VIDEO: પિયુષ ગોયલના પુત્રના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જબરદસ્તી બેસાડાતા વિવાદ, વિપક્ષ ભડક્યું
મુંબઈની ઠાકુર કૉલેજમાં ધ્રુવ ગોયલના સેમિનારમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ પર દબાણ, ID પણ જપ્ત કરાયા
સેમિનારનો વીડિયો વાયરલ થયા બાદ કોલેજ અને ધ્રુવનો ખુલાસો : વિપક્ષે કોલેજ પર કર્યો આક્ષેપ
મુંબઈના ઠાકુર કૉલેજમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના પુત્ર ધ્રુવ ગોયલ (Piyush Goyal son Dhruv Goyal)ના યોજાયેલી સેમિનારમાં કૉલેજના વિદ્યાર્થીઓને બળજબરીથી બેસાડાતા ભારે વિવાદ થયો છે. સેમિનારનો વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષે ભાજપ પર ભડકી આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષે વિદ્યાર્થીઓને બળજબરીથી બેસાડ્યા હોવાનો કૉલેજ વહિવટીતંત્ર પર આક્ષેપ કર્યો છે. સેમિનારનો વીડિયો વાયરલ થયા બાદ અને વિપક્ષ આક્રમક બનતા કૉલેજ વહિવટી તંત્ર અને ધ્રુવ ગોયલે ખુલાસો કર્યો છે.
ઉદ્ધવ જૂથના નેતાઓએ શેર કર્યો વીડિયો
હાલ સેમિનારનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિદ્યાર્થીના પ્રશ્ન બાદ ધ્રુવ ગોયલ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને ઉદ્ધવ જૂથના નેતાઓ પણ શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પિયુષ ગોયલ મુંબઈ નોર્થ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.
સેમિનારમાં જોડાવા દબાણ, ID પણ જપ્ત કરાયા
મીડિયા અહેવાલો મુજબ ઠાકુર કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, ધ્રુવ ગોયલના સેમિનારમાં ભાગ લેવા કૉલેજ વહિવટી તંત્રએ અમારી સાથે બળજબરી કરી હતી. એટલું જ નહીં અમારા આઈડી પણ જપ્ત કરી લીધા હતા. વાયરલ વીડિયોમાં એક વિદ્યાર્થી ધ્રુવ ગોયલને આગામી ચૂંટણી માટે ઑલ ધી બેસ્ટ બોલી કહી રહ્યો છે કે, ‘મારો પ્રશ્ન એ છે કે, શું તમને લાગે છે કે ઠાકુર કોલેજ વહીવટીતંત્ર લોકશાહી છે. કોલેજ વિદ્યાર્થીઓના આઈડી કાર્ડ જપ્ત કરી તેમને સેમિનારમાં જોડાવા માટે દબાણ કરી રહ્યું છે અને જો કોલેજના લોકો અમને હેરાન કરી શકે છે તો કોઈ પણ અમને હેરાન કરી શકે છે.’
સેમિનારનો વીડિયો સામે આવતા ઉદ્ધવ જૂથના નેતાઓ ભડક્યા
આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray)એ એક્સ એકાઉન્ટ પર ઘટનાનો વીડિયો રિપોસ્ટ કરી લખ્યું કે, ‘વહિવટી તંત્ર વિશ્વને રોજબરોજ સંદેશો આપી રહ્યો છે કે, તેઓ નહીં ઈચ્છતા કે દેશમાં લોકશાહી રહે. અહીં વિદ્યાર્થીઓની પરીક્ષાના એક દિવસ પહેલા તેમના આઈડી જપ્ત કરાયા અને તેમને ભાજપ ઉમેદવારના પુત્રના સેમિનારમાં ભાગ લેવા કહેવાયું...’ આ મામલે ઉદ્ધવ જૂથના નેતા પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi)એ કહ્યું કે, ‘અમને આશા છે કે, પ્રશ્નો ઉઠાવવા બદલ વિદ્યાર્થીઓએ સસ્પેન્ડનો ભોગ ન બનવું પડે.’
વીડિયો અંગે કૉલેજોનો ખુલાસો, ધ્રુવ ગોયલે માફી માગી
ઘટના બાદ કૉલેજ વહિવટી તંત્રએ ધ્રુવ ગોયલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ધ્રુવ ગોયલ માફી માગતા કહી રહ્યા છે કે, વિદ્યાર્થીઓને સેમિનારમાં ભાગ લેવા જબરદસ્તી બેસાડાયા હોવાનું હું જાણતો નથી. આ ઉપરાંત કૉલેજે આક્ષેપ કર્યો છે કે, પ્રિયંકા ચતુર્વેદીએ ખોટો વીડિયો શેર કર્યો છે. સેમિનાર શાંતિથી સંપન્ન થયો છે, જોકે પ્રિયંકાએ ઈવેન્ટને વિવાદાસ્પદ બનાવી દીધી છે. પ્રથમવાર મતદાન કરનાર યુવાઓ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.