હવામાન વિભાગની નવી આગાહી, મુંબઈમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Rain Updates In Mumbai: મુંબઈમાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે. આજે પણ સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે (IMD) આજે 12 જુલાઈએ મુંબઈમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસતો વરસાદ મુંબઈના લોકો માટે આફત બની શકે છે, તેથી સાવચેત રહેવાની જરૂરિયાત જણાવી એલર્ટ જાહેર કર્યું છે. સવારે મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં વધુ 48 કલાક અતિશય વરસાદની આગાહીથી લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી મુંબઈમાં વરસાદ
મુંબઈમાં 7 અને 8 જુલાઈના રોજ સતત બે દિવસ ભારે વરસાદ પડ્યો હતો. તેમજ અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ ચાલુ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વધવાની આશંકા છે. મુશળધાર વરસાદ ફરી એકવાર મુંબઈકરોની મુશ્કેલીમાં વધારો કરશે. દર વર્ષે ચોમાસાના વરસાદ દરમિયાન, મુંબઈના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, આ સ્થિતિમાં, કામ કરતા લોકો ખાસ કરીને જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરતા લોકોની મુશ્કેલીઓ વધે છે.
જુલાઈમાં સૌથી વધુ વરસાદ
મુંબઈ માટે જુલાઈ સૌથી વરસાદી મહિનો છે. આ મહિનામાં સરેરાશ વરસાદ 840.7 મીમી છે, જે દિલ્હીના ચાર મહિનાના ચોમાસાના વરસાદ કરતાં વધુ છે. મુંબઈ શહેરને દર વખતે ચોમાસા દરમિયાન ખતરનાક હવામાનનો સામનો કરવો પડે છે. જે સામાન્ય જીવન અને દિનચર્યામાં અસુવિધા સર્જે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં મેઘ મહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની નવી આગાહી
આ સપ્તાહમાં વરસાદ ચાલુ રહેશે
હવામાન વિભાગે જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ રચાઈ રહી છે, આ સિસ્ટમ કોંકણ કિનારે ચોમાસાનો પ્રવાહ વધારવા માટે જવાબદાર બની છે. આ સપ્તાહના અંતમાં બંગાળની ખાડી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય તેવી શક્યતા છે. પ્રારંભિક ધોરણે, 12 જુલાઈના રોજ ઓડિશાના દરિયાકાંઠે એક ટ્રફ રેખા વિકસિત થશે, જે 13 જુલાઈના રોજ પરિભ્રમણનો આકાર લેશે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, 14 જુલાઈ પછી લો પ્રેશર ઝોનનું સર્જન કરશે. 15 જુલાઈએ તેની તીવ્રતા વધશે, બાદમાં 16 અને 17 જુલાઈએ પૂર્વ-પશ્ચિમ ધરીને મજબૂત બનાવતા આ સિસ્ટમ વધુ મજબૂત બનશે. જે સાંબેલાધાર વરસાદનો સંકેત આપે છે.
મુંબઈ અને તેના ઉપનગરોમાં મોનસૂન ગતિવિધિમાં વધારો થવાનો સંકેત છે. આગામી સપ્તાહના પ્રથમ ભાગમાં અને ત્યારબાદના સપ્તાહના અંતિમ દિવસમાં ભારે વરસાદની આગાહી છે.
એટલે કે મુંબઈમાં આજે 15 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર મુંબઈ અને ઉપનગરોમાં ચોમાસાની ગતિવિધિ એક સપ્તાહ સુધી વધવાની ધારણા છે. આવતા સપ્તાહના છેલ્લા દિવસો કરતાં આગામી સપ્તાહના પહેલા ભાગમાં વધુ મોસમી પ્રવૃત્તિઓ થઈ શકે છે. મુંબઈ શહેર ટૂંક સમયમાં આ અઠવાડિયા સુધી ચાલતી હવામાન પ્રવૃત્તિ દરમિયાન માસિક વરસાદના લક્ષ્યાંકને પૂર્ણ કરી શકે છે.