મુંબઈમાં હનુમાન ચાલીસા વિવાદ, નવનીત રાણાના ઘર બહાર શિવસૈનિકોનો હંગામો
- 'માતોશ્રી'ની બહાર સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરી દેવામાં આવી
મુંબઈ, તા. 23 એપ્રિલ 2022, શનિવાર
મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના 'માતોશ્રી' આવાસ બહાર હનુમાન ચાલીસાનો જાપ કરાવવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ સ્થિતિ વણસી રહી છે. નવનીત રાણાએ સવારે 9:00 વાગ્યાનો સમય આપ્યો હતો અને તેના પહેલાથી જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘર બહાર પહોંચીને હંગામો કરવા લાગ્યા હતા.
ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘર બહાર આ પ્રકારે હોબાળો મચ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે. બંનેએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ માટે અડગ છે.
મુંબઈ પોલીસે તેમને આ મામલે નોટિસ પણ પાઠવી છે. રાણા દંપતીના નિર્ણય બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાન 'માતોશ્રી'ની બહાર સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરી દેવામાં આવી છે.
તે સિવાય રાણા અને શિવસૈનિકો વચ્ચેની અથડામણ રોકવા માટે માલાબાર હિલ્સ ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા'ની બહાર પણ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
(તસવીરમાં રવિ રાણા-નવનીત રાણા)
ઉલ્લેખનીય છે કે, શિવસેના નેતાઓએ રાણા દંપતીને હનુમાન ચાલીસાનો જાપ કરવા મુંબઈ આવવા પડકાર ફેંક્યો હતો. એવી ચેતવણી આપી હતી કે, શિવસૈનિકો દ્વારા તેમને આકરો જવાબ આપવામાં આવશે. આ તરફ દંપતીની જિદ્દને જોઈને ખાર પોલીસે બડનેરાના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા અને તેમના સાંસદ પત્ની નવનીત રાણાને નોટિસ પાઠવી છે.
પોલીસની નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા અને રવિ રાણાએ કહ્યું હતું કે, તેઓ વિરોધ સહન કરવા માટે તૈયાર છે પરંતુ પોતાનો નિર્ણય નહીં બદલે. શનિવારે સવારે 09:00 કલાકે 'માતોશ્રી' જશે. તેમણે કહ્યું હતું કે, 'અમે નથી ઈચ્છતા કે સુરક્ષા વ્યવસ્થા બગડે માટે અમે લોકોને ત્યાં આવવા ના પાડી છે.' નવનીતે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વના કારણે જ મુખ્યમંત્રી પદ પર છે પરંતુ હવે તેઓ પોતાની વિચારધારાને ભૂલી ગયા છે. જ્યારે રવિ રાણાએ કહ્યું હતું કે, 'મેં હનુમાન જયંતી વખતે મુખ્યમંત્રીને હનુમાન ચાલીસાના પાઠમાં આમંત્રિત કર્યા હતા પરંતુ તેઓ વિદર્ભ ન આવ્યા.'
સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માગે છે રાણાઃ NCP
મહા વિકાસ અઘાડી (MVA) સરકારના ઘટક NCPએ પણ ધારાસભ્ય રાણાની જાહેરાત મામલે નિવેદન આપ્યું હતું. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેઓ (રાણા) સરકારને અસ્થિર કરવા અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે આમ કરી રહ્યા છે.
રાણા દંપતી છે બંટી-બબલીઃ સંજય રાઉત
શિવસેનાના સાંસદ સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને રામનવમીની ઉજવણી કરવી તે આસ્થાનો વિષય છે, દેખાડો કરવાનો નહીં. તેમણે કહ્યું હતું કે, 'રાણા જેવા લોકો ભાજપ માટે નૌટંકી અને સ્ટંટ કરનારા પાત્ર છે. લોકો આ પ્રકારના સ્ટંટને ગંભીરતાથી નથી લેતા.' તેમણે રાણા દંપતીને બંટી-બબલી પણ કહી દીધા હતા.