રાષ્ટ્રપતિને 'Poor Lady' કહેવું ભારે પડ્યું, સોનિયા ગાંધી વિરુદ્ધ મુજફ્ફરપુર કોર્ટમાં કેસ દાખલ
Complaint Filed Against Sonia Gandhi: મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM)ની કોર્ટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિરુદ્ધ કથિત અભદ્ર ટિપ્પણી અંગે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એડવોકેટ સુધીર ઓઝાએ ફરિયાદ નોંધાવી
મુઝફ્ફરપુરના એડવોકેટ ધીર કુમાર ઓઝાએ સીજેએમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બજેટ 2025 સત્ર દરમિયાન સંબોધન પૂરું થયા પછી જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગૃહમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ફરિયાદીનું કહેવું છે કે આ ટિપ્પણી રાષ્ટ્રપતિ પદની ગરિમાનું અપમાન છે અને તેનાથી દેશની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ આધારે, ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 'જો તમારી પાસે નોકરી જ નથી તો શું...' 12 લાખની આવક કરમુક્તિ અંગે દિગ્ગજ નેતાનો કટાક્ષ
કોર્ટે સુનાવણીની તારીખ નક્કી કરી
એડવોકેટ સુધીર ઓઝા દ્વારા દાખલ કરવામાં આવેલી આ ફરિયાદને મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટે સ્વીકારી લીધી છે. આ મામલે સુનાવણી માટે 10મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.
સોનિયા અને રાહુલે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે સંસદના બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ સંસદની બહાર રાષ્ટ્રપતિને Poor Lady કહ્યા હતા. ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રપતિના ભાષણને કંટાળાજનક ગણાવ્યું. રાષ્ટ્રપતિ ભવને કોંગ્રેસના નેતાઓની આ ટિપ્પણીઓની સખત નિંદા કરી છે.