દેશમાં પહેલીવાર બની રહ્યો છે લિવ-ઈન રિલેશનશિપ કાયદો, માતા-પિતાની મંજૂરી જરૂરી, નિયમ ભંગ પર થશે સજા
લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલા બાળકોને પણ કાયદેસરની માન્યતા અપાશે
Uttarakhand UCC Bill: ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું વિચારતા લોકોએ જિલ્લા અધિકારીઓ પાસે પોતાની નોંધણી કરાવવી પડશે. જો 21 વર્ષથી ઓછી ઉંમર હોય તો તેમણે માતા-પિતાની સંમતિ લેવી જરૂરી રહેશે. આવા સંબંધોની ફરજિયાત નોંધણી એવી વ્યક્તિઓને લાગુ પડશે, જે મૂળ ઉત્તરાખંડના રહેવાસી હોય અને રાજ્ય બહાર ગમે ત્યાં બહાર લિવ-ઈન રિલેશનશિપમાં હોય.
કોણે નોંધણી કરાવવાની રહેશે?
જાહેર નીતિ અને નૈતિકતા વિરુદ્ધ હોય એવા લિવ-ઇન રિલેશનશિપના કેસની નોંધણી કરવામાં આવશે નહીં. જેમકે જો એક સાથી પરિણીત હોય અથવા બીજા સંબંધમાં હોય, કે જો એક સાથી સગીર હોય અને તેની સંમતિ જબરદસ્તી, છેતરપિંડી અથવા ખોટી રજૂઆત (ઓળખના સંદર્ભમાં) કરીને મેળવવામાં આવી હોય. તેવા કેસમાં રજિસ્ટ્રેશન નહીં થઈ શકે.
લિવ-ઇન રિલેશનશિપની વિગતો માટે વેબસાઇટ
એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે લિવ-ઇન રિલેશનશિપની વિગતો સ્વીકારવા માટે એક વેબસાઇટ તૈયાર કરાઈ છે, જે જિલ્લા રજિસ્ટ્રાર સાથે ચકાસવામાં આવશે. આ કરવા માટે તે એક અથવા બંને પાર્ટનર અથવા અન્ય કોઈને કૉલ કરી શકે છે. જો રિલેશનશિપના રજિસ્ટ્રેશનનો ઈનકાર કરવામાં આવશે, તો રજિસ્ટ્રરે લેખિતમાં કારણો આપવાના રહેશે.
લિવ-ઇન રિલેશનશિપ પૂરા થયાની પણ સૂચના આપવી પડશે
રજિસ્ટર્ડ લિવ-ઇન રિલેશનશિપ પૂરી થવા બાબતે નિર્ધારિત ફોર્મેટમાં લેખિત નિવેદન આપવું પડશે. આ નિવેદનથી જો રજિસ્ટ્રારને લાગે કે સંબંધ સમાપ્ત કરવાના કારણો ખોટા અથવા શંકાસ્પદ છે, તો પોલીસ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી શકે છે. જો 21 વર્ષથી ઓછી ઉંમર હોય અને લિવ-ઇન રિલેશનશિપ સમાપ્ત કરે છે તો તે અંગેની જાણકારી માતાપિતા અથવા વાલીઓને પણ આપવામાં આવશે.
નોંધણીમાં વિલંબ બદલ દંડ થશે
લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ન કરવા અથવા ખોટી માહિતી આપવા માટે, વ્યક્તિને ત્રણ મહિનાની જેલ, ₹ 25,000 નો દંડ અથવા બંને થઈ શકે છે. લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ન કરનારને વધુમાં વધુ છ મહિનાની જેલ, ₹ 25,000 નો દંડ અથવા બંને થઈ શકે છે. જો રજિસ્ટ્રેશન કરાવવામાં એક મહિના જેટલો સમય લે છે તો પણ ત્રણ મહિના સુધીની જેલ, ₹ 10,000 નો દંડ અથવા બંને થઈ શકે છે.
લિવ-ઈનમાં જન્મેલા બાળકોને કાયદાકીય માન્યતા મળશે
ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે સવારે રજૂ કરાયેલ યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ-ઇન રિલેશનશિપ પરના વિભાગના અન્ય મુખ્ય મુદ્દાઓમાં એ સામેલ છે કે લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકોને કાયદેસરની માન્યતા મળશે એટલે કે, તેઓ દંપતીના કાયદેસરના બાળકો હશે.