સ્કૂલમાં થપ્પડ કાંડ મામલે સુપ્રીમકોર્ટ ગુસ્સે, આદેશની અવગણના બદલ યુપી સરકારનો લીધો ઉધડો
હવે આગામી એક માર્ચના રોજ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે
Muslim Boy Slapping Row : ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં એક મહિલા શિક્ષક દ્વારા મુસ્લિમ છોકરાને તેના સાથી વિદ્યાર્થીઓ દ્વારા થપ્પડ ખડાવવાનો મામલો ફરી વાર ચર્ચામાં છે. આ વખતે સુપ્રીમકોર્ટે યુપી સરકારનો ઉધડો લઈ નાખ્યો છે.
શું છે મામલો?
મામલો એમ છે કે આદેશનું પાલન ન કરવા બદલ ટોચની કોર્ટે ઉત્તરપ્રદેશની યોગી સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમકોર્ટે હોમવર્ક ન કરવા બદલ મુસ્લિમ છોકરાને મહિલા શિક્ષકના કહેવા પર થપ્પડ મારનારા સાથી વિદ્યાર્થિઓનું કાઉન્સેલિંગ કરવા આદેશ આપ્યો હતો જેનું હજું સુધી યોગી સરકાર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી.
સુપ્રીમકોર્ટે બે અઠવાડિયાનો આપ્યો સમય
સુપ્રીમકોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે ઉત્તરપ્રદેશની સરકાર દ્વારા કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવ્યું નથી. જસ્ટિસ અભય એસ.ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની બેન્ચે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે તેઓ ઘટનાના સાક્ષી વિદ્યાર્થિઓનું કાઉન્સેલિંગ કરે અને બે અઠવાડિયામાં આદેશના પાલન અંગે સોગંદનામુ દાખલ કરે.
અગાઉ પણ યોગી સરકારને સુપ્રીમકોર્ટે ફિટકાર લગાવી હતી
હવે આ મામલે આગામી એક માર્ચના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ પણ કોર્ટે આ કામ માટે એક એજન્સીની નિમણૂક કરવા આદેશ આપ્યો હતો પરંતુ યોગી સરકારના ઢીલાં વલણને કારણે સુપ્રીમકોર્ટના આદેશની અવગણના થઇ અને નિર્દેશોનું પાલન ન કરવામાં આવતા યોગી સરકારને સુપ્રીમકોર્ટે ફટકાર લગાવી હતી.