ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ વિરુદ્ધ દુષ્કર્મ મામલે FIR, બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ જાગી
સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો
આ ઘટના 2022માં જાન્યુઆરીમાં બની હોવાનો મહિલાનો દાવો
Businessman sajjan Jindal case | ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે મહિલાએ દુષ્કર્મનો આરોપ મુક્યો હતો. હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તેમની સામે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. 13 ડિસેમ્બરે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ નજીકના પોલીસ સ્ટેશને આ FIR નોંધાઈ છે.
30 વર્ષીય મહિલાએ મૂક્યો આરોપ
માહિતી અનુસાર સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. મુંબઈ પોલીસે તેમની સામે IPCની કલમ 376 (દુષ્કર્મ), 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદે હુમલો કે ગુનાઈત બળપ્રયોગ ) અને 503 (ગુનાઈત ધમકી) હેઠળ કેસ દાખલ કર્યો હતો. FIR અનુસાર આ ઘટના કથિતરૂપે જાન્યુઆરી 2022માં બિઝનેસમેનની ઓફિસમાં બની હતી.
મહિલાએ શું કર્યો દાવો?
મહિલાએ એફઆઈઆરમાં દાવો કર્યો છે કે તે સાંજના આશરે 7 વાગ્યે તેમની ઓફિસમાં ગઈ હતી જ્યાં ઉદ્યોગપતિ સજ્જન જિંદાલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ કહ્યું કે ટેક્સ્ટ મેસેજના માધ્યમથી વાતચીતમાં બિઝનેસમેને વિવાહિત હોવા છતાં વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. મહિલાએ કહ્યું છે કે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસમાં તેણે ફરિયાદ નોંધાવી હતી પણ પોલીસે ધ્યાન નહોતું આપ્યું. બાદમાં છેવટે તેણે મજબૂર થઈને હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી.
સજ્જન જિંદાલ કોણ છે?
64 વર્ષીય સજ્જન જિંદાલ એક જાણીતા ભારતીય ઉદ્યોગપતિ છે અને તેઓ જેએસડબ્લ્યૂ ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તેમનો જન્મ 1959માં થયો હતો. તેમના પિતાનું નામ ઓમપ્રકાશ જિંદાલ છે અને તેમની માતા દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે. સાવિત્રી જિંદાલની નેટવર્થ 14284 કરોડ રૂપિયા જેટલી જે આશરે 17 અબજ ડૉલર થાય છે. જ્યારે જિંદાલ પરિવારની નેટવર્થ 22 અબજ ડૉલર થાય છે. તેમના પિતાનું 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું.
પીડિતા ગુજરાતની હોવાનો દાવો
માહિતી અનુસાર પીડિત યુવતી મૂળ ગુજરાતની હોવાનો દાવો કરાયો છે અને તેણે અમદાવાદમાં સ્કૂલ અને કોલેજ સુધી અભ્યાસ કર્યો છે. પીડિત યુવતીએ અમદાવાદમાં એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવેલી છે. એવો પણ દાવો કરાયો છે કે આ યુવતીએ એક કે બે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને એટલા માટે જ તે અભિનેત્રી અને ડૉક્ટર તરીકે ઓળખ ધરાવે છે. યુવતીનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો હોવાનો દાવો કરાયો છે.