હિંદુ રીત-રિવાજ પ્રમાણે છપાવ્યું આમંત્રણ કાર્ડ, સૌથી પહેલાં ભગવાન ગણેશને મોકલ્યું, મુસ્લિમ યુવકના લગ્ન ચર્ચામાં
નવી મુંબઇ,તા. 24 ફેબ્રુઆરી 2024, શનિવાર
ભારતમાં એક તરફ કોમવાદ અને જાતિવાદ ચરમસીમા પર છે તો બીજી તરફ દેશમાં અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જ્યાં ગાંધી-સરદાર-નહેરૂના ખરા ભારતનું પ્રતિબિંબ જોવા મળે છે. આ જ પ્રકારનો કોમી એખલાસનો એક દિલ જીતનારો કિસ્સો સામે આવ્યો છે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બહરાઈચના સફીપુર ગામમાં રહેતા એક મુસ્લિમ સમુદાયના પરિવારે પુત્રના લગ્ન માટે હિંદુ રીતિ-રિવાજ મુજબ કાર્ડ છપાયું છે. આ કાર્ડને ભગવાન ગણેશને સૌપ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું આમંત્રણ કાર્ડ હવે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. લગ્નના કાર્ડમાં વર-વધુના અને સંબંધીઓના નામ તો મુસ્લિમ જ છે પરંતુ લગ્નનું કાર્ડ સંપૂર્ણ હિંદુ રીતિ-રિવાજ મુજબ છાપવામાં આવ્યું છે. આ શાનદાર લગ્નની તારીખ 29 ફેબ્રુઆરી છે અને સરનામું બહરાઈચના કૈસરગંજ ગામનું છે.
આ વાયરલ મેરેજ કાર્ડની ખરાઈ કરવા માટે કાર્ડમાં છપાયેલ સફીપુર ગામના રહેવાસી અને વરરાજાના પિતા અઝુલ કમરને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે મારો પુત્ર સમીર અહેમદ છે અને તેના લગ્ન 29 ફેબ્રુઆરીએ જરવાલ રોડના રહેવાસી જુમેરાતીની પુત્રી સાનિયા ખાતુન સાથે થવાના છે. તેમણે પોતાના હિંદુ ભાઈબંધુઓને આમંત્રણ આપવા માટે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્નના કાર્ડ છપાવ્યા છે.
અમારા ગામડા સફીપુર અને અન્ય ઘણી જગ્યાએ હિંદુ ભાઈઓને આમંત્રણ આપવાનું હતું તેથી અમે વિચાર્યું કે શા માટે તેમના માટે હિંદુ રીતિ-રિવાજ મુજબ કાર્ડ છાપવામાં ન આવે. અમે પરિવારના સંબંધીઓ અને મુસ્લિમો મિત્રો માટે ઉર્દૂમાં કાર્ડ છપાવ્યા છે પરંતુ તે હિંદુ ભાઈઓ વાંચી સમજી નહિ શકે તેથી અમે અમારા હિંદુ મિત્રોને પુત્રના લગ્ન માટે આમંત્રણ આપવા માટે આ પ્રકારનું કાર્ડ છાપ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે હિંદુઓ માટે પ્રીતિભોજન એટલેકે જમણવારનો કાર્યક્રમ એક દિવસ અગાઉ આયોજિત કરવામાં આવ્યો છે.
એકતાનું ઉત્તમ ઉદાહરણ :
મુસ્લિમ સમાજના લગ્નના હિંદુ પરંપરા મુજબ છપાયેલા આ કાર્ડે સમાજમાં હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ ઉભું કર્યું છે. આ પ્રકારની સમજણ અને જાળવણી કોમી એખલાસના ભાઈચારાના બંધનને વધુ મજબૂત અને વિચારોના મતભેદને દૂર કરવાનું કામ કરશે. વાયરલ થઈ રહેલું આ લગ્નનું કાર્ડ હિંદુ-મુસ્લિમ એકતાનો સંદેશ દરેક ઘર સુધી લઈ જઈ રહ્યું છે.