સંભલ બાદ અહીં જર્જરિત હાલતમાં શિવમંદિર મળ્યું, હિન્દુઓની હિજરત, મુસ્લિમોની વસતી વધી
Muzaffarnagar Lord Shiva Temple: ઉત્તર પ્રદેશના સંભલ અને વારાણસી બાદ હવે મુઝફ્ફરનગર જિલ્લામાં પણ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં એક શિવ મંદિર જર્જરિત હાલતમાં મળી આવ્યું છે. મોહનલાલ લદ્દાવાલા મોહલ્લામાં 54 વર્ષ પહેલાં શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે આ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી વધુ હતી. પરંતુ અયોધ્યા રામ મંદિર વિવાદ દરમિયાન ફાટી નીકળેલા રમખાણોમાં હિન્દુઓ પલાયન કરી ગયા હતા, જેથી આ મંદિર ખંડેરમાં તબદીલ થઈ ગયું છે.
1970માં મંદિરની સ્થાપના થઈ હતી
આ વિસ્તારમાં હાલ મુસ્લિમની વસ્તી વધુ હોવાથી મંદિરમાં કોઈ પૂજા-અર્ચના થતી નથી. તેમજ મંદિરમાંથી ભગવાનની મૂર્તિ પણ હટાવી લેવામાં આવી છે. 1970માં સ્થાપિત આ મંદિર ભક્તોની ભીડથી ગુંજતું હતું.
હિન્દુઓનું પલાયન
આ વિસ્તારમાંથી પલાયન કરનાર પરિવારના સભ્ય સુધીર ખટીકે જણાવ્યા પ્રમાણે, રામ મંદિર વિવાદ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં આ વિસ્તારમાં રહેતાં હિન્દુઓએ પલાયન કર્યુ હતું. 1990-91ની સાલમાં પલાયન સમયે તેઓ મંદિરમાં સ્થાપિત શિવલિંગ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સાથે લઈ ગયા હતા. બાદમાં આ વિસ્તારમાં મુસ્લિમની વસ્તી વધતી રહી અને મંદિર જર્જરિત બન્યું.
મંદિરની જમીન કબજે કરી
જર્જરિત બનેલા મંદિરની જમીન પર અતિક્રમણ વધ્યું હતું. મંદિરની આસપાસના ઘરોએ મંદિરની જમીન પર આંગણાઓ બનાવ્યા છે, તો કોઈએ પાર્કિંગ બનાવી દીધું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
પાલ જાતિના લોકો રહેતા હતાઃ સ્થાનિક મુસ્લિમ
મુઝફ્ફરનગરના મોહનલાલ લદ્દાવાલા મોહલ્લામાં રહેતાં મોહમ્મદ સમીર આલમે જણાવ્યું કે, 'આ સ્થળ 1970માં બન્યુ હતું. અહીં પાલ જાતિના લોકો વધુ રહેતા હતા. તેમણે જ આ મંદિર બનાવ્યું હતું. બાદમાં તેઓ પોતાની પ્રોપર્ટી વેચી બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા. સ્થળાંતર વખતે તેઓ શિવલિંગ અને મૂર્તિઓ પણ લઈ ગયા હતા. મંદિર લાંબા સમયથી બંધ પડ્યું છે. મુસ્લિમ સમુદાયે મંદિરનું કલરકામ પણ કરાવ્યું હતું. જો કોઈ ફરી મંદિર શરુ કરવા માગે છે, તો અમે તેમને રોકીશું નહીં. મંદિર હોય કે મસ્જિદ તે જાહેર સ્થળ છે.'