Get The App

માત્ર ત્રણ ઉમેદવારોની પાર્ટી, 55 કરોડનું ડોનેશન, પતિ ચૂંટણી લડી રહ્યો છે પણ પત્નીને જાણ સુદ્ધા નથી

Updated: May 6th, 2024


Google NewsGoogle News
માત્ર ત્રણ ઉમેદવારોની પાર્ટી, 55 કરોડનું ડોનેશન, પતિ ચૂંટણી લડી રહ્યો છે પણ પત્નીને જાણ સુદ્ધા નથી 1 - image


Sardar Vallabhbhai Patel Party : લોકસભા ચૂંટણીમાં માત્ર ત્રણ ઉમેદવારો ઉતારનાર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી (SVPP) આવકવેરા વિભાગના રડારમાં આવી ગઈ છે. આ પક્ષે મુંબઈથી માત્ર ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ તો એસવીપીપી રાજકારણમાં સક્રિય નથી, પરંતુ છતાં તેમને કરોડોનું ફંડ મળી રહ્યું છે. આ જ કારણે તે આઈટીના રડારમાં આવી ગઈ છે.

આવકવેરા વિભાગની 200 પક્ષ પર નજર

વાસ્તવમાં બે વર્ષ પહેલા આવકવેરા વિભાગે 200 પાર્ટીઓ પર સકંજો કસ્યો હતો. આ દરમિયાન તમામ પાર્ટીઓને મળતા ફંડની અને ટેક્સની તપાસ કરવામાં આવી હતી. આઈટી દ્વારા તપાસ દરમિયાન ચૂંટણી ફંડની હેરાફેરીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘણાં પક્ષો બેંક દ્વારા ફંડ લઈને પોતાનું કમિશન કાઢી લે છે અને પછી બાકીના નાણાં ક્લાયન્ટને પરત આપી દે છે.

55 કરોડનું ફંડ મળ્યું

મળતા અહેવાલો મુજબ, એસવીપીપીને વર્ષ 2022માં રૂ.55 કરોડથી વધુનું ફંડ મળ્યું છે. ચૂંટણી પંચમાં દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ પાર્ટીના માત્ર ત્રણ ઉમેદવારો મુંબઈથી ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીની સૌથી રસપ્રદ વાદ એ છે કે, ત્રણેય ઉમેદવારોએ તેમની આવક શૂન્ય દર્શાવી છે. તેમની પાસે પોતાનું વાહન નથી. એટલું જ નહીં, બે ઉમેદવારો પાસે પોતાનું મકાન જ નથી.

પતિ ચૂંટણી લડી રહ્યા હોવા બાબતે પત્ની અજાણ

એસવીપીપીના એક ઉમેદવાર કમલેશ વ્યાસ મુંબઈના બોરિવલીમાં રહે છે. રસપ્રદ વાત એ છે કે, કમલેશ ચૂંટણી લડી રહ્યા હોવાની બાબત અંગે પત્ની જાણતી જ નથી. પાર્ટીએ 60 વર્ષના કમલેશને નોર્થ મુંબઈથી ટિકિટ આપી છે, પરંતુ પત્ની તે વિશે જાણતી જ નથી. એટલું જ નહીં પાડોશીઓ પણ આ બાબતથી અજાણ છે. 

SVPPના ગુજરાતમાં ચાર કાઉન્સિલર

જ્યારે પાર્ટીના અન્ય ઉમેદવારો 38 વર્ષીય મહેશ સાવંત મુંબઈ સાઉથ સેન્ટ્રલથી જ્યારે 45 વર્ષના ભવાની ચૌધરી નોર્થ ઈસ્ટ મુંબઈથી ચૂંટણી મેદાનમાં છે. એસવીપીપીના સ્થાપક દશરથ પરીખે કહ્યું કે, ગુજરાતમાં અમારી પાસે ચાર કાઉન્સિલરો છે અને અમે અમારો વોટ શેર વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો વોટ શેર વધ્યા બાદ અમે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 હેઠળ નોંધણી કરાવી શકીશું અને ચૂંટણી બોન્ડ દ્વારા દાન લઈ શકીશું.


Google NewsGoogle News