ગરીબી રેખા નીચે જીવતાં સૌથી વધુ લોકો ભારતમાં, 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાનો સરકારી દાવો પોકળ
India Multidimensional Poverty Index : તાજેતરમાં ‘યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ અને ‘ઑક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિએટિવ’ દ્વારા એક ‘મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ’ (બહુપરિમાણીય ગરીબી સૂચકાંક) અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે, જે દુનિયામાં સૌથી વધુ અભાવોમાં જીવતાં લોકો વિશે આંકડા દર્શાવે છે. અહેવાલમાં કહેવાયું છે કે ગરીબી રેખા નીચે જીવતાં લોકોની યાદીમાં ભારત પહેલા નંબરે આવ્યું છે.
સરકારી દાવાની પોલ ખૂલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર પોતાના ભાષણોમાં કહ્યા કરે છે કે એમણે દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે, પણ તાજા અહેવાલમાં એમના દાવાનું સૂરસૂરિયું થઈ ગયું છે. યુ.એન.નો અહેવાલ કહે છે કે દુનિયામાં કુલ 110 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે, જેમાં 23.4 કરોડના આંકડા સાથે ભારતમાં નંબર વન સાબિત થયું છે.
ટોપ 5 બીજા કયા દેશો છે?
ભારત પછી બીજા નંબરે છે પાકિસ્તાન, જેના 9.3 કરોડ નાગરિકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ત્રીજા નંબરે 8.6 કરોડ સાથે ઈથોપિયા, ચોથા નંબરે 7.3 કરોડ સાથે નાઇજીરીયા અને 6.6 કરોડ લોકો સાથે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોનું નામ આવે છે.
વિશ્વના કુલ ગરીબો પૈકીના અડધોઅડધ ટોપ 5 દેશોમાં!
વિશ્વમાં કુલ 110 કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ટોચના પાંચ દેશોમાં ગરીબી રેખા નીચે જીવતાં લોકોની કુલ સંખ્યા લગભગ 55 કરોડ જેટલી થવા જાય છે, જે કુલ ગરીબ વસ્તીના લગભગ 50 ટકા થઈ જાય છે.
આ પણ વાંચો : ભારત કે પાકિસ્તાન... સૌથી વધુ ગરીબો કયા દેશમાં ? UNએ જાહેર કર્યો પાંચ દેશનો રિપોર્ટ
ક્યાં વધુ ગરીબી? શહેરોમાં કે ગામડાંમાં?
અહેવાલ મુજબ વિશ્વના ગરીબી રેખા નીચે જીવતાં કુલ લોકોમાં 83%થી વધુ લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જ્યારે શહેરી વસ્તીના માત્ર 6.6% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આમ, શહેરો કરતાં ગામડાંમાં ગરીબી દર વધારે છે. એનું કારણ ભણતરનું ઓછું પ્રમાણ અને આજીવિકાના મર્યાદિત વિકલ્પોની ઉપલબ્ધતા છે.
આવા અભાવોમાં જીવે છે ગરીબો
અહેવાલ નિર્દેશ કરે છે કે, ગરીબી રેખા નીચે જીવતાં વિશ્વના 110 કરોડ લોકો પૈકી 82.8 કરોડ લોકો પાસે પર્યાપ્ત સ્વચ્છતા નથી હોતી, 88.6 કરોડ લોકો પાસે યોગ્ય આવાસનો અભાવ છે, 99.8 કરોડ લોકોને રસોઈ માટે ઇંધણ મળતું નથી, અને અડધાથી વધુ એટલે કે કુલ 63.7 કરોડ લોકો પોષણક્ષમ આહારને અભાવે કુપોષિત છે.
આ રીતે તૈયાર થયો અહેવાલ
આ વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંક તૈયાર કરવા માટે દુનિયાના 112 દેશોના તુલનાત્મક ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં ઓછી આવક ધરાવતા 21 દેશ, ઓછીથી મધ્યમ આવકવાળા 47 દેશ, ઉચ્ચ-મધ્યમ આવકવાળા 40 દેશ અને ઊંચી આવક ધરાવતા 4 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બહુપરીમાણીય ગરીબીને માપવા માટે પ્રત્યેક વ્યક્તિને મળતા આરોગ્ય અને શિક્ષણ જેવી સવલતો તથા એના જીવનધોરણને લગતા 10 સૂચકાંકોને આવરી લેવાયા હતા.
સમગ્ર 112 દેશોમાં વસતા કુલ 6.3 અબજ લોકોમાંથી 1.1 અબજ વ્યક્તિઓ એટલે કે 18.3 % લોકો તીવ્ર ગરીબીમાં જીવતા હોવાનું માલૂમ પડ્યું છે. ગરીબીમાં જીવતા^ અડધાથી વધુ બાળકો છે.
અહેવાલ દર્શાવે છે કે વિશ્વના લગભગ અડધા ગરીબ સબ-સહારન આફ્રિકન દેશોમાં રહે છે. આ આંકડો 55.3 કરોડ જેટલો છે. દક્ષિણ એશિયન દેશોમાં ત્રીજા ભાગથી વધુ એટલે કે 40.2 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.
આ છે ગરીબીની મારના મુખ્ય કારણો
આ અહેવાલ કહે છે કે, લગભગ 40% એટલે કે 45.5 કરોડ લોકો ગરીબી રેખા નીચે રહેતા હોવાનું મુખ્ય કારણ છે યુદ્ધ અને અસ્થિરતાનો માહોલ. યુદ્ધથી પ્રભાવિત દેશોમાં ગરીબીનો દર 34.8% છે, જે સંઘર્ષનો અનુભવ ન કરતાં દેશોના દર (10.9%) કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. યુદ્ધને કારણે જાનહાનિ થતી હોય છે, પરિવારો તૂટતા હોય છે અને લાખો લોકો વિસ્થાપિત થતા હોય છે, જેને લીધે નિશ્ચિત આજીવિકા રળવામાં વિક્ષેપ ઊભો થતો હોય છે.
- 21.8 કરોડ લોકો યુદ્ધગ્રસ્ત દેશોમાં રહે છે.
- 33.5 કરોડ લોકો સંઘર્ષથી પ્રભાવિત પરિસ્થિતિઓમાં જીવે છે.
- 37.5 કરોડ લોકો અશાંતિપૂર્ણ માહોલમાં જીવે છે.
- 28.9 કરોડ લોકો (એટલે કે 25.1%) ઉપરની ત્રણમાંથી બે અથવા વધુ પરિસ્થિતિઓનો અનુભવ કરે છે, જ્યારે 18.4 કરોડ લોકો (16%) ત્રણેયનો અનુભવ કરે છે.