાના મુખ્ય આરોપી
ફહીમ ખાને 2024માં નાગપુર લોકસભા બેઠક પરથી પરિવહન મંત્રી નીતિન ગડકરી વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. તે આ હિંસાના મુખ્ય આરોપી હોવાની એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ઔરંગઝેબની કબર પર મુદ્દે સર્જાયેલા વિવાદના કારણે નાગપુરમાં આક્રમક હિંસા થઈ હતી. મહારાષ્ટ્રના નાગપુરના મહાલ અને હંસપુરી સહિત વિવિધ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે મારામારી, તોડફોડની ઘટના બની હતી, ડીજીપી સહિત ઘણા પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો થયો હતો.
50 લોકોની ધરપકડ
પોલીસે નાગપુર હિંસા મામલે 50 લોકોની ધરપકડ કરી છે. 100થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. જે હિંસામાં સામેલ આરોપીઓની શોધ કરી રહી છે. દાવો થઈ રહ્યો છે કે, અભિનેતા વિકી કૌશલની છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ ભભૂક્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને સારા શાશક ગણાવ્યા હતા. બીજી તરફ વિહિપ અને બજરંગદળ દ્વારા ઔરંગઝેબની કબર તોડી પાડવાની માગ પર થઈ રહેલા દેખાવો પર અફવા ફેલાતાં હિંસા ફાટી નીકળી હતી.