ફોનથી અનલોક કરી શકાય EVM?', ભારે વિવાદ બાદ મુંબઈમાં FIR, ચૂંટણી પંચ પર ભડક્યા વિપક્ષો
Maharashtra EVM Case : લોકસભા ચૂંટણી દરમિયાન મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા મામલે મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ ઉપરાંત પોલીસે પાંડિલકરને મોબાઈલ આપનાર ચૂંટણી પંચના ગૌરવ કુમાર નામના એક કર્મચારીની સામે પણ કેસ નોંધ્યો છે.
શિંદેના સાંસદ માત્ર 48 મતથી જીતતા વિવાદ
પોલીસ ફરિયાદ મુજબ ગોરેગાંવ ચૂંટણી સેન્ટરની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં રવિન્દ્ર વાયકર (Ravindra Vaikar)ના સાળા પાંડિલકરે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ઉત્તર પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી આયોગ દ્વારા પોલીસને ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. આ બેઠક પર રિકાઉન્ટિંગ થયા બાદ વાયકર માત્ર 48 મતોથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી પણ ઘણો વિવાદ થયો હતો.
પાંડિલકરે ચૂંટણી અધિકારીના મોબાઈલનો ઉપયોગ કર્યો
સૂત્રોના જણાવ્યા મુજબ મતગણતરી વખતે જે મોબાઈલમાં OTP જનરેટ થાય છે, તે મોબાઈલ ફોન ચૂંટણી અધિકારી ગૌરવ કુમારના મોબાઈલના બદલે રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિકલકર પાસે હતો. વળી, મતદાન કેન્દ્રમાં મોબાઈલનો ઉપયોગ પ્રતિબંધિત હોવા છતાં તે તેનો ઉપયોગ કરતો હતો. પોલીસને શંકા છે કે, મત ગણતરી વખતે જોરદાર ટક્કર ચાલતી હતી, ત્યારે પણ તેણે સવારથી સાંજે 4.30 સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો.
કેસની તપાસ કરવા પોલીસે ત્રણ ટીમ બનાવી
ચૂંટણી પંચે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મુંબઈ પોલીસને આપ્યા છે. આ કેસની તપાસ કરવા માટે મુંબઈ પોલીસ (Mumbai Police)ને ત્રણ ટીમો બનાવાઈ છે. પોલીસની ટીમ આજે ફૂટેજની તપાસ કરશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ફોન જપ્ત કર્યા બાદ પોલીસે ફોનના સીડીઆર મેળવી રહી છે અને તમામ મોબાઈલ નંબરોની પણ તપાસ કરી રહી છે.
મોબાઈલ પર કેટલા ઓટીપી આવ્યા?
ફોન જપ્ત કર્યા બાદ પોલીસ જાણવા માંગે છે કે, કોને કોને ફોન કરવામાં આવ્યા અને મોબાઈલ પર કેટલા ઓટીપી આવ્યા? પોલીસે એ પણ જાણવા માંગે છે કે, આ મોબાઈલ પર ફોન આવ્યા હતા કે નહીં? નિયમો મુજબ ઓટીપી જનરેટ થયા બાદ મોબાઈલ આરઓ (રિટર્નિંગ ઓફિસર)ને સોંપવામાં હોય છે. હાલ મોબાઈલ પરત કેમ ન લેવામાં આવ્યો તેની પણ તપાસ કરાઈ રહી છે. હાલ મોબાઈલને ફોરેન્સિંગ લેબમાં મોકલી દેવાયો છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આદિત્ય ઠાકરેએ ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
આ ઘટના સામે આવ્યા બાદ શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા આદિત્ય ઠાકરે (Aditya Thackeray)એ ચૂંટણી પંચ પર નિશાન સાધી કહ્યું છે કે, ECનો નવો અર્થ ‘Entirely Compromised (સંપૂર્ણપણે સમાધાનકારી)’ છે, ચૂંટણી પંચ નહીં.
‘...તો EVMનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ’ : અખિલેશ
સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું કે, ‘ટેકનોલોજીનો ઉપયોગ સમસ્યાઓ દુર કરવા માટે થાય છે, જો તે મુશ્કેલી બની જાય, તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આજે વિશ્વભરના ઘણા દેશોમાં ઈવીએમમાં ગડબડી અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જાણિતા ટેકનોલોજી નિષ્ણાતો ઈવીએમમાં હેરાફેરીના ખતરા અંગે જાહેરમાં લખી રહ્યા છે. જો આવું જ હોય તો ઈવીએમનો ઉપયોગ કરવાની જીદ કેમ કરવામાં આવી રહી છે? ભાજપ આ અંગે સ્પષ્ટ જવાબ આપે. અમે ફરી માંગ કરી રહ્યા છે કે, આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે.’
કોંગ્રેસે પણ ઉઠાવ્યા ચૂંટણી પ્રક્રિયા પર સવાલ
કોંગ્રેસે (Congress) પણ ઘટના અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ સેર કરી છે. કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે, ‘ઈવીએમ સંબંધિત વધુ એક મામલો સામે આવ્યો છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકરનો મોબાઈલ ફોન EVM સાથે જોડાયેલો હતો. વાયકરની માત્ર 48 મતથી જીત થઈ છે. આવી સ્થિતિમાં એવો સવાલ થાય છે કે, આખરે એનડીએના ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ઈવીએમ સાથે કેમ જોડાયેલો હતો? જ્યાં મતગણતરી ચાલી રહી હતી, ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? શંકા ઊભી કરનારા પ્રશ્નો ઘણાં છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ.’
રાહુલ ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ ઘટનાને ગંભીર ગણાવી કહ્યું છે કે, ‘ભારતમાં ઈવીએમ એક બ્લેક બૉક્સ છે અને તેની તપાસ કરવાની કોઈને પણ મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંસ્થાઓમાં જવાબદારીના અભાવના કારણે લોકશાહી એક દેખાડો બની જાય છે અને છેતરપિંડીની સંભાવના વધી જાય છે.’