એશિયાના અબજપતિઓની રાજધાની બન્યું મુંબઈ, ચીનને પછાડ્યું, જાણો અમદાવાદ યાદીમાં કયા ક્રમે?

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
એશિયાના અબજપતિઓની રાજધાની બન્યું મુંબઈ, ચીનને પછાડ્યું, જાણો અમદાવાદ યાદીમાં કયા ક્રમે? 1 - image


- હુરુનની યાદીમાં સામેલ અબજોપતિઓમાથી ચોથા ભાગના તો એકલા મુંબઈમાં જ રહે છે, બીજો નંબર નવી દિલ્હીનો

- મુંબઈમાં 58ના ઉમેરા સાથે હવે કુલ 386 અબજોપતિ, હુરુન લિસ્ટમાં સામેલ દર ચોથા અબજોપતિ મુંબઈમાં રહે છે દિલ્હી બીજા નંબરે, બેંગ્લુરુને પછાડી હૈદરાબાદ ત્રીજા નંબરે

- અમદાવાદમાં 67, સુરતમાં 28 અબજોપતિઓનો વસવાટ

નવી દિલ્હી : ભારતની આર્થિક રાજધાની મુંબઈને હવે એશિયાના અબજોપતિઓની રાજધાનીનો દરજ્જો પણ સાંપડયો છે. હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટ અનુસાર અબજોપતિઓના વસવાટની દ્રષ્ટિએ મુંબઈ બેઇજિંગને છોડીને પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. મુંબઈ પછી બીજો નંબર દિલ્હીનો અને ત્રીજો નંબર હૈદરાબાદનો છે. જ્યારે અમદાવાદ આ મામલે યાદીમાં સાતમા ક્રમે છે. જ્યાં લગભગ 67 જેટલા અબજપતિઓ વસવાટ કરે છે. 

આયાદી અનુસાર મુંબઈમાં નવા અબજોપતિઓની સંખ્યા વધીને ૫૮ની થઈ છે. હવે આ મહાનગરમાં કુલ ૩૮૬ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. 

હુરુન લિસ્ટ ના ડેટા અનુસાર મુંબઈ એશિયાના અબજોપતિ કેપિટલ તરીકે સ્થાન પામ્યું છે. તેણે બેઇજિંગને હંફાવ્યું છે. હુરુન રીચ લિસ્ટના પચ્ચીસ ટકા એટલે કે દર ચોથા અબજોપતિ મુંબઈમાં રહે છે. આ અબજોપતિઓના વસવાટના  પ્રથમ પસંદગીના શહેર તરીકે મુંબઈ ઉભરી આવ્યું છે. તે પછીનો ક્રમ દિલ્હીનો અને તે પછીનો ક્રમ હૈદરાબાદનો છે. 

દિલ્હીમાં ૧૮ નવા અબજોપતિઓ ઉમેરાયા છે. હવે ત્યાં કુલ ૨૧૭ અબજોપતિઓનો વસવાટ નોંધાયો છે. 

હૈદરાબાદે આ યાદીમાં હરણફાળ ભરી છે અને બેંગ્લુરુને પાછળ છોડી દીધું છે. આ યાદીમાં પહેલીવાર તે ત્રીજાં સ્થાને આવ્યું છે. 

 હૈદરાબાદમાં કુલ ૧૭ નવા અબજોપતિ ઉમેરાયા છે. તે સાથે હવે ત્યાં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૦૪ થઈ ગઈ છે. બેંગ્લુરુમાં કુલ ૧૦૦ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. 

આ વર્ષના માર્ચમાં હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૪માં નોંધવામાં આવ્યું હતું કે મુંબઈ એશિયાનું અબજોપતિઓનું એપીસેન્ટર બન્યું છે. 

એ યાદી અનુસાર મુંબઈમાં ૯૨ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે બેઇજિંગમાં આ સંખ્યા ૯૧ની છે. મુંબઈમાં ૪૪૫ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા હોય તેવા અલ્ટ્રા રિચ અબજોપતિઓની સંખ્યામાં ૨૬નો  ઉમેરો થયો હતો જ્યારે ચીનમાં આવા અબજોપતિઓની સંખ્યામાં ૧૮નો ઘટાડો થયો હતો. 

આ યાદી અનુસાર મુંબઈ અબજોપતિઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ઝડપી વૃદ્ધિ  ધરાવતું મહાનગર બન્યું છે. તેમાં આ વર્ષે ૨૬ અબજોપતિ ઉમેરાયા છે. તે વિશ્વનું ત્રીજા નંબરનું અને એશિયાનું સૌથી પ્રથમ નંબરનું સૌથી વધુ અબજોપતિ ધરાવતું શહેર બન્યું છે. 

 દિલ્હી પહેલીવાર ટોપટેનમાં સામેલ થયું છે. 

અબજોપતિની સંખ્યાની રીતે મુંબઈનો વિશ્વમાં હવે ત્રીજો નંબર છે. પહેલો નંબર ન્યૂયોર્કનો છે જ્યાં ૧૧૯ અબજોપતિ રહે છે જ્યારે બીજો નંબર લંડનનો છે જ્યાં ૯૭ અબજોપતિ રહે છે. 

હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટમાં કુલ 334 અબજોપતિ  

પહેલીવાર અબજોપતિ ભારતીયોની સંખ્યા વધીને 300નો આંક વટાવી ગઇ    

- ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ 159 લાખ કરોડ રૂપિયા છે જે સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડની સહિયારી જીડીપીથી વધારે

નવી દિલ્હી : ઇતિહાસમાં પહેલીવાર અબજોપતિ ભારતીયોની સંખ્યા ૩૦૦નો આંકડો વટાવી ગઇ છે. હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટ ૨૦૨૪ અનુસાર ભારતમાં હવે ૩૩૪ અબજોપતિઓ વસે છે. જે તેર વર્ષ અગાઉ આ યાદીમાં ભારતીયોના પ્રવેશ બાદ છ ગણો વધારો દર્શાવે છે. ગયા વર્ષે ભારતમાં દર પાંચ દિવસે એક નવા અબજોપતિ સર્જાયા હતા. 

 ૧૦૦૦ કરોડ કે તેથી વધારે ની નેટવર્થ ધરાવતાં અબજોપતિ ભારતીયાનો  આંકડો ૧૫૦૦ને પાર થઇ ગયો છે.  હુરૂનના જણાવ્યા અનુસાર કુલ૧૫૩૯ અતિશ્રીમંત ભારતીયો છે. જે  ગયા વર્ષની સરખામણીમાં ૨૨૦નો વધારો દર્શાવે છે. વળી આ વર્ષે વિક્રમસર્જક ૨૭૨ નવા અબજોપતિઓ ઉમેરાયા છે. પહેલીવાર આ યાદીમાં અબજોપતિ ભારતીયોનો આંક૧૫૦૦ને પાર ગયો છે જે છેલ્લા પાંચ વર્ષમાં ૮૬ ટકાનો વધારો દર્શાવે છે. 

ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ ૧૫૯ લાખ કરોડ રૂપિયા છે જે સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડની સહિયારી જીડીપીથી વધારે અને ભારતની જીડીપી કરતાં અડધાથી વધારે છે. ૧૩૩૪ ભારતીયોની સંપત્તિઓમાં આ વર્ષે વધારો થયો હતો. ૨૭૨ નવા અબજોપતિઓ ૪૨ શહેરો અને ૨૯ ઉદ્યોગોમાંથી આવે છે. 

ભારતના મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાંથી ૧૦૧૬ ઉદ્યોગનવસાહસિકોએ આ વર્ષે તેમની સંપત્તિમાં  કુલ ૨૮ લાખ કરોડનો વધારો કર્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રમાંથી ૧૪૨, ફાર્મામાંથી ૧૩૬  અને કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાંથી ૧૨૭ અબજોપતિઓ આવ્યા છે. ગયા વર્ષે સ્વબળે કમાણી કરનારા ૮૭૧ ઉદ્યોગપતિઓ હતા તેમની સંખ્યા આ વર્ષે વધીને ૧૦૦૮ થઇ છે.સ્વબળે અબજો પતિ બનનાર સૌથી યુવાન મહિલા ઉદ્યોગનવસાહસિક ૪૨ વર્ષની નેહા બંસલ છે જે લેન્સકાર્ટની સહસ્થાપક છે. જ્યારે ઝોહોની રાધા વેમ્બુ આ યાદીમાં સૌથી વધારે શ્રીમંત છે. 

સૌથી યુવા અબજોપતિ ૨૧ વર્ષનો કૈવલ્ય વોરા છે જે ઝેપ્ટોનો સ્થાપક છે. રેઝરપેના સ્થાપકો હર્શિલ કુમાર અને શશાંક કુમાર બંનેની વય ૩૩ વર્ષ છે.                  

બોલીવૂડના બાદશાહ પાસે 7300 કરોડની સંપત્તિ

હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી

આ લિસ્ટમાં સામેલ ધનિકોમાં શાહરુખ ખાન સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો સેલિબ્રિટી છે

મુંબઇ : શાહરૂખ ખાને ૨૦૨૪માં હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં એન્ટ્રી કરી છે.  તેની સંપત્તિ ૭૩૦૦ કરોડ રુપિયા હોવાનું અંદાજવામાં આવ્યું છે. 

શાહરૂખ  ફિલ્મો ઉપરાંત કોલકાતા નાઇટ રાઇડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટમાંથી પણ કમાણી કરે છે. આઇપીએલની છેલ્લી સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે આઇપીએલનો ખિચાબ જીત્યો હતો . 

આ લિસ્ટમાં સામેલ ધનિકોમાં શાહરુખ ખાન સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. એક્સ પ્લેટફોર્મ પર તેના ૪.૪૧ કરોડ ફોલોઅર્સ છે. આ લિસ્ટમાં સામેલ અન્ય અબજોપતિઓ કરતાં તેના ફોલોઅર્સ ક્યાંય વધારે છે. 

આ લિસ્ટમાં સામેલ હોય અને મહત્તમ ફોલોઅર્સ ધરાવતા હોય તેવા કલાકારોમાં હૃતિક રોશન ૩.૨૩ કરોડ ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે. 

આ લિસ્ટમાં જુહી ચાવલા ૪૬૦૦ કરોડની  સંપત્તિ સાથે બીજા ક્રમે છે. જુહી ચાવલા  શાહરુખની કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમની પાર્ટનર પણ છે.   આ યાદીમાં હૃતિક રોશન ૨૦૦૦ કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. તેણે હાલમાં જ એક હેલ્થ ફૂડ સપ્લીમેન્ટ કંપની શરુ કરી છે. 

આ યાદીમાં અમિતાભ બચ્ચન ૧૬૦૦ કરોડની સંપત્તિ સાથે ચોથા અને કરમ જોહર ૧૪૦૦ કરોડની સંપત્તિ સાથે પાંચમાં સ્થાને છે. 

અબજોપતિની રીતે ટોપ ટેન સિટી

શહેર

સંખ્યા

મુંબઈ

૩૮૬

દિલ્હી

૨૧૭

હૈદરાબાદ

૧૦૪

બેંગ્લુરુ

૧૦૦

ચેન્નઈ

૮૨

કોલકત્તા

૬૯

અમદાવાદ

૬૭

પુણે

૫૩

સુરત

૨૮

ગુરુગ્રામ

૨૩


Google NewsGoogle News