ફેસબુક LIVE દરમિયાન ઉદ્ધવ જૂથના નેતાની ગોળી મારી હત્યા, હુમલાખોરની પણ આત્મહત્યા
ઘટના વખતે અભિષેક ઘોસાલકર હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ કરી રહ્યા હતા
વિનોદ ઘોસાલકરના પુત્ર અને પૂર્વ નગરસેવક અભિષેકને ત્રણ ગોળીઓ વાગી
Firing on Shiv Sena UBT leader : મુંબઈમાં શિવસેના યુબીટીના નેતા અભિષેક ઘોસાલકર (Abhishek Ghosalkar) પર જીવલેણ હુમલો કરાયો છે. ફેસબુક લાઈવ વખતે ઘોસાલકર પર આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં તેમનું મોત થયું હતું. ઈજાગ્રસ્ત શિવસેના નેતાને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અભિષેક પર હુમલો કરવાના થોડા સમય બાદ હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી છે. ઘટના વખતે અભિષેક હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ (Facebook Live) કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.
અભિષેકને ત્રણ ગોળીઓ વાગી
મળતા અહેવાલો મુજબ મુંબઈના દહિસર વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે શિવસેના યુબીટીના નેતા અભિષેક ઘોસાલકર પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ હુમલામાં અભિષેકને ત્રણ ગોળીઓ વાગી હતી. તેમના નજીકની કરૂણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.
પરસ્પર વિવાદના કારણે ફાયરિંગ
ગોળીબારનો શિકાર બનેલા ઘોસાલકર પૂર્વ નગરસેવક હતા. તેઓ શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર હતા. એવું કહેવાય છે કે, પરસ્પર વિવાદને કારણે આ ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગની ઘટના વાયુવેગે ફેલાયા બાદ હોસ્પિટલ બહાર શિવસેના ઉદ્ધવ જૂથના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જમા થયા હતા. ઘટના બાદ ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. પાર્ટી નેતાઓનું કહેવું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઘટનાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.