'અમને કોંગ્રેસે જ નુકસાન પહોંચાડ્યું...' MVAમાં ઊઠ્યા વિરોધના સ્વર, ઉદ્ધવ જૂથના નેતાનો બળાપો
Maharashtra politics: મહારાષ્ટ્રની ચૂંટણીમાં કારમી હાર બાદ મહાવિકાસ અઘાડીના ગઠબંધનમાં તિરાડો વધી રહી છે. અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભારી બનેલા જી. પરમેશ્વરે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીના સહકારના અભાવે મહારાષ્ટ્રમાં હાર થઈ હોવાનું કારણ આપ્યું હતું. હવે શિવસેના(યુબીટી)એ આક્ષેપો કરતાં કોંગ્રેસ પર હારનું ઠીકરું ફોડ્યું છે.
કોંગ્રેસના અતિ આત્મવિશ્વાસે અમને ડૂબાડ્યાં
યુબીટી નેતા અંબાદાસ દાનવેએ કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે, કોંગ્રેસના વધુ પડતાં આત્મવિશ્વાસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને નુકસાન પહોંચાડ્યું છે. અમારી હાર માટે કોંગ્રેસ જ જવાબદાર છે.
લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જોશમાં
વધુમાં દાનવેએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ભાજપના એનડીએ ગઠબંધનને આકરી ટક્કર આપતાં જોશમાં હતી. તેને પોતાના પર વધુ પડતો આત્મવિશ્વાસ હતો. હરિયાણા, જમ્મુ અને કાશ્મીર તથા મહારાષ્ટ્રમાં આ ઓવર કોન્ફિડન્સ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. રાહુલ ગાંધી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી દરમિયાન આકરી મહેનત કરી હતી અને I.N.D.I.A. ગઠબંધને પરિણામો પણ આપ્યા હતા. પરંતુ ઓવર કોન્ફિડન્સમાં તેણે રાજ્યની ચૂંટણી માટે કોઈ ખાસ મહેનત કરી ન હતી.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પરાજય બાદ MVAમાં ડખાં શરૂ! કોંગ્રેસે ઠાકરે-પવાર પર લગાવ્યા આક્ષેપ
એમવીએની હાર પાછળ જવાબદાર કારણો
દાનવેના મતે, મહાવિકાસ અઘાડી અંતિમ દિવસ સુધી બેઠકની ફાળવણી મુદ્દે મૂંઝવણમાં અને ચર્ચામાં રહ્યાં. પરંતુ તે દિવસોમાં ચૂંટણી પ્રચાર મારફત જનતાનો સંપર્ક સાંધવાનો હતો. અમુક બેઠકો પર શિવસેના(યુબીટી)ની પકડ મજબૂત હતી, તેમ છતાં કોંગ્રેસે તે બેઠકો ફાળવી નહીં.
મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કર્યો નહીં
કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રીનો ચહેરો લોકો સમક્ષ રજૂ કરવો જોઈતો હતો. તેણે ઉદ્ધવ ઠાકરેનું નામ મુખ્યમંત્રી રૂપે જાહેર કર્યું હોત તો પરિણામો કંઈક અલગ હોત. પરંતુ તેણે આમ ન કર્યું. કોંગ્રેસ પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવા અતિ ઉત્સાહિત હતી.