મુંબઈ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો, પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો ડ્રાઈવર
Mumbai Bus Accident: મહારાષ્ટ્રના મુંબઈમાં કુર્લા બસ દુર્ઘટનામાં ઘણાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવરને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. તે પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો. આ પહેલા તે કાર અને વાન ચલાવતો હતો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને બેસ્ટ (બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. તે પહેલી ડિસેમ્બરથી ફરજ પર હતો.
અકસ્માતમાં સાત લોકોના મોત
આ અકસ્માત સોમવારે (નવમી ડિસેમ્બર) રાત્રે 9:50 વાગ્યે એસજી બારવે રોડ પર અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ નજીક એલ વોર્ડની સામે થયો હતો. મુસાફરોથી ભરેલી બસ કાબૂ બહાર ગઈ અને ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. સ્પીડમાં આવતી બસે અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 49 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
'ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો'
તપાસ દરમિયાન અનેક પ્રકારના સવાલો ઊભા થવા લાગ્યા હતા. DCP ઝોન 5 ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે, 'પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. બસને સ્થળ પરથી હટાવી લેવામાં આવી છે. બસની આરટીઓ તપાસ કરશે. મામલાની તપાસ ચાલુ છે.' બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે, 'ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. જેના કારણે આ અકસ્માત થયો હતો.' જ્યારે કેટલાકે કહ્યું કે, 'આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ છે.'
પોલીસના જણાવ્યાનુસાર, 'બસ ડ્રાઈવરને મોટું વાહન ચલાવવાનો અનુભવ નથી. તે પહેલી ડિસેમ્બરથી સરકારી બસ ચલાવતો હતો. હવે ડ્રાઈવરના ઓછા અનુભવને કારણે આવું થયું કે અકસ્માત પાછળ કોઈ અન્ય કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઈવરનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે. તેની પૂછપરછ ચાલુ છે.'