VIDEO : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ગુજરાતની 6 નદીઓ પરથી 100KMનો બ્રિજ તૈયાર, જાણો કેટલું કામ પૂર્ણ થયું

પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
VIDEO : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ગુજરાતની 6 નદીઓ પરથી 100KMનો બ્રિજ તૈયાર, જાણો કેટલું કામ પૂર્ણ થયું 1 - image


Mumbai Ahmedabad Bullet Train : મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ બુલેટ ટ્રેન કોરીડોરનું નિર્માણ કરતી કંપની નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ગઈકાલે એક અપડેટ જાહેર કર્યું હતું. જેમાં આ મહત્વકાંક્ષી પરિયોજના માટે 100 કિલોમીટર વાયાડક્ટ અને 230 કિમી પિલરનું કામ પૂર્ણ થઇ ગયું છે.

રેલવે મંત્રીએ જાહેર કર્યો વીડિયો 

આ પ્રોજેક્ટ માટે 100 KM લાંબો પુલ તૈયાર કરવામાં આવ્યો છે અને 230 KM સુધી માર્ગ પર પિલર તૈયાર થઇ ગયા છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં બુલેટ ટ્રેનનું કામ કેટલું પૂર્ણ થયું અને તે કેવું દેખાઈ રહ્યું છે તેના વિશે માહિતી આપે છે. ઉપરાંત NHSRCLએ જણાવ્યું હતું કે, 40 મીટર લાંબા ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ અને સેગમેન્ટલ ગર્ડર્સના લોન્ચિંગ દ્વારા 100 KMના વાયાડક્ટના નિર્માણનું મોટું માઇલસ્ટોન પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પુલ ગુજરાતની 6 નદીઓને ઓળંગશે 

NHSRCLના જણાવ્યા અનુસાર, તૈયાર કરવામાં આવેલ આ પુલ ગુજરાતની 6 નદીઓ પર બનાવેલ છે. જેમાં વલસાડ જિલ્લાના પાર અને ઔરંગા તેમજ નવસારી જિલ્લાના પૂર્ણા, મીંઢોળા, અંબિકા અને વેંગાનિયાનો સમાવેશ થયા છે. આ પ્રોજેક્ટનો પ્રથમ ગર્ડર 2021ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો, જ્યારે વાયડક્ટનો પ્રથમ કિલોમીટર 2022ના રોજ પૂર્ણ કરવામાં આવ્યો હતો. 

પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી 

આ ઉપરાંત જાપાનીઝ શિંકનસેનમાં વપરાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટમાંથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરતમાં શરૂ કરવામાં આવ્યું છે.  મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયા ચૂકવશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 5,000 કરોડ રૂપિયા ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન બે કલાકમાં 500 કિમીથી વધુનું અંતર કાપશે. 



Google NewsGoogle News