ઈન્ડિગોની મુંબઈથી ગુવાહાટી જતી ફ્લાઈટનું ઢાકામાં ઈમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત
Emergency Landing Of Indigo Flight : આજે સવારે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)નું ઈમરજન્સી લેન્ડિંગ દેશની બહાર બાંગ્લાદેશમાં કરવું પડ્યું હતું. ઢાકા એરપોર્ટના અધિકારીઓને ભારતીય વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળી ત્યારે ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઈટનું લેન્ડિંગ ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. આ પછી તપાસમાં જાણવા મળ્યું કે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ ગુવાહાટી એરપોર્ટ પર લેન્ડિંગ કરી શક્યું ન હતું, તેથી ફ્લાઈટને આસામથી 400 કિલોમીટર દૂર ઢાકા તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી મળી છે.
કોંગ્રેસના નેતાએ જાણકારી આપી
મુંબઈ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સૂરજ સિંહ ઠાકુરે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આપી હતી. તેમણે લખ્યું કે તે મુંબઈથી ગુવાહાટી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા, પરંતુ વચ્ચે ફ્લાઈટને અચાનક ડાયવર્ટ કરાઈ હતી. ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સે જણાવ્યું હતું કે હવામાન ખૂબ જ ખરાબ છે અને ગાઢ ધુમ્મસ છે, તેથી તેઓ કોઈ જોખમ લેવા માંગતા ન હતા. તેમણે કંપની અને એરપોર્ટ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ ફ્લાઈટ ડાયવર્ટ કરી હતી.