મુસ્લિમોને OBC અનામતની ચર્ચા વચ્ચે સમજો આખું ગણિત, શું તેમને અલગથી મળે છે ક્વૉટા?
Muslim Reservation | લોકસભાના છ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને એક તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહેલા મુસ્લિમ અનામતના મુદ્દે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. આ દરમિયાન કલકત્તા હાઈકોર્ટના મુસ્લિમ અનામત અંગે આપેલા મહત્ત્વના ચુકાદાથી રાજકીય ગરમાવો સર્જાઈ ગયો છે.
કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને ઝટકો આપતા એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 2010થી 2012ની વચ્ચે ડાબેરી અને તૃણમૂલ સરકાર દ્વારા 77 વર્ગને (તેમાં કુલ 75 મુસ્લિમ વર્ગ હતા) અપાયેલા અન્ય પછાત વર્ગ (ઓબીસી) પ્રમાણપત્રોને રદ કર્યા છે. હાઈકોર્ટના જજ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની બેન્ચે જણાવ્યું કે, 'રાજ્યનો આ નિર્ણય સમગ્ર મુસ્લિમ સમુદાયનું અપમાન છે કારણ કે તેમની સાથે માત્ર 'વોટ બેંક' તરીકે જ વ્યવહાર કરવામાં આવ્યો છે. આ સમુદાયોને ઓબીસી તરીકે જાહેર કરવા માટે ધર્મ જ એકમાત્ર માપદંડ હોવાનું જણાય છે અને કોર્ટનું મન શંકાથી મુક્ત નથી કે આ સમુદાયોને ફક્ત રાજકીય હેતુઓ માટે એક ચીજવસ્તુ ગણવામાં આવે છે. આ વર્ગોને માત્ર મત મેળવવા માટે જ ઓબીસીમાં સામેલ કર્યા છે તેમના કલ્યાણ માટે નહીં. આ નિર્ણય ફક્ત પોતાના રાજકીય હિત સાધવા માટે જ લેવાયો છે.લોકોના હિતને આધારે રાખીને નહી. રાજકીય પક્ષો તેઓને તેમના હાથની કઠપૂતળી સમજે છે અને તેમના અધિકારો પણ ભવિષ્યમાં છીનવી લેશે.’
જો કે આ ચુકાદા પછી દેશભમાં જોરદાર રાજકીય કોલાહલ વ્યાપેલો છે. મમતા બેનરજીએ આ ચુકાદાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ ચુકાદાને તેઓ સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી રહ્યા છે.
ઉતર પ્રદેશમાં પણ મુસ્લિમ અનામતની થઇ શકે છે સમીક્ષા
હાલ ઉત્તર પ્રદેશમાં ઓબીસી ક્વૉટામાં 24 મુસ્લિમ જાતિનો સમાવેશ થાય છે. કલકત્તા હાઇકોર્ટના ચુકાદા બાદ યોગી સરકાર પણ ઉત્તર પ્રદેશમાં ઓબીસીમાં મુસ્લિમોને મળેલી અનામતની સમીક્ષા કરી શકે છે. જો સમીક્ષા થશે તો ખબર પડશે ક્યા આધારે અનામત અપાઈ છે. યોગી આદિત્યનાથે હાઇકોર્ટના ચુકાદાને સમર્થન આપતા જણાવ્યું છે કે, ‘ભારતીય બંધારણ ધર્મના આધારે અનામતનું સમર્થન નથી કરતું. 2010માં મમતા બેનરજીની સરકાર દ્વારા પશ્ચિમ બંગાળમાં વોટબેંકની રાજનીતિ માટે 188 મુસ્લિમ જાતિનો ઓબીસીમાં સમાવેશ કરીને અનામત અપાઈ હતી. કલકત્તા હાઇકોર્ટે તૃણમૂલ સરકાર દ્વારા અપાયેલી અનામતને ગેરબંધારણીય ઠેરવી છે અને મમતા સરકારની ઝાટકણી પણ કાઢી છે.’
યોગીએ જણાવ્યું છે કે ‘બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે પણ દેશની બંધારણ સભામાં વારંવાર કહેવાયું હતું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મંડલ આયોગ પછી આ અનામતની વ્યવસ્થા ઓબીસીના સામાજિક અને આર્થિક પછાતપણાને ધ્યાનમાં રાખીને કરાઈ છે, પરંતુ ભારતનું બંધારણ ધર્મના આધારે ક્યારેય અનામતની મંજૂરી આપતું નથી.
શું છે બંધારણમાં અનામતની જોગવાઈ?
સુપ્રીમ કોર્ટે 1992માં ‘ઈન્દિરા ગાંધી Vs ભારત સરકાર' કેસનો ચુકાદો આપતા નોંધ્યું હતું કે, ‘અનામતની મર્યાદા 50 ટકાથી વધારે હોઈ શકે નહી. કુલ ખાલી જગ્યાના આધારે નહી પણ 50 ટકાની મર્યાદા તે વર્ષે ખાલી થયેલી બેઠકના આધારે નક્કી કરાશે. એટલે કે જો કોઈ વિભાગમાં કુલ 100 જગ્યા હોય પરંતુ તે વર્ષે માત્ર 20 જ જગ્યા ખાલી હોય, તો 50 ટકા અનામતનો અર્થ એ થશે કે આ 20 ખાલી જગ્યામાંથી 10 જગ્યા અનામત હોય. આ 50 ટકા સમગ્ર 100 પોસ્ટ પર લાગુ થશે નહીં.
આ ચુકાદા બાદ અનામત 50 ટકાથી વધારે આપી શકાય નહી તેમ માની લેવામાં આવ્યું. સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ (SC) માટે 15 ટકા અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 7.5 ટકા અનામત છે. જ્યારે ઓબીસી માટે 27 ટકા અનામતની જોગવાઈ છે. ઓબીસી અનામતની પણ સમીક્ષા થઈ શકે છે, પરંતુ ઘણી રાજ્ય સરકારોએ આ મર્યાદા ઓળંગીને પણ અનામત આપી દીધી છે.
શું મુસ્લિમો માટે બંધારણમાં અનામતની અલગથી જોગવાઈ છે?
ભારતીય બંધારણમાં બધા નાગરિકો માટે સમાનતાની જોગવાઈ છે, પરંતુ તેની સાથે સામાજિક રીતે પછાત વર્ગો માટે અનામતની પણ વાત છે. બંધારણ મુજબ મુસ્લિમ સમાજને અનામત મળે છે પણ તે ધર્મના આધારે નથી. અમુક મુસ્લિમ જાતિઓનો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઓબીસી માં સમાવેશ કરાયો છે. તેમને આ અનામત બંધારણના અનુચ્છેદ 14(4) મુજબ મળે છે. તેમાં જણાવાયું છે કે, જે પછાત વર્ગોને સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી તેમને અનામત મળી શકે છે. બંધારણના અનુચ્છેદ 15(1) મુજબ રાજ્યને ધર્મ અને જાતિના આધારે નાગરિકો સાથે ભેદભાવ કરવા પર પ્રતિબંધ છે. અનુચ્છેદ 16(1) તમામ લોકોને સમાન તકો છે અને અનુચ્છેદ 15(4) હેઠળ રાજ્ય સરકાર કોઈ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની પ્રગતિ માટે અનામત આપી શકે છે.
મુસ્લિમ જાતિઓમાં અપાતી અનામત તેમનાં માટે છે, જે હકીકતમાં પછાત છે. તેથી જે મુસલમાન પરિવારની કુલ વાર્ષિક આવક 8 લાખથી વધારે છે તેમને 'ક્રીમિલેયર' માનવામાં આવે છે કારણ કે તેમની આર્થિક-સામાજિક પરિસ્થિતિ સારી થઇ ગઈ છે. તેથી તેમને પછાત નથી ગણવામાં આવતા. નોંધનીય છે કે દરેક રાજ્ય પ્રમાણે અનામતની વ્યવસ્થા અલગ-અલગ છે
કયા રાજ્યોમાં મુસ્લિમોને અનામત આપવામાં આવે છે?
હાલ દેશના 12 રાજ્ય અને કેન્દ્રશાસિતપ્રદેશ એવા છે કે જ્યાં ઓબીસીની કેન્દ્રીય સૂચિ મુજબ મુસ્લિમોને અનામત મળે છે. જેમ કે, કર્ણાટકમાં ઓબીસીને 32 ટકા અનામત છે. તેમાં મુસ્લિમોને અનામત માટે 4 ટકા અલગથી કેટેગરી બનાવાઈ છે. આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ જાતિઓ જેવી કે લદાફ, નુરબાશ, મેહતરને 7 ટકાથી 10 ટકા ઓબીસી કેટેગરીમાં અનામત મળે છે. કેરળમાં 30 ટકા ઓબીસી ક્વૉટામાં 10 ટકા મુસ્લિમ સમાજનો હિસ્સો છે. તમિલનાડુમાં મુસ્લિમોને 3.5 ટકા અનામત મળે છે.
શું મુસ્લિમોનો સમાવેશ અનુસૂચિત જાતિમાં થાય છે?
ભારતમાં અનામત મુખ્યત્વે જાતિના આધારે આપવામાં આવે છે. હિન્દુઓની પણ અનેક જાતિઓનો અનુસૂચિત જાતિમાં (SC) સમાવેશ થાય છે, પરંતુ 1956માં શીખ અને 1990માં બોદ્ધ ધર્મમાં પણ કેટલીક જાતિઓનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરાયો. જો કે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકોનો આ કેટેગરીમાં સમાવેશ નથી થતો.
બીજી તરફ, બંધારણના અનુચ્છેદ 341 અને 1950નો રાષ્ટ્રપતિ આદેશ ધાર્મિક આધારે અનામતની જોગવાઈ કરે છે. જો કે કેટલાંક દલિત મુસ્લિમો અનુસુચિત જાતિમાં પોતાને સમાવેશ કરવાની માંગ કરી રહ્યા હતા, જેનો કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કરતા જણાવ્યું હતું કે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મો ભારતના મૂળ ધર્મો (હિંદુ, શીખ, બૌદ્ધ ધર્મ) નથી. તેથી દલિત મુસ્લિમોનો અનુસુચિત જાતિમાં સમાવેશ થઇ શકે નહીં.
આટલા સવાલના જવાબ મેળવીને તમને ખ્યાલ આવી ગયો હશે કે, કેમ દેશના કેટલાક રાજ્યો મુસ્લિમોની અમુક જાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરીને અનામત આપે છે. ગુજરાતમાં મુસ્લિમોની કેટલીક જાતિઓનો ઓબીસીમાં સામેલ હોવાથી અનામતનો લાભ મળે છે.