શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ
Image Twitter |
Elphinstone Bridge To Be Demolished: મુંબઈનું હૃદય ગણાતો અને લગભગ 125 વર્ષ પહેલાં બનેલો એલફિંસ્ટન બ્રિજ પ્રભાદેવી અને પરેલ રેલ્વે સ્ટેશન પરથી પસાર થાય છે. તાજેતરમાં જ સરકારે તેને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે, અને તે પછી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડબલ-ડેકર બ્રિજ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, અને તેની જવાબદારી MMRDA ને સોંપવામાં આવી છે.
આ પુલના પાટા પર ડબલ-ડેકર બ્રિજ બનાવવા માટે પુલને તોડીને ઓપન વેબ ગર્ડર ડિઝાઇનનો ઉપયોગ કરી પૂનનિર્માણ કરવામાં આવશે. જેમાં 2+2 લેનનો સમાવેશ થાય છે. ત્યાર બાદ વર્લી-સેવરી કનેક્ટરનો ઉપરનો ડેક બનાવવામાં આવશે, જે તેની ઉપરથી પસાર થશે. એલફિંસ્ટન બ્રિજ શહેરમાં બ્રિટિશ યુગના પુલોમાંથી સૌથી નવો છે.
આ પણ વાંચો: ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર
મુંબઈમાં બ્રિટિશકાળના ઓવરબ્રિજ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેટા પરથી ખ્યાલ આવે છે કે, મુંબઈ શહેરને મજબૂત બનાવવા માટે 300થી વધુ પુલો બનાવેલા છે. જેમાથી શહેરના આશરે 22 બ્રિજનું નિર્માણ બ્રિટિશ યુગમાં થયેલું છે. જ્યારે કેટલાક બ્રિજનું મૂળ વર્ષ અનિશ્ચિત છે. શરૂઆતના કેટલાક પુલોમાં 1879માં સ્થાપિત હેનકોક બ્રિજ, 1887માં સ્થાપિત મઝગાંવ ખાતેનો ઓલિવેન્ટ બ્રિજ, 1893નો બેલાસિસ પુલ વગેરેનો સમાવેશ થાય છે.
'બોમ્બે: ધ સિટીઝ વિધીન' પુસ્તકમાં આપેલી માહિતી પ્રમાણે નવા રસ્તાઓ અને પુલોનું બાંધકામ 1800ના દાયકાના અંતમાં શરૂ થયું હતું, જ્યારે 1866 માં અસામાન્ય રીતે ભારે વરસાદના કારણે બોમ્બેના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું અને બ્રિટિશ વહીવટીતંત્ર નવા પુલ બનાવવા માટે પ્રેરિત થયું હતું.
શું છે આખો વિવાદ
એલફિંસ્ટન બ્રિજ 25 એપ્રિલથી બે વર્ષ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજી વખત આ યોજના નિષ્ફળ રહી હતી. આ નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)દ્વારા લેવામાં આવ્યો છે, 125 વર્ષ જૂના આ પુલને તોડીને અહીં એક આધુનિક ડબલ-ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે, પરંતુ પહેલા તેને 10 એપ્રિલે બંધ કરવાનું આયોજન હતું, પછી તેને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ નાગરિકોના અભિપ્રાય લીધા પછી હવે 25 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી પુલ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પછીથી ભારે વિરોધ બાદ હવે MMRDA એ વધુ બે દિવસનો સમય આપ્યો છે. જે લઈને સોમવારે એટલે કે 28 એપ્રિલ એક બેઠક પણ યોજાશે.
બ્રિજ બંધ થશે તો તેનો બીજો વિકલ્પ શું
ઉલ્લેખનીય છે કે, એલફિંસ્ટન બ્રિજ ઘણી હોસ્પિટલો અને વ્યવસાયિક વિસ્તારો સાથે જોડાયેલો છે. જેથી જો તે બંધ કરવામાં આવે તો લોકોને ભારે ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે એક નવો ડાયવર્ઝન પ્લાન અમલમાં મૂક્યો છે. જે સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તિલક બ્રિજ (દાદર), ચિંચપોકલી બ્રિજ પરેલ પૂર્વથી પ્રભાદેવી/લોઅર પરેલ તરફ બંને દિશામાં ખુલ્લો રહેશે. કરી રોડ બ્રિજ પર સમયાંતરે અવરજવર કરી શકાશે.
કેવો હશે મુંબઈનો ડબલ ડેકર બ્રિજ
એલફિંસ્ટન બ્રિજની જગ્યાએ એક નવો 4.5 કિ.મી લાંબો ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે. જેને શિવરી-વર્લી એલિવેટેડ કલેક્ટર નામ આપવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર અટલ સેતુ (પૂર્વ) થી શરૂ થઈને બાંદ્રા-વર્લી સી લિંક (પશ્ચિમ) સુધી જશે. પરેલ સ્ટેશનના નોર્થ ફૂટ ઓવર બ્રિજને હવે નોન-ટિકિટ ઝોન બનાવવામાં આવ્યો છે, જેથી સામાન્ય જનતા સરળતાથી મુસાફરી કરી શકે. આ ઉપરાંત, એક નવો સાઉથ ફૂટ ઓવર બ્રિજ પણ લગભગ તૈયાર છે જે ટૂંક સમયમાં ચાલુ કરી દેવામા આવશે.
લેવલ 1: ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડને સેનાપતિ બાપટ માર્ગ સાથે જોડશે, તેમાં દરેક દિશામાં બે લેન હશે.
લેવલ 2: અટલ સેતુને બાંદ્રા-વરલી સી લિંક સાથે જોડવામાં આવશે, આ પણ ચાર લેનનો હશે. રેલ્વે લાઇનો પાર કરવા માટે સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને આ "પુશ-પુલ" ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેથી ટ્રેન સેવાઓને કોઈ અસર ન થાય.