મારી સરકાર ભગવાન શ્રીરામમાંથી પ્રેરણા મેળવે છે : સોલાપુરમાં એક સભાને સંબોધતાં વડાપ્રધાને કહ્યું
- મોદીએ તે સમયે મરાઠી-સરદાર જેવો સાફો પહેર્યો હતો
- આ સાથે નરેન્દ્ર મોદીએ 8 અમૃત પરિયોજનાઓનો પણ શિલા-રોપણ વિધિ કર્યો : સાથે ગેરેન્ટી આપી
સોલાપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) અહીં એક જાહેર સભાને સંબોધન કરતા મુક્ત મને જણાવ્યું કે, મારી સરકાર ભગવાન શ્રીરામમાંથી પ્રેરણા મેળવે છે અને શાસનના સિદ્ધાંતો, જે તેઓએ સ્થાપ્યા છે તેને અનુસરે છે. આ સાથે તેઓએ શ્રીરામે શાસન માટે સ્થાપેલા પ્રમાણિકતાના સિદ્ધાંતો યાદ કર્યા હતા અને શ્રોતાજનોને જાન્યુઆરીની ૨૨મીએ (પ્રાણ પ્રતિષ્ઠા દિને) પોતાના ઘરમાં રામજ્યોતિ પ્રકટાવવા અનુરોધ કર્યો હતો. તેઓએ તેમની ગેરેન્ટ-મોદી ગેરન્ટીનું અર્થઘટન કરતા જણાવ્યું હતું કે, મોદીની ગેરન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવી જોઇએ. ભગવાન્ શ્રીરામે આપણને વચનનું પ્રતિપાલન કરતાં શીખવાડયું છે. તેથી જ અમે દરિદ્રોનાં કલ્યાણ માટે અને તેઓનાં સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છીએ.
મહારાષ્ટ્રના સોલાપુરમાં એક સભાને કરેલાં સંબોધનમાં તેઓએ કહ્યું આજે મેં આઠ પરિયોજનાઓનું શિલારોપણ કર્યું. રૂ. ૨૦૦૦ કરોડના ખર્ચે આ ૮ અમૃત પરિયોજના (અટલ મિશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સર્મેશન) સાકાર થવાની છે.
આ સાથે તેઓએ પીએમ આવાસ યોજના (પીએમએવાય)નીચે બંધાયેલાં ૯૦૦૦ આવાસો લોકાર્પિત કર્યા હતા. તે ઉપરાંત અન્ય ૧૫૦૦૦ આવાસોની રાયનગર-હાઉસીંગ સોસાયટીના આવાસોની પણ લોકાર્પણ વિધિ કરી હતી. આ આવાસોમાં મહ્દઅંશે હાથશાળ કારીગરો, ફેરિયાઓ, પાવરલૂમ-કારીગરો, રેગ-પિકર્સ (કચરો ઉઠાવનાર) બીડી કામદારો અને ડ્રાયવરોને રહેવા માટે છે.
આ કાર્યક્રમ દરમિયાન તેઓએ પી.એમ. સ્વનિધિના પહેલા અને બીજા હપ્તાની પણ વહેંચણી કરી હતી. આ લોકાર્પણ વિધિ સમયે વડાપ્રધાન ભાવુક બની ગયા હતા અને કહ્યું મારી ઇચ્છા તો આવા આવાસમાં રહેવાની છે. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે લગભગ આવા જ આવાસમાં રહેતા હતા. પરંતુ જ્યારે લોકોનાં સ્વપ્નો સાકાર થાય છે ત્યારે તેઓ આનંદિત થાય છે. તેઓના આશિર્વાદ મારી સૌથી મોટી મૂડી છે.
આ સાથે જેઓ આ નવાં ઘરો પ્રાપ્ત કરી શક્યા છે તે સર્વેને ૨૨મી જાન્યુઆરીએ તેઓનાં ઘરોમાં રામ જ્યોતિ પ્રકટાવવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તે જ્યોતિ પ્રકટાવવાથી તેઓને એવી આંતર ચેતના જાગશે કે જે દ્વારા તેઓ દારિદ્ર દૂર કરી શખશો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે ભગવાન શ્રીરામે તો એવાં કાર્યો કર્યા હતાં કે જેથી તેઓની પ્રજા સુખી હતી. મારી સરકાર પણ દરિદ્રોનાં કલ્યાણ માટે અને તેઓનાં સશક્તિકરણ માટે સદાએ પ્રયત્નશીલ છે. તેઓની કઠીનાઈઓ દૂર કરવા સરકારે અનેકવિધ યોજનાઓ કરી છે અને તેમાંથી વચેટિયાઓને તો તદ્દન દૂર કરી નાખ્યા છે.