દેશભરમાં ગેરકાયદે હોર્ડિંગનું દુષણ, મુંબઈના 14 મોતની ઘટના પછી સ્થાનિક તંત્ર બોધપાઠ લેશે?

Updated: May 14th, 2024


Google NewsGoogle News
દેશભરમાં ગેરકાયદે હોર્ડિંગનું દુષણ, મુંબઈના 14 મોતની ઘટના પછી સ્થાનિક તંત્ર બોધપાઠ લેશે? 1 - image

Mumbai Hoarding Collapse : મુંબઈમાં ગઈકાલે આંધી-તોફાન વચ્ચે ભારે પવનથી એક વિશાળકાય હોર્ડિંગ પડતા 100થી વધુ લોકો દટાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 14ના મોત થયા છે, જ્યારે 74 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એનડીઆરએફની ટીમે હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત અભિયાન ચલાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ આ હોર્ડિંગ નગર નિગમની મંજૂરી વગર ઊભું કરાયું હતું. પરંતુ મહત્ત્વની વાત એ છે કે દેશભરમાં આવા ઘણા હોર્ડિંગો જોવા મળતા હોય છે, તો શું મુંબઈમાં આટલી મોટી ઘટના પછી સ્થાનિક તંત્ર કે સરકાર બોઠપાઠ લેશે?

ધરાશાયી થયેલા હોર્ડિંગનો લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં ઉલ્લેખ

ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ઘાટકોપર પૂર્વમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર છેડા નગરમાં રેલવે પોલીસ ગ્રાઉન્ડ પાસેનાં પેટ્રોલ પંપર પર એક વિશાળ હોર્ડિંગ ગર્ડર સાથે ધરાશાયી થયું હતું. સૌથી મોટી વાત એ છે કે, 17040 ચોરસ ફૂટના હોર્ડિંગનો ઉલ્લેખ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલો છે. બીજી તરફ બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશ (BMC)એ કહ્યું કે, જે સ્થળે ઘટના બની ત્યાં ચાર હોર્ડિંગ હતા અને તેને પોલીસ કમિશ્નર (મુંબઈ રેલ્વે) માટે ACP (વહીવટ) દ્વારા મંજૂરી અપાઈ હતી. એજન્સી/રેલવેએ હોર્ડિંગ લગાવ્યા પહેલા બીએમસીની મંજૂરી અથવા એનઓસી લીધી નથી.

હોર્ડિગ લગાવનાર એજન્સી સામે BMCની FIR

હોર્ડિંગ લગાવનાર એમ/એસ ઈગો મીડિયા એજન્સી સામે ફરિયાદ નોંધાયા બાદ બીએમસીએ FIR નોંધાવી છે. બીએમસીએ કહ્યું કે, અમે વધુમાં વધુ 40x40 ચોરસ ફુટના હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપીએ છીએ. જે હોર્ડિંગ ધરાશાઈ થયું છે, તે 120x120 ચોરસ ફુટનું હતું. બીએમસીએ એમ/એસ ઈગો મીડિયા એજન્સીને તમામ હોર્ડિંગ ઉતારી લેવા નોટિસ પાઠવી છે.

હોર્ડિંગ યોગ્યરીતે દેખાય તે માટે આઠ વૃક્ષોને ઝેર આપ્યું

બીએમસીના હેડક્વાર્ટરમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધા બાદ બીએમસી કમિશનર ભૂષણ ગગરાનીએ કહ્યું કે, ‘ધરાશાયી થયેલું હોર્ડિંગ ગેરકાયદે હતું. રેલવેની હોર્ડિંગ પર ચાર હોર્ડિંગ લગાવાયા હતા અને તેમાંથી એક ધરાશાયી થયું છે. અમે હોર્ડિંગ મામલે એક વર્ષ પહેલા વાંધો ઉઠાવ્યો હતો. ત્યાંથી પસાર થતા લોકોને હોર્ડિંગ યોગ્ય રીતે દેખાય તે માટે છેડાનગર જંકશન પાસેના આઠ વૃક્ષોને ઝેર અપાયું હતું. (વૃક્ષો સુકાઈ જાય તે માટે તેના થડોમાં કેમિકલ નખાયું હતું.) બીએમસીએ આ મામલે 19 મે-2023ના રોજ એક એફઆઈઆર પણ નોંધાવી હતી.’

મૃતકોને પાંચ-પાંચ લાખનું વળતર જાહેર

આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એકશન મોડ પર આવ્યા હતા. તેમણે ઉચ્ચસ્તરીય  તપાસનો આદેશ આપ્યો હતો. મૃતકોને પાંચ લાખનું વળતર જાહેર કરાયું હતું. ઘાયલોને  સારવારનો તમામ ખર્ચ આપવાની જાહેરાત કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને શહેરના તમામ હોર્ડિંગનું સ્ટ્રકચરલ ઓડીટ કરવા સૂચના આપી છે.

મુંબઈમાં ભારે પવનથી અનેક સ્ટ્રક્ચર્સ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ગઈકાલે ભાવે પવનના કારણે બીજાં અનેક સ્ટ્રક્ચર્સ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઈ હતી. શહેરમાં ડસ્ટ સ્ટોર્મ તથા વરસાદને કારણે ટ્રેનો, મેટ્રો સેવાઓ ખોરવાઈ હતી તથા ફલાઈટ્સ પણ એક કલાક માટે બંધ રાખવાની નોબત આવી હતી. કેટલાક દાવા અનુસાર આશરે 100 કિમી કરતાં પણ વધુ ઝડપે ફૂંકાયેલી આંધીના કારણે ધૂળના રજકણોથી વિઝિબિલિટી એકદમ પુઅર થઈ ગઈ હતી. ઓવરહેડ કેબલને નુકસાનના કારણે મુંબઈની વેસ્ટર્ન તથા સેન્ટ્રલ લાઈનની લોકલો થોડા સમય માટે થોભાવી દેવાઈ હતી અને બાદમાં બન્ચિંગના કારણે સાંજના પિકઅપ અવર્સમાં ટ્રેનો મોડી પડી હતી. ઈલેક્ટ્રિકલ ખામીને પગલે ઘાટકોપર-વર્સોવા મેટ્રો ટ્રેન પણ થોભાવી દેવી પડી હતી. મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી જતાં આશરે એક કલાક કરતાં વધારે સમય સુધી ફલાઈટ્સનું આવાગમન અટકાવી દેવાયું હતું અને 15 ફલાઈટ્સને અન્યત્ર ટાળવામાં આવી હતી. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરાંત અટલ સેતુ અને નવા બનેલા કોસ્ટલ રોડ પર પણ વિઝિબિલિટીના અભાવે કારચાલકોએ થંભી જવાની ફરજ પડી હતી. 


Google NewsGoogle News