બાબા સિદ્દિકી હત્યાકાંડ મામલે પૂછપરછમાં નવો ખુલાસો, લોરેન્સ બિશ્નોઈના ભાઈના સંપર્કમાં હતા શૂટર્સ
Baba Siddique Murder Case Update: બાબા સિદ્દિકીની હત્યાના મામલે તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, આ કેસમાં શૂટરની લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથેની લિંક મળી છે. ક્રાઈમ બ્રાન્ચ અનુસાર, આરોપીઓની પૂછપરછમાં જણકારી મળી કે, શૂટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ સાથે સીધા સંપર્કમાં હતો. જોકે, પૂછપરછમાં હત્યાનું કારણ જાણી શકાયું નથી.
ક્રાઈમ બ્રાન્ચને મળી લિંક
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને NCP નેતા બાબા સિદ્દિકીની હત્યાના મામલે તપાસ દરમિયાન પહેલીવાર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની શૂટર સાથે સીધી લિંક મળી ગઈ છે. મળતી માહિતી મુજબ, હત્યા કરનાર શંકાસ્પદ ત્રણ શૂટર્સે હત્યા પહેલાં એક ઈન્સ્ટન્ટ મેસેંજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાતચીત કરી હતી. અનમોલ બિશ્નોઈ પણ એક શૂટર અને સમગ્ર ઘટનાનું કાવતરૂં રચનાર પ્રવીણ લોનકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાના આરોપીઓના સંપર્કમાં હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈને આપી હત્યાની ધમકી, એક કરોડ 11 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર
10 આરોપીઓની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દિકી હત્યાના મામલે અત્યાર સુધી 10 આરોપીની ધરપકડ કરી છે, જેમાં બે શૂટર અને હથિયાર સપ્લાયર પણ સામેલ છે. બાબા સિદ્દિકીની હત્યા મામલે શૂટર શિવકુમાર ગૌતમ અને પોલીસે જેને આરોપી જણાવ્યાં તેમાંથી ઘણાં હજુ ફરાર છે. આરોપી સ્નેપચેટ દ્વારા એકબીજાના સંપર્કમાં હતાં અને મેસેજના માધ્યમથી નિર્દેશ મળ્યા બાદ તેને તુરંત ડિલીટ કરી દેતા હતાં. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના સ્નેપચેટની ઝીણવટભરી તપાસ કરતાં જાણ થઈ કે, શૂટર અને પ્રવીણ લોનકર સીધા અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતાં.
આ પણ વાંચોઃ VIDEO : જામિયા યુનિવર્સિટીમાં ફરી હોબાળો, દિવાળીની ઉજવણી પર રોકથી મામલો બીચક્યો
આ મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ જલ્દી જ MCOCA (Maharashtra Control of Organised Crime Act)સંબંધિત ધારાઓ જોડવાની તૈયારીમાં છે. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને એવા ઘણાં સ્નેપચેટ એકાઉન્ટની જાણકારી મળી, જેની મદદથી આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહેતા હતાં.