રાહુલ-અખિલેશને મારું સમર્થન : ચિરાગ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
રાહુલ-અખિલેશને મારું સમર્થન : ચિરાગ 1 - image


- એનડીએમાં તડાંની આશંકા, લેટરલ એન્ટ્રી, એસસી-એસટી અનામત પછી હવે વધુ એક મુદ્દા પર સાથી પક્ષ આડો ફાટયો

- જાતિ આધારિત વસતી ગણતરી

- મોદીજી, જાતિ આધારિત વસતી ગણતરીને રોકવાનું સપનું પણ ના જોશો, હવે કોઈ શક્તિ રોકી નહીં શકે ઃ લોકસભામાં વિપક્ષના નેતા

- જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કરાશે તો સમાજમાં વિભાજનકારી સ્થિતિ સર્જાશે ઃ ચિરાગ

- અત્યારે જ આદેશ આપી દો અથવા તમે આગામી વડાપ્રધાનને આ આદેશ આપતા જોઈ શકશો ઃ રાહુલ ગાંધી

રાંચી: લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી બેઠકો જીતવામાં સફળ રહ્યા પછી વિપક્ષ દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહ્યો છે. લોકસભા ચૂંટણીના સમયથી કોંગ્રેસે જાતિ આધારિત વસતી ગણતરીની માગ ઉઠાવી છે. કોંગ્રેસને હવે વિપક્ષ જ નહીં એનડીએના સાથી પક્ષનો પણ સાથ મળ્યો છે. પીએમ મોદીના હનુમાન કહેવાતા ચિરાગ પાસવાને જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ભાજપ કરતાં અલગ વલણ અપનાવ્યું છે. તેમણે રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવની જાતિ આધારિત વસતી ગણતરીનું સમર્થન કર્યું છે.

રાંચીમાં લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ની કારોબારી બેઠકમાં યોજાઈ હતી, જેમાં ચિરાગ પાસવાનની ફરી એક વખત રાષ્ટ્રીય અધ્યક્ષપદે નિમણૂક કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, મારો પક્ષ હંમેશા જાતિ આધારિત વસતી ગણતરીની તરફેણમાં રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે જાતિ આધારિત વસતી ગણતરી થાય. તેનું કારણ એ છે કે મોટાભાગે રાજ્ય અને કેન્દ્ર સરકારો જાતિ આધારિત વિચારોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે. આ યોજનાઓ આ સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે બનાવાય છે. એવામાં સરકાર પાસે દરેક જાતિની વસતીની માહિતી હોવી જોઈએ.

જોકે, ચિરાગ પાસવાને કહ્યું કે, હું જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાની તરફેણ કરતો નથી. હું માનું છું કે, આંકડા જાહેર કરવામાં આવશે તો સમાજમાં વિભાજનકારી સ્થિતિઓ પેદા થશે. અનેક વખત કોર્ટ તરફથી પણ સરકાર પાસે જાતિની વસતી અંગે માહિતી માગવામાં આવી છે. એવામાં મારું માનવું છે કે આ આંકડા સરકાર પાસે હોવા જોઈએ. જેનાથી યોજનાઓના અમલમાં સુધારો કરી શકાય. લોકો માટે કલ્યાણકારી યોજનાઓના સફળ અમલમાં મદદ થઈ શકે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, મોદીજી, તમે જાતિ આધારિત વસતી ગણતરીને રોકવા અંગે વિચારતા હોવ તો તેનું સપનું પણ ના જોશો. કોઈ શક્તિ હવે તેને રોકી નહીં શકે. હિન્દુસ્તાનનો ઓર્ડર આવી ગયો છે. ટૂંક સમયમાં ૯૦ ટકા ભારતીયો જાતિ આધારિત વસતી ગણતરીનું સમર્થન અને માગ કરશે. ઓર્ડર અત્યારે જ આપી દો અથવા તમે આગામી વડાપ્રધાનને આ આદેશ આપતા જોઈ શકશો.

રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરીના મહત્વ પર ભાર મુકતા કહ્યું કે, આ એક વસતી ગણતરી નથી, પરંતુ નીતિ નિર્ધારણનો આધાર છે. ૯૦ ટકા લોકો સિસ્ટમનો ભાગ નથી. તેમની પાસે કૌશલ્ય છે, પ્રતિભા છે, જ્ઞાાન છે પરંતુ તેમનું સિસ્ટમ સાથે કોઈ કનેક્શન જ નથી. આ જ કારણ છે કે અમે જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યા છીએ.

હકીકતમાં એક સરવેમાં સામે આવ્યું છે કે દેશના ૭૪ ટકા લોકો જાતિ આધારિત વસતી ગણતરીનું સમર્થન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓએ જાતિ આધારિત વસતી ગણતરીની માગ ઉઠાવી હતી.  દેશમાં નજીકના સમયમાં વસતી ગણતરી થવાની સંભાવના છે ત્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે વસતી ગણતરી સમયે કેન્દ્ર સરકાર એક વધારાની કોલમ ઉમેરીને ઓબીસી જાતીઓની વિગતો એકત્ર કરી શકે છે.

વર્તમાન સમયમાં કઈ જાતિની કેટલી વસતી છે તે ખ્યાલ આવતો નથી. અત્યારે માત્ર અનુસૂચિત જાતિ (એસસી) અને જનજાતિ (એસટી)ના જ આંકડા આવે છે. ઓબીસી જાતિઓની ગણતરી થતી નથી. કોંગ્રેસ સહિત વિપક્ષની માગ છે કે જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવે અને જે જાતિની જેટલી વસતી હોય તેને તેટલું અનામત આપવામાં આવે.

- મોદીના 'હનુમાન'નું એનડીએ વિરોધી વલણ

રાંચી: લોકસભા ચૂંટણીમાં એનડીએ સાથે જોડાયા પછી લોકજનશક્તિ પાર્ટિ (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનને પીએમ મોદીના 'હનુમાન' તરીકે ઓળખવામાં આવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયમાં ચિરાગ પાસવાન મોદી સરકારથી વિપરિત વલણ અપનાવી રહ્યા છે. તેમણે જાતિ આધારિત વસતી ગણતરીનો વિરોધ કરવાના ભાજપના વલણની ટીકા કરી છે ત્યારે  અગાઉ ચિરાગ પાસવાને કેન્દ્ર સરકારમાં લેટરલ એન્ટ્રી મારફત ઉચ્ચ પદો પર ભરતીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું કે મારો પક્ષ કોઈપણ સરકારી નિમણૂકો અનામતની જોગવાઈ વિના કરવાના વિરોધમાં છે. આ સિવાય એસસી-એસટી અનામતમાં ક્રીમી લેયરના સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ચિરાગ પાસવાને વિરોધ કર્યો હતો. તેમણે આ મુદ્દા પર ભારત બંધનું સમર્થન કર્યું હતું.


Google NewsGoogle News