મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ મૌલાના રાબે હસની નદવીનું નિધન
- મૌલાના રાબે હસન નદવી સતત છ ટર્મથી સુધી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ રહ્યા
લખનૌ, તા. 13 એપ્રિલ 2023, ગુરૂવાર
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ મૌલાના રાબે હસની નદવીનું આજે નિધન થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમને સારવાર માટે રાયબરેલીથી લખનૌ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે ડાલીગંજ સ્થિત નદવા મદરેસામાં અંતિમ શ્વાસ લીધા હતા.
મૌલાના રાબે હસની નદવી તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતા હતા. તેઓ અવારનવાર સમાજના લોકોને ધાર્મિક બાબતો અંગે સલાહ-સૂચનો આપતા હતા. એક બેઠકમાં તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે, મુસ્લિમોએ ઈસ્લામ ધર્મને માત્ર નમાઝ પૂરતો સીમિત કરી દીધો છે અને સામાજિક બાબતોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
ઈસ્લામ જીવનના તમામ ક્ષેત્રોમાં માર્ગદર્શન આપે
મૌલાના રાબે હસન નદવી કહેતા હતા કે, ઈસ્લામ ધર્મ જીવનના તમામ ક્ષેત્રોમાં આપણને માર્ગદર્શન આપે છે. એટલા માટે મુસ્લિમોએ દરેક ક્ષેત્રમાં હલાલ અને હરામનું ધ્યાન રાખવું જોઈએ. ઈસ્લામ માત્ર નમાઝ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. ઈસ્લામિક શરિયતને બદનામ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે, મુસલમાનોને સામાજિક રીતિ-રિવાજોથી બચવું જોઈએ. સુન્નત અને શરીયત પ્રમાણે લગ્ન કરવા જોઈએ. લગ્નમાં દહેજ આપવાના બદલે છોકરીઓને સંપત્તિમાં હક આપવો જોઈએ. લગ્ન દરમિયાન ઈસ્લામિક દિશા-નિર્દેશોનું પાલન કરવું જોઈએ. જેથી કોઈ મુસ્લિમ છોકરી પોતાના ઘરમાં અવિવાહિત ન બેઠી રહે.
કોણ હતા રાબે હસની નદવી
મૌલાના મોહમ્મદ રાબે હસની નદવી ઈસ્લામિક વિદ્વાન હતા. તેઓ દારુલ ઉલૂમ નદવતુલ ઉલમાના મુખ્ય ચાન્સલર અને આલમી રબીતા અદબ-એ-ઈસ્લામી, રિયાધ (KSAA)ના વાઈસ ચાન્સલર હતા. તેમનો જન્મ 1 ઓક્ટોબર, 1929ના રોજ યુપી રાયબરેલીમાં થયો હતો. તેઓ સતત છ ટર્મથી સુધી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ રહ્યા છે.