મારો પુત્ર રાહુલ તમને સોંપી રહી છું તે તમને નિરાશ નહીં કરે : સોનિયા
- હું ઇચ્છું છું કે રાહુલ વહેલા લગ્ન કરી લે : પ્રિયંકા
- મોદીને અદાણી-અંબાણીનું નામ લેતા કરી દીધા, હું જે ઇચ્છું તે પીએમ પાસે બોલાવી શકું છું : રાહુલનો દાવો
- રશિયાની જેમ ભારતમાં તાનાશાહી, વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલી ચૂંટણી લડાઇ રહી છે : કેજરીવાલ
રાયબરેલી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. એવામાં પુત્રના પ્રચાર માટે રાયબરેલીમાં રેલીને સંબોધતા સોનિયા ગાંધીએ ભાવુક થઇને લોકોને કહ્યું હતું કે હું મારો પુત્ર તમને સોંપી રહી છું, તે તમને નિરાશ નહીં કરે. મને જે કઇ પ્રાપ્ત થયું છે તે તમારે કારણે છે, તેથી મારા ભાઇઓ-બહેનો હું તમને મારો પુત્ર સોંપી રહી છું. રાયબરેલીની જનતાએ મને તેમની સેવા કરવા માટે ૨૦ વર્ષ સુધી તક આપી, મારા જીવનની આ સૌથી મોટી મુડી છે.
જ્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમેઠી અને રાયબરેલી બન્નેનો સરખો વિકાસ કરીશું. જો રાયબરેલીના વિકાસ માટે ૧૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તો એટલી જ રકમ અમેઠીમાં પણ ખર્ચ કરાશે. સોનિયા ગાંધી જ્યારે ભાવુક થઇને ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની પાસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉભા રહ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું ઇચ્છુ તે વિષય પર નરેન્દ્ર મોદીને બોલવા મજબુર કરી શકુ છું. મે જ્યારે કહ્યું કે મોદી અદાણી અને અંબાણીના નામ નથી લેતા તો મોદી બાદમાં બન્નેના નામ લેવા લાગ્યા. મે કહ્યું હતું કે લોકોના બેંક ખાતામાં ટકાટક ટકાટક નાણા જમા કરાવીશું તો મોદી પોતાના ભાષણમાં ટકાટક ટકાટક બોલ્યા હતા. તમે જે કહો તે હું મોદી પાસે બોલાવી શકું.
રાયબરેલીની રેલીમાં જ્યારે લોકોએ રાહુલ ગાંધીને પુછ્યું કે તમે લગ્ન ક્યારે કરશો તો જવાબમાં રાહુલે હસતા કહ્યું હતું કે હવે તો વહેલા લગ્ન કરી લેવા પડશે. રાહુલના લગ્નની ચર્ચા વચ્ચે બહેન પ્રિયંકા ગાંધીએ પણ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રિયંકાએ ન્યૂઝલોન્ડ્રીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે હું મારા ભાઇ રાહુલને ખુશ જોવા માગુ છું, હું ઇચ્છુ છું કે રાહુલ વહેલા લગ્ન કરી લે અને તેના પણ બાળકો હોય. દરમિયાન આમ આદમી પાર્ટીનો પંજાબના અમૃતસરમાં પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતની વર્તમાન સ્થિતિની સરખામણી રશિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે રશિયામાં તાનાશાહી છે, વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ તાનાશાહી ચાલી રહી છે, જેનો સ્વીકાર ના કરી શકાય. છેલ્લા ૭૫ વર્ષમાં ભારતમાં આવી તાનાશાહી ક્યારેય નથી જોવા મળી. રશિયામાં તાનાશાહી છે અને પ્રમુખ પુતિન વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલ્યા હતા અને પછી ચૂંટણી કરાવીને ૮૭ ટકા મત લઇ લીધા હતા.