મહારાષ્ટ્ર ચૂંટણીના ચાર દિવસ પહેલાં 8476 કિગ્રા ચાંદી ઝડપાઈ, અધિકારીઓ સ્તબ્ધ
Maharashtra Election: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી હોવાથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે, તમામ તપાસ એજન્સીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુંબઈ પોલીસે વાશી ચેક પોસ્ટ પરથી લગભગ 80 કરોડની કિંમતની ચાંદી જપ્ત કરી છે.
મીડિયા સુત્રો અનુસાર, પોલીસે વાશી ચેક પોસ્ટ પર નાકાબંદી પર ચેકિંગ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે એક ટ્રકમાંથી 8476 કિગ્રા ચાંદી જપ્ત કરી છે. જેની કિંમત રૂ. 80 કરોડ આસપાસ છે. પોલીસે આ મામલે ટ્રક ડ્રાઇવરની પૂછપરછ કરી તેની અટકાયત કરી છે. તેમજ આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમને પણ આ મામલાની જાણકારી આપતાં અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. તેઓ ચાંદીના માલિકની શોધ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ GST કાઉન્સિલની બેઠક નવેમ્બરમાં નહીં યોજાય, આ મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ
ગેરકાયદે હેરફેરની આશંકા
પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રારંભિક ધોરણે ચાંદીની ગેરકાયદે હેરફેર થઈ રહી હોવાની આશંકા છે. જેનો ઉપયોગ ચૂંટણી માટે થવાનો હતો. ડ્રાઇવર પાસેથી પણ ચાંદીની કાયદેસરતાના કોઈ પ્રમાણ મળ્યા નથી. આ ઘટનામાં જો માલિકની જાણ ન થઈ તો તેને જપ્ત કરવામાં આવશે.
અગાઉ વાશીમાંથી છ ટન ચાંદી જપ્ત
અગાઉ ગત રવિવારે મુંબઈ પોલીસે વિખરોલી વિસ્તારમાં એક વાનમાંથી છ ટન ચાંદીની ઈંટો જપ્ત કરી હતી. આ ઈંટો મુલુંદમાં વેરહાઉસમાં મૂકવા માટે લઈ જવામાં આવી રહી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં ચૂંટણીના લીધે લાગેલી આચાર સંહિતાના ભાગરૂપે આ કવાયત હાથ ધરાઈ હતી. નાસિકની પોલીસે આચાર સંહિતાના ભંગ બદલ અત્યારસુધી લગભગ 17000થી વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. જેમાં દારૂ, રૂ. 49 કરોડનું સોનું, રોકડ વગેરે જપ્ત કરવામાં આવ્યું છે.