ભાજપ અધ્યક્ષ નડ્ડા લોકસભાની ચૂંટણી નહિ લડે : રાજ્યસભાના સભ્યપદે ફરી ચૂંટાશે
- નિર્મલા સીતારામન અને એસ. જયશંકર 2024ની ચૂંટણી નહિ લડે : રાજ્યસભાના સાંસદ તરીકે બંનેનો કાર્યકાળ 3 વર્ષનો બાકી છે
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લોકસભાની આગામી ચૂંટણી નહિ લડે. સૂત્રો જણાવે છે કે તેઓ ફરીવાર રાજ્યસભામાં ચૂંટાઈ આવવા આતુર છે. સૂત્રો જણાવે છે કે તેઓને તેમની બીજી ટર્મ માટે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામં મોકલવામાં આવશે. સૂત્રો તેમ પણ જણાવે છે કે તેઓ પોતાના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં જવાની સંભાવના ઘણી ઓછી છે કારણ કે ત્યાં કોંગ્રેસ સરકાર છે ત્યાં ભાજપનું સંખ્યાબળ પણ ઓછું છે. તેથી તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવવાની આશા રાખે છે.
લોકસભાની ચૂંટણીમાં નહી ઉભા રહેવાનું તેઓનું મુખ્ય કારણ તે પણ છે કે લોકસભાની ચૂંટણી સમયે તેઓ ફ્રી રહી શકે. વાસ્તવમાં ચૂંટણી પંચે, રાજ્યસભાની ખાલી પડનારી ૫૬ સીટો માટેની ચૂંટણી તારીખ ૨૭ ફેબ્રુઆરી નિશ્ચિત કરી છે. ઉત્તર પ્રદેશમાંથી તો તેઓ નિશ્ચિત રીતે ચૂંટાઈ આવશે તેથી વહેલામાં વહેલી એપ્રિલના અંતથી શરૂ થનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ બીજી કોઈપણ ઝંઝટ વિના પક્ષને માર્ગદર્શન આપી શકશે. નડ્ડા ઉપરાંત વિત્ત મંત્રી નિર્મલા સીતારમન અને વિદેશમંત્રી એસ. જયશંકર પણ રાજ્યસભાના જ સાંસદો છે પરંતુ તે બંનેનો કાર્યકાળ હજી ૩ વર્ષથી વધુ બાકી રહ્યો છે તેઓ રાજ્યસભામાં રહેવા માગે છે અથવા તો ઇચ્છે તો તેઓને લોકસભાની ચૂંટણી લડવા માટે પણ પરવાનગી અપાય તેવી સંભાવના છે.
જે ૫૬ સીટો ખાલી પડવાની છે અને ૨૭ ફેબ્રુઆરીએ જે માટે ચૂંટણી યોજાવાની છે તે સીટો ઉપરથી નિવૃત્ત થનારાઓમાં જે. પી. નડ્ડા છે જેઓ ફરી ચૂંટાવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નિવૃત્ત થવાના છે. તેઓ ૯૧ વર્ષે પહોંચ્યા હોવાથી ફરી ચૂંટણી લડવાની શક્યતા નહીવત છે પરંતુ જે કેન્દ્રીય મંત્રીઓ નિવૃત્ત થવાના છે તેમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સમાવિષ્ટ છે તેઓ ફરી ચૂંટણી લડશે તેવી સંભાવના છે.