સુરત બાદ ઝારખંડમાં પણ ઈમારત ધરાશાયી, 6થી 7 લોકો દટાયાની આશંકા, બચાવ કામગીરી શરૂ
Jharkhand building Collapse| ગુજરાતના સુરત બાદ હવે ઝારખંડના દેવઘરમાં પણ એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
કમિશનરે આપી માહિતી...
દેવઘરના કમિશનર વિશાલ સાગરે કહ્યું કે સીતા હોટલ પાસે એક ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને આરોગ્ય વિભાગની ટીમ સાથે ફાયર અને પોલીસ વિભાગ પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.
6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા
દેવઘર કમિશનરના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોએ બે બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબે, દેવઘરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ પણ ઘટનાસ્થળે હાજર છે. નિશિકાંત દુબેએ એક પોસ્ટમાં લખ્યું કે સ્થાનિક લોકોએ અત્યાર સુધીમાં 3 લોકોને બચાવ્યા છે અને NDRFએ 1 મહિલાને બચાવી છે. બચાવ કાર્ય ચાલુ છે, દેવઘર AIIMS એ ઘાયલો માટે સારવારની સુવિધા કરી છે.