મુસ્લિમોને અનામત મળવી જ જોઈએ...' ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે લાલુ યાદવનું મોટું નિવેદન
Lok Sabha Elections 2024 | ગુજરાતની 26 બેઠકો સહિત દેશની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે મુસ્લિમ અનામતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે અનામતની વાત કરીને ચૂંટણીના વાતાવરણને પોતાની તરફેણમાં બદલવાનો પ્રયાસ કરતાં કહ્યું કે મુસ્લિમોને અનામત મળવી જોઈએ.
લાલુ પ્રસાદ યાદવ શું બોલ્યાં...?
લાલુ યાદવે કહ્યું કે, 'વોટ અમારી તરફ આવી રહ્યા છે... ભાજપના લોકો ડરી ગયા છે. તેઓ માત્ર લોકોને ભડકાવી રહ્યા છે. ભાજપના લોકો બંધારણને ખતમ કરવા માંગે છે. ભાજપને જનતા સમજી ગઈ છે. મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જોઈએ.
મતદાન વિશે શું બોલ્યાં?
લાલુ યાદવે વધુમાં કહ્યું કે, 'ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. દરેક જગ્યાએ મોટી મોટી લાઇનો છે. તમામ મતદાન અમારી તરફેણમાં છે. ભાજપના લોકો ભડક્યા છે કારણ કે તેઓ ડરી ગયા છે. અનામતની જોગવાઈ છે... તેઓ લોકશાહી અને બંધારણનો નાશ કરવા માગે છે. જનતા આ સમજી ગઈ છે.
પીએમ મોદી શું બોલ્યા હતા
થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારો પર ધર્મના આધારે અનામત આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અન્ય વંચિત જૂથોને ધર્મના આધારે મુસ્લિમોને આપવામાં આવતી અનામતને મંજૂરી નહીં આપે.