મણિપુરમાં અશાંતિના મુખ્ય 2 કારણો : કુકી-મૈતેઈ લોકો પાસે મોટાપ્રમાણમાં હથિયારો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ! જાણો આવું કેમ થયું
મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયના વિસ્તારોના સંપૂર્ણ ભાગ પડી ગયા, 12000 બાળકો પર સંકટ
હિંસાથી આરોગ્ય અને શિક્ષણ પર ગંભીર અસર, રાજ્યની વણસતી સ્થિતિમાં પડોશી દેશનું પણ કનેક્શન
નવી દિલ્હી, તા.17 નવેમ્બર-2023, રવિવાર
મણિપુરમાં 2 સમુદાય વચ્ચે શરૂ થયેલી હિંસાને 8 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. રાજ્યમાં હજુ પણ સંપૂર્ણ શાંતિ સુનિશ્ચિત થઈ સકી નથી. હાલ સ્થિતિ એવી છે કે, રાજ્યમાં અગાઉ એક સાથે રહેનારા કુકી અને મૈતેઈ સમુદાય હવે સંપૂર્ણ અલગ થઈ ગયા છે. લગભગ 38 લાખની વસ્તી ધરાવતા મણિપુર રાજ્યમાં કુકી અને મૈતેઈ સમુદાયના વિસ્તારોના સંપૂર્ણ ભાગ પડી ગયા છે. કૂકી પ્રભુત્વ ધરાવતા ચુરાચાંદપુર, ટેંગ્નૌપાલ, કાંગપોકપી, થાઈજોલ, ચાંદેલમાં એકપણ મૈતેઈ સમુદાયના લોકો બચ્યા નથી. જ્યારે ઈમ્ફાલ વેસ્ટ, ઈસ્ટ, વિષ્ણુપુર, થોઉબલ, કાકચિંગ, કપ્સિનમાં એકપણ કુકી સમાજના લોકો જોવા મળતા નથી. એક દિવસ અગાઉ 8 મહિના પહેલા હિંસામાં મૃત્યુ પામેલા 19 લોકોના અંતિમ સંસ્કાર કરાયા હતા.
હિંસા યથાવત્ રહેવાનું કારણ શું છે ?
સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતાએ મણિપુરની સ્થિતિ અંગે શનિવારે કહ્યું હતું કે, રાજ્યમાં હિંસાનું મુખ્ય કારણ સ્થાનિક સમુદાયો પાસે મોટીમાત્રામાં હથિયારો ઉપલબ્ધ હોવાનું છે. ઉપરાંત મ્યાંમારની અસ્થિરતાની સંઘર્ષગ્રસ્ત ઉત્તર પૂર્વીય રાજ્યો પર ગંભીર અસર પડી રહી છે. તેમણે કહ્યું કે, સેના અને આસામ રાયફલ્સ, રાજ્ય પોલીસ અને તૈનાત સીએપીએફ સાથે મળીને મણિપુર હિંસા પર કાબુ મેળવવામાં મહદઅંશે સફળ થઈ છે. તેમના જણાવ્યા અનુસાર બંને રાજ્યમાં હજુપણ નાની-મોટી હિંસાની ઘટનાઓ થવાની આશંકા છે.
હિંસાનું મ્યાનમાર કનેક્શન શું છે ?
ભારત અને પડોશી દેશ મ્યાનમાર વચ્ચે 1643 કિલોમીટરની લાંબી સરહદ છે, જેમાંથી 396 કિલોમીટરની સરહદ મણિપુરને અડીને આવેલી છે. મ્યાનમારમાં સતત અશાંત સ્થિતિ સર્જાયેલી જોવા મળતી હોય છે. મણિપુર અને મ્યાનમાર સરહદ પાસેના હોવાથી બંને તરફના લોકો વંશીય અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા હોય છે. બંને દેશો વચ્ચે 5 વર્ષ પહેલા થયેલા ‘ફ્રી મૂવમેન્ટ રીજીમ’ કરારના કારણે બંને તરફના લોકો 16 કિલોમીટર સુધી એકબીજાના વિસ્તારમાં આવન-જાવન કરી શકે છે. આ મામલે મણિપુર સરકાર સતત એવો દાવો કરતી રહી છે કે, મ્યાનમારથી માદક પદાર્થો ઉપરાંત ગેરકાયદેસર પ્રવાસીઓની અવર-જવર થઈ રહી છે. આ પણ હિંસાનું મુખ્ય કારણ છે.
મણિપુરની સ્થિતિ ક્યારે કાબુમાં આવશે ?
સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહીમાં તેઓનું ધ્યાન હિંસાની ઘટનાઓ ઘટાડવા પર રહ્યું છે. તેમણે કહ્યું કે, કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે શાંતિ અને સમાધાન મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આવી સ્થિતિમાં સમસ્યાના સમાધાન માટે હાલ કોઈપણ સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી. હિંસાની અસરની વાત કરીએ તો કુકી વિસ્તારોની ઘણી હોસ્પિટલોમાં મૈતેઈ ડોક્ટરો જતા રહ્યા છે, જેના કારણે હોસ્પિટલની સેવાઓ પર ગંભીર અસર પડી રહી છે. હિંસાના કારણે રાજ્યના ભણતર પર પણ અસર પડી છે. રાજ્યના સંકટનો સામનો કરી રહેલા લગભગ 12 હજારથી વધુ બાળકો લગભગ 350 રાહત કેમ્પોમાં રહેવા મજબુર છે. સુરક્ષા દળોની દેખરેખ હેઠળ માત્ર 3થી 5 કલાક અભ્યાસ થઈ રહ્યો છે.